Gandhinagar News : દેશવ્યાપી વસ્તી ગણતરી (Census)કામગીરી શરૂ થવા પૂર્વે શિક્ષક સંગઠનો દ્વારા સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વસ્તી ગણતરી નિયામકને લેખિત રજૂઆત કરીને શિક્ષકોને જરૂરી ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠાવી છે.
મહાસંઘનું કહેવું છે કે વસ્તી ગણતરી (Census)ની કામગીરી હવે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થવાની હોવાથી અનેક શિક્ષકોને ટેક્નિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ઘણા શિક્ષકો પાસે સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતી એપને સપોર્ટ કરે તેવા મોબાઈલ અથવા ટેબલેટ ઉપલબ્ધ નથી.

સંગઠનના જણાવ્યા મુજબ નવા સ્માર્ટફોન અથવા ટેબલેટ ખરીદવા માટે શિક્ષકોને અંદાજે રૂ. 15 હજાર જેટલો ખર્ચ કરવો પડી રહ્યો છે, જે દરેક માટે શક્ય નથી. તેથી સરકાર દ્વારા શિક્ષકોને સત્તાવાર રીતે ટેબલેટ અથવા મોબાઈલ ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે.
તે ઉપરાંત વસ્તી ગણતરી માટે ઉપયોગમાં લેવાતી એપમાં પણ અનેક ટેક્નિકલ ખામીઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એપ વધુ સરળ, ઝડપી અને તમામ ડિવાઈસમાં કાર્યક્ષમ બને તે માટે જરૂરી સુધારા કરવાની માંગ પણ રજૂઆતમાં કરવામાં આવી છે.
શિક્ષક મહાસંઘે જણાવ્યું છે કે વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ કામગીરી પહેલાં કર્મચારીઓને પૂરતી સુવિધા અને ટેક્નિકલ સપોર્ટ આપવો જરૂરી છે. યોગ્ય સાધનો અને સુવિધા વગર કામગીરીમાં વિલંબ અથવા મુશ્કેલી સર્જાઈ શકે છે.
હાલ સરકાર તરફથી આ રજૂઆત અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી, પરંતુ શિક્ષક સંગઠનોને આશા છે કે વસ્તી ગણતરી (Census)કામગીરી શરૂ થાય તે પહેલાં તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લીધે ગુજરાતમાં વસ્તી ગણતરી પાછી ઠેલાઈ
આ પણ વાંચો : 16 વર્ષ બાદ વસ્તી ગણતરીનો પ્રારંભ! હવે મોબાઈલથી જાતે ભરી શકાશે વિગતો, જાણો સંપૂર્ણ પ્રોસેસ
આ પણ વાંચો : દેશભરમાં વસ્તી ગણતરીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ
