રિમાન્ડ/ લાંચ લેતા ઝડપાયેલા જેલ સિપાઈ હિતેશ રબારીના 2 દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર

એ.સી.બી.એ રીમાન્ડની માંગણી કરતા અદાલત દ્વારા તા.૨૫મીના બપોરના ૪ કલાક સુધી એટલે કે બે દિવસોના રીમાન્ડ મંજુર કર્યા હતા.

Gujarat
gujarat લાંચ લેતા ઝડપાયેલા જેલ સિપાઈ હિતેશ રબારીના 2 દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર

ગોધરા સબ જેલ માંથી અદાલતના આદેશ બાદ આરોપીઓને જામીન મુક્ત કરવા માટે ઉઘરાણાઓ કરવામાં આવી રહયા હોવાની બાતમીના આધારે પંચમહાલ એ.સી.બી.પી.આઈ. જે.એમ.ડામોરની ડિકોયમાં ૪૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયેલા ગોધરા સબ જેલના સિપાઈ હિતેશ રબારીને આજરોજ ગોધરા સ્થિત પંચમહાલ જિલ્લાના સ્પેશિયલ કોર્ટ એ.સી.બી.જજશ્રી બી.કે. બારોટ સમક્ષ રજૂ કરીને એ.સી.બી.એ રીમાન્ડ માટેની માંગણી કરતા જિલ્લાના મુખ્ય સરકારી વકીલ રાકેશ ઠાકોરની રીમાન્ડ મંજુર કરવા સંદર્ભની કાયદાકીય દલીલોને ગ્રાહ્ય રાખીને અદાલત દ્વારા બે દિવસોના રીમાન્ડ મંજુર કરતા સબ જેલમાં ભ્રષ્ટાચારના ઉઘરાણાઓ સંદર્ભમાં હિતેશ રબારીની ઝીણવટપૂર્વક પૂછપરછો શરૂ કરતાં આરોપી કેદીઓનો ચુસ્ત બંદોબસ્ત સંભાળનારા ગોધરા સબ જેલના ભલભલા પોલીસ કર્મચારીઓ અંદરખાને પરસેવે રેબઝેબ એટલા માટે થઈ ગયા હશે કે ક્યાંક એ.સી.બી. સત્તાધીશો આપણને પૂછપરછોની તપાસોમાં બોલાવશે તો નહીંને?!!

ગોધરા સ્થિત પંચમહાલ એ.સી.બી. કચેરીના પી.આઈ. જે.એમ.ડામોરને ચોક્કસ બાતમી મળી હતી કે ગોધરા સબ જેલમાં બંધ રહેલા આરોપી કેદીઓ માટે અદાલત દ્વારા જામીન મુક્ત કરવાના આદેશના અમલમાં ગોધરા સબ જેલમાં ભ્રષ્ટાચારનો ચાંલ્લો ચૂકવવો પડતો હોય છે. આ બાતમીના આધારે પંચમહાલ એ.સી.બી.પી.આઈ.જે.એમ. ડામોર દ્વારા ગોઠવવામાં આવેલ “ડિકોયના ગુપ્ત ઓપરેશન”માં એક ડિકોયરના આરોપી સંબંધીને જામીન મુક્ત કરવાના અદાલતના હુકમ સાથે એ.સી.બી.ટીમ ગોધરા સબ જેલમાં પહોંચી હતી અને જામીન મુક્તના હુકમના અમલ માટે કેબિનમાં બેસેલા ગોધરા સબ જેલના સિપાહી હિતેશ રબારીએ આરોપીના સંબંધી પાસેથી ૫૦૦ રૂપિયા લાંચના નાણાંની માંગણી કરીને ૪૦૦ રૂપિયા સ્વીકારતા વેંત જ એ.સી.બી.ટીમે લાંચિયા સિપાઈ હિતેશ રબારીને ઝડપી પાડ્યો હતો.

આ હિતેશ રબારીને આજરોજ પંચમહાલ જિલ્લાના સ્પેશિયલ કોર્ટ એ.સી.બી. જજશ્રી બી.કે.બારોટ સમક્ષ હાજર કરીને એ.સી.બી.એ રીમાન્ડની માંગણી કરતા અદાલત દ્વારા તા.૨૫મીના બપોરના ૪ કલાક સુધી એટલે કે બે દિવસોના રીમાન્ડ મંજુર કર્યા હતા. ગોધરા સબ જેલમાં એ.સી.બી.ટીમના સપાટા બાદ કહેવાય છે કે જેલમાં બંધ કેદીઓના સ્વજનો પાસેથી કેટલાંક કર્મચારીઓ કેવી રીતે લાંચના ઉઘરાણાઓ કરતા હોય છે એવી સ્ફોટક ચર્ચાઓ પણ એ.સી.બી.કચેરી સુધી પહોંચી હોવાનું સાંભળવા મળી રહયુ છે.