Surendranagar Police Firing: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે પોલીસ (Police) કાર્યવાહી દરમિયાન અચાનક હિંસક સ્થિતિ સર્જાઈ હતી. ગુનાની તપાસના ભાગરૂપે આરોપી સાથે રિ-કન્સ્ટ્રક્શન માટે પહોંચેલી પોલીસ ટીમ પર આરોપીએ હુમલો કરતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. પરિસ્થિતિ કાબૂમાં લેવા PSIને સ્વ-બચાવમાં ગોળી ચલાવવી પડી હતી, જેમાં આરોપી ઘાયલ થયો છે.
રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન અચાનક હુમલો
પ્રાપ્ત માહિતી અનુસાર, મારામારીના એક કેસમાં ઝડપાયેલા આરોપી દેવરાજ બોરાણાને પોલીસ (Police) ટીમ તપાસની પ્રક્રિયા અંતર્ગત શિયાણી ગામે રિ-કન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. આ દરમિયાન અચાનક આરોપી ઉશ્કેરાયો હતો અને પોતાની પાસે રહેલી છરી કાઢીને પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હતી, જેને પગલે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

PSIએ લીધો તાત્કાલિક નિર્ણય
આરોપી વધુ હિંસક બને અને પોલીસ (Police) કર્મચારીઓના જીવને ખતરો ઊભો થાય તે પહેલાં સ્થળ પર હાજર PSI વી.એમ. કોડિયાતરે તાત્કાલિક નિર્ણય લીધો હતો. તેમણે સ્વ-બચાવ અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન ગોળી આરોપીના પગમાં વાગતા તે નીચે પડી ગયો હતો.
આરોપી અને પોલીસ (Police) કર્મચારી સારવાર હેઠળ
ઘટના બાદ તરત જ ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારી તેમજ ગોળી વાગવાથી ઘાયલ થયેલા આરોપી દેવરાજ બોરાણાને 108 એમ્બ્યુલન્સ મારફતે લીંબડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે
આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈને વધુ વિગતો એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
