Surendranagar News/ સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરી પર EDના દરોડા કેમ પડ્યા? જાણો કારણ

ed દ્વારા નાણાકીય લેવડદેવડ, મંજૂરી પ્રક્રિયા અને નિયમભંગ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે

Gujarat Others
ED

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી તંત્રને હચમચાવી દેતો જમીન અને સોલાર પ્લાન્ટ કૌભાંડ સામે આવ્યો છે. ઘુડખર અભયારણ્યની નજીક નિયમોનું ઉલ્લંઘન કરીને સોલાર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી હોવાના ગંભીર આરોપો બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મામલામાં જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.

કલેક્ટરને ‘વેઇટિંગ ઇન પોસ્ટિંગ’ પર મૂકાયા

કલેક્ટરને ‘વેઇટિંગ ઇન પોસ્ટિંગ’ પર મૂકાયા

કથિત કૌભાંડ પ્રકાશમાં આવતા રાજ્ય સરકારે તાત્કાલિક પગલું ભરી સુરેન્દ્રનગરના કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની બદલી કરી છે. તેમને હાલ ‘વેઇટિંગ ઇન પોસ્ટિંગ’ પર મૂકવામાં આવ્યા છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ જવાબદારી સોંપવામાં આવી નથી. બીજી તરફ, જિલ્લા વિકાસ અધિકારી (DDO) કે.એસ. યાજ્ઞિકને આગામી આદેશ સુધી સુરેન્દ્રનગરના કલેક્ટર પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

ઘુડખર અભયારણ્ય નજીક સોલાર પ્લાન્ટને વિવાદાસ્પદ મંજૂરી

રાજ્ય સરકારે તાત્કાલિક પગલું ભરી સુરેન્દ્રનગરના કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની બદલી કરી છે

ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામ નજીક, ઘુડખર અભયારણ્યની આસપાસ ખાનગી કંપની એન.એસ.ઈ. દ્વારા મોટા પાયે સોલાર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. મોટી માલવણ ગામના રહેવાસી અશ્વિનભાઈ માળવણિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે કંપનીએ ખેડૂતો પાસેથી 30 વર્ષના ભાડાપટ્ટે જમીન લીધી હતી, પરંતુ જમીનનું બિનખેતી (NA) કરાવ્યા વિના જ પ્લાન્ટનું કામ શરૂ કરી દેવાયું હતું.

850 કરોડનો પ્લાન્ટ 60 કરોડ દર્શાવી કરોડોની ફી બચાવાઈ?

આ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારો મુદ્દો વન્યજીવ સંરક્ષણ ફીનો છે. નિયમ મુજબ, ઘુડખર અભયારણ્ય જેવી સંરક્ષિત જગ્યા નજીક કોઈપણ પ્રોજેક્ટ માટે કુલ મૂડી રોકાણના 1 ટકા જેટલી રકમ વન્યજીવ સંરક્ષણ ફી તરીકે સરકારમાં જમા કરાવવી ફરજિયાત છે.

ફરિયાદ મુજબ, કંપનીએ શરૂઆતમાં સોલાર પ્લાન્ટનું મૂડી રોકાણ માત્ર રૂ.60 કરોડ દર્શાવ્યું અને તેના 1 ટકા લેખે રૂ.60 લાખ સરકારમાં ભર્યા. બાદમાં કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો કે પ્લાન્ટમાં વાસ્તવિક રોકાણ રૂ.850 કરોડ જેટલું થઈ ચૂક્યું છે. તેમ છતાં વધારાની રકમ મુજબની ફી ભરવામાં આવી નહોતી. આ રીતે આશરે રૂ.7.90 કરોડની વન્યજીવ સંરક્ષણ ફી ચોરી કરાઈ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જેની ED દ્વારા તપાસ કરવામાંઆવી રહી છે.

નિયમો ભંગ કરીને પણ મંજૂરી આપવામાં આવી હોવાનો આક્ષેપ

અરજદારોનો આરોપ છે કે કંપનીના માલિકોએ જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી હતી કે પ્લાન્ટમાં ખર્ચ વધી ગયો છે અને હવે મંજૂરી નહીં મળે તો નુકસાન થશે. આ રજૂઆતને ગ્રાહ્ય રાખી નિયમોનું ઉલ્લંઘન છતાં કલેક્ટરે સોલાર પ્લાન્ટને મંજૂરી આપી દીધી.

આ ઉપરાંત, સોલાર પ્લાન્ટ આસપાસના ખેડૂતો તેમજ રેવન્યુ વિભાગની જરૂરી મંજૂરી નિયમ મુજબ લેવાઈ નથી, છતાં પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. એપ્રિલ 2025થી સોલાર પ્લાન્ટ કાર્યરત છે અને દૈનિક રૂ.35થી 40 લાખની વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું હોવાનું પણ જણાવાયું છે.

ખેડૂતોને નુકસાન, તંત્ર મૌન?

સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે સોલાર પ્લાન્ટના કામ દરમિયાન તેમની જમીન, ગામના રસ્તા અને પીવાના પાણીની પાઈપલાઈનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અનેક વખત લેખિત ફરિયાદો છતાં વહીવટી તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.

PMO અને CVC સુધી ફરિયાદ, ત્યારબાદ EDની એન્ટ્રી

PMO અને CVC સુધી ફરિયાદ, ત્યારબાદ EDની એન્ટ્રી

અરજદારોએ જિલ્લા કલેક્ટર કચેરી, ગાંધીનગર વન વિભાગ સહિત વિવિધ સ્તરે રજૂઆતો કરી હતી. જ્યારે ત્યાંથી પણ કોઈ કાર્યવાહી ન થતા આખરે આ મામલો વડાપ્રધાન કાર્યાલય (PMO) અને કેન્દ્રીય તકેદારી આયોગ (CVC) સુધી પહોંચાડવામાં આવ્યો હતો. અરજદારનો દાવો છે કે ઉચ્ચ સ્તરે થયેલી આ રજૂઆતના પગલે જ તાજેતરમાં EDની ટીમોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે.

ED દ્વારા નાણાકીય લેવડદેવડ સહિતની તપાસ શરૂ

હાલ આ સમગ્ર મામલામાં ED દ્વારા નાણાકીય લેવડદેવડ, મંજૂરી પ્રક્રિયા અને નિયમભંગ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ મોટા ખુલાસા થવાની શક્યતા નકારી શકાય નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં EDના દરોડામાં 1,500 કરોડનું કૌભાંડ નીકળ્યું, કલેક્ટર સામે શંકાની સોય

આ પણ વાંચો: લખતર ખાતે EDના દરોડા, કલેક્ટરના PA સહિત અધિકારીઓના ઘરે ચેકિંગ

આ પણ વાંચો: દુબઈમાં લગ્ન બન્યા ભારી, EDએ રાખી ચાંપકી નજર, યુટ્યુબર પાસેથી જપ્ત કરાઇ લેમ્બોર્ગિની અને મર્સિડીઝ