બનાસકાંઠા,
ચૈત્રી નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. આગામી આ મહિનાની ૧૮ માર્ચથી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થાય છે. નવરાત્રી દરમ્યાન લાખોની સંખ્યામાં માં અંબાજીના ભક્તો દર્શન કરવા માટે આવે છે.
આથી કોઈ આકસ્મિક ઘટના રોપ-વે પર ન બને તે માટે મંગળવારથી મેન્ટેનન્સ હાથ ધરવામાં આવ્યું છે. જેને લઈને ૬ દિવસ સુધી રોપ-વેની સેવા બંધ રાખવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી તીર્થધામ ભારતના 51 શક્તિપીઠ પૈકીનું એક અને પરમ પવિત્ર શક્તિપીઠ છે.મા અંબાનું મૂળસ્થાન શક્તિપીઠ મંદિર અરવલ્લી પર્વતમાળાના ગબ્બર પર્વત પર આવેલું છે. મા અંબાજી શક્તિપીઠની ગણના વેદોમાં વર્ણિત 51 શક્તિપીઠોમાં થાય છે. એવી પણ માન્યતા છે કે મા સતીના હૃદયનો એક ટૂકડો અહીં પડ્યો હતો. અંબાજી આવેલ શ્રદ્ધાળુઓ દર્શન અને મનોકામના પૂરતી માટે ગબ્બર પર્વત પર આવેલ માતાના મંદિરે અવશ્ય જાય છે. આ મંદિરમાં માં ની અખંડ જ્યોત પ્રજ્વલિત રહે છે.
અંબાજી મંદિર આરસપહાણથી બનેલ છે. ગબ્બર પર્વત ઉપર ચઢવા 999 પગથીયા ચડવું પડે છે. બાળકો અને વૃધ્ધો માટે માતાજીના દર્શનથી વંચિત ન રહે તે માટે 1998થી અહી ઉડન ખટોલા એટલે કે રોપ-વેની સુવિધા શરૂ કરવામાં આવી છે.
છેલ્લા ૬૦ વર્ષથી ચૈત્રી નવરાત્રીના દિવસ દરમ્યાન દિવસ-રાત અખંડ જાય અંબેની ધૂન ચાલે છે. ખાસ કરીને પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે.
