Operation Sindoor: ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યો માર્યા ગયા છે. જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે પોતે આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ભારતીય હુમલામાં તેના પરિવારના 10 સભ્યો અને ચાર નજીકના સાથીઓ માર્યા ગયા છે.
આ હુમલા પછી, દુઃખી મસૂદ અઝહરે કહ્યું કે જો હું પણ આ હુમલામાં માર્યો ગયો હોત તો સારું થાત. જૈશ-એ-મોહમ્મદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મૌલાના કશફનો આખો પરિવાર મૌલાના મસૂદ અઝહરની મોટી બહેન સહિત માર્યો ગયો છે અને મુફ્તી અબ્દુલ રઉફના પૌત્રો, બાજી સાદિયાના પતિ અને તેમની મોટી પુત્રીના ચાર બાળકો ઘાયલ થયા છે. મોટાભાગની મહિલાઓ અને બાળકો માર્યા ગયા છે.” હવાઈ હુમલામાં માર્યા ગયેલા અઝહરના પરિવારના સભ્યો અને નજીકના લોકોને આજે દફનાવવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ગઈકાલે મોડી રાત્રે, ભારતીય સશસ્ત્ર દળોએ પંજાબમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ વહાવલપુર સહિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ મિસાઈલ હુમલા કર્યા હતા. એક પ્રેસ બ્રીફિંગમાં, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે ‘ભારતની કાર્યવાહી કેન્દ્રિત, માપેલી અને બિન-ઉશ્કેરણીજનક રહી છે.’ તેમણે કહ્યું કે પહેલગામ હુમલો અત્યંત બર્બર હતો.
આ દરમિયાન કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે ભારતીય સશસ્ત્ર દળોએ 6-7 મે 2025 ની રાત્રે 1.05 થી 1.30 વાગ્યાની વચ્ચે ‘ઓપરેશન સિંદૂર’ ચલાવ્યું. તેમણે કહ્યું, “આ ઓપરેશન 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકો અને તેમના પરિવારોને ન્યાય અપાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ન તો લશ્કરી ઠેકાણાઓ કે ન તો સામાન્ય લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. નવ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવામાં આવી હતી અને સંપૂર્ણપણે નાશ કરવામાં આવી હતી.”
અગાઉ, સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને નિર્દેશન કરવામાં આવતું હતું. કુલ નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.”
આ પણ વાંચો:Operation Sindoor Live: PM મોદીએ 3 દેશોનો પ્રવાસ સ્થગિત કર્યો
આ પણ વાંચો:Operation Sindoor: સેનાની મહિલા અધિકારીઓએ નિભાવી મહત્વની ભૂમિકા
આ પણ વાંચો:Operation Sindoor: સેના, એરફોર્સ અને વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ
