મહિસાગર
મહીસાગર જીલ્લામાં બે દિવસ પહેલાં જોવા મળેલ વાઘ હોવા અંગે રાજ્ય સરકારે અધિકૃત પુષ્ટિ કરી છે.વન્યમંત્રી ગણપત વસાવાએ મંગળવારે કહ્યું હતું કે મહિસાગરમાં વાઘ જ જોવા મળ્યો હતો.ગુજરાત સરકાર વાઘના વધામણાં માટે તૈયાર છે.
મહિસાગરના લુણાવાડા પાસેના એક ગામના રસ્તા પર એક શિક્ષકે વાઘ જોયો હોવાનો દાવો કર્યો હતો કે આ શિક્ષકે વાઘની તસ્વીર પણ ક્લીક કરી હતી અને વનવિભાગને મોકલી આપી હતી. જે બાદમાં વન વિભાગની ટીમે વાઘને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હવે વન વિભાગ તરફથી વાઘની અન્ય એક તસવીર જાહેર કરીને એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે શિક્ષકે જોયેલું પ્રાણી વાઘ જ હતો. એટલે કે ગુજરાતમાં વાઘ હોવાના સમાચાર પર વન વિભાગે મહોર મારી દીધી છે.
મહિલસાગરના વન અધિકારી આર એમ પરમાર કહે છે કે અમે પાનમ ડેમ અને સંતરામપુરના જંગલોમાં પાંચ નાઇટ વીઝન કેમેરા મુક્યા હતા જેમાંથી એક કેમેરામાં આ વાઘ ફરતો જોવા મળ્યો હતો.અમે બીજા પણ પુરાવા મેળવ્યા છે જેનાથી એ વાતની પુષ્ટિ થઇ છે કે આ વાઘ જ છે.
વન વિભાગે મહિસાગરની આજુબાજુના જંગલોમાં અનેક સીસીટીવી કેમેરા અને બીજી ટીમો મુકીને વાઘને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.એ પછી એક કેમેરામાં આ વાઘ ફરી એક વાર જોવા મળતાં તેના હોવા અંગે પુષ્ટિ થઇ હતી. આ વાઘ નાઈટ વિઝન કેમેરામાં દેખાયો હતો.
આ અંગે વનમંત્રી ગણપત વસાવાએ કહ્યું છે કે, “ગુજરાત સરકાર વાઘના વધામણાં માટે તૈયાર છે. રાજ્યમાં પહેલાથી જ સિંહ અને દીપડા છે, હવે વાઘ માટે પણ ગુજરાત સક્ષમ છે. વાઘની તપાસ માટે વન વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજસ્થાન અથવા મધ્ય પ્રદેશમાંથી વાઘ આવ્યો હોવાની સંભાવના છે.
નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી મુજબ, ગુજરાતમાં છેલ્લે 1985માં વ્યારા તાલુકાના ભેસખતરી વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો. આ વાઘનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. જયારે 1992માં થયેલી વાઘની વસતી ગણતરી મુજબ વાઘની સંખ્યા શૂન્ય થઈ ગઈ હતી.
