Ahmedabad News: ભારત સરકાર દ્વારા આયોજિત ‘જનગણના-2027′ (Sensus)અંતર્ગત સમગ્ર દેશ અને રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં પણ ડિજિટલ માધ્યમથી ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration)નો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી પોતાના પરિવારની વિગતો ઓનલાઈન ભરીને આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.

આ જ કડીમાં પ્રેરણા લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સિટી સેન્સસ વિભાગ દ્વારા શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણી રાજકીય મહાનુભાવો, મંત્રીશ્રીઓ તેમજ ધારાસભ્યશ્રીઓ(MLA)ની સ્વ-ગણતરી પ્રક્રિયા ઓનલાઈન પોર્ટલના માધ્યમથી સફળતાપૂર્વક પૂર્ણ કરાવવામાં આવી છે.

Sensusમાં શરૂ થઈ ડિજિટલ સ્વગણતરીઃ અનેક ધારાસભ્યોએ કરાવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના જનગણના વિભાગના વિશેષ સંકલનથી શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, મણિનગરના ધારાસભ્યશ્રી અમુલ ભટ્ટ, ઠક્કરબાપાનગરના ધારાસભ્યશ્રી શ્રીમતી કંચનબહેન રાદડિયા, વેજલપુરના ધારાસભ્યશ્રી અમિત ઠાકર, એલિસબ્રિજના ધારાસભ્યશ્રી અમિત શાહ, નરોડાના ધારાસભ્ય ડૉ. પાયલબહેન કુકરાણી, અમરાઈવાડીના ધારાસભ્યશ્રી ડૉ. હસમુખ પટેલ, નારણપુરાના ધારાસભ્યશ્રી જીતુભાઈ પટેલે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Sensusમાં ડિજિટલ સ્વગણતરીઃ અનેક MLAએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
સાબરમતીના ધારાસભ્ય ડૉ. હર્ષદ પટેલ, ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઈ ઝડફિયા, પૂર્વ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીતથા પૂર્વ ધારાસભ્યશ્રી પ્રદીપભાઈ પરમાર તેમજ વિવિધ વોર્ડના કાઉન્સીલરશ્રીઓએ ટેક્નોલોજીના સચોટ ઉપયોગ દ્વારા પોતાના પરિવારની વિગતો સત્તાવાર વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને ડિજિટલ જનગણનામાં પોતાની સક્રિય અને જવાબદાર ભાગીદારી નોંધાવી છે.

Sensusમાં ડિજિટલ સ્વગણતરીમાં જોડાવવા અપીલ
આ પ્રસંગે તમામ મહાનુભાવોએ અમદાવાદ શહેરના પ્રબુદ્ધ નાગરિકોને રાષ્ટ્રીય હિતની આ મહત્વપૂર્ણ કવાયતમાં જોડાવા હાર્દિક અપીલ કરી હતી. તેમણે સંયુક્ત સૂર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વસ્તી ગણતરી-2027માં પ્રથમ વખત શરૂ કરવામાં આવેલી ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) પદ્ધતિ અત્યંત સરળ, સુરક્ષિત, પારદર્શક અને અનુકૂળ ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે છે. નાગરિકો પોતાના ઘરે બેઠા ગમે ત્યાંથી સત્તાવાર વેબ પોર્ટલ https://.se.census.gov.in દ્વારા સમયસર અને સચોટ માહિતી આપી શકે છે, જે દેશના સર્વગ્રાહી વિકાસ, નીતિ-નિર્ધારણ અને સશક્ત તેમજ વિકસિત ભારતના નિર્માણમાં પાયાનું યોગદાન બનશે.

ડિજિટલ સ્વગણતરી 31 મે સુધી ચાલશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી સેન્સસ વિભાગ દ્વારા વિગતો આપતાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં આ ઓનલાઇન સ્વ-ગણતરીની પ્રક્રિયા આજથી શરૂ થઈને આગામી તા. 31 મે, 2026 સુધીના નિર્ધારિત 15 દિવસ માટે ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન નાગરિકો પોતાની વિગતો જાતે ઓનલાઇન ભરી શકશે. ત્યારબાદ, તેઓએ સેલ્ફ એન્યુમેશન બાદ SMS થી પ્રાપ્ત થયેલ SE ID સાચવી રાખવાનું રહેશે અને તારીખ 01 થી 30 જૂન, 2026 દરમિયાન જ્યારે ગણતરીદાર દ્વારા તેઓના ઘરની મુલાકાત કરવામાં આવે ત્યારે તેઓની તેમજ ગણતરીદારની સરળતા ખાતર આ SE ID આપવાનું રહેશે. આથી શહેરના તમામ નાગરિકોને સમય મર્યાદામાં પોતાની ઓનલાઈન સ્વ-ગણતરી પૂર્ણ કરી એક જવાબદાર નાગરિક તરીકે સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો: વસ્તી ગણતરી પહેલા શિક્ષકોની મોટી માંગ
આ પણ વાંચો: 16 વર્ષ બાદ વસ્તી ગણતરીનો પ્રારંભ! હવે મોબાઈલથી જાતે ભરી શકાશે વિગતો, જાણો સંપૂર્ણ પ્રોસેસ
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લીધે ગુજરાતમાં વસ્તી ગણતરી પાછી ઠેલાઈ
