જામનગરઃ જામનગરમાં વકીલની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. એડવોકેટ હારુન પલેજા પર બેડી વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાના પગલે ગંભીર ઇજા પામેલા હારુન પલેજાને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેમણે હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. ધોળા દિવસે થયેલા હુમલાના લીધે સમગ્ર જામનગરમાં ચકચાર મચી ગઈ છે. આ પ્રકારે જાહેરમાં થયેલી હત્યાએ સમગ્ર જામનગરને સ્તબ્ધ કરી દીધું છે. આ હત્યાના પગલે જામનગરના વકીલોમાં આક્રોશ છે.
હારૂન પલેજા શિક્ષિકાના આપઘાતના કેસમાં ફરિયાદી પક્ષના વકીલ હતા. તેમના પર કેસ પાછો ખેંચી લેવાનું જબરદસ્ત દબાણ હતું. તેમને કેસ પાછો ખેંચી લેવા માટે ધમકીઓ આપવામાં આવતી હોવાની ફરિયાદ પણ થઈ હતી. આ કેસમાં કુખ્યાત સાયલા ગેંગની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પંદરેક સામે કેસ નોંધવામાં આવ્યો છે.
વકીલ પર હુમલાના બનાવના પગલે જામનગર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળ દોડી આવ્યો છે. હુમલાના સ્થળ અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આરંભી છે. પોલીસને તેના માટે વ્યવસાયિક કારણ જવાબદાર લાગે છે. આ ઉપરાંત પોલીસ હત્યાના બીજા પાસા પણ ચકાસી રહી છે.
જો કે પલેજાના કૌટુંબિક પાસાઓ પર પણ પોલીસ ધ્યાન આપી રહી છે અને તેના સગાસંબંધી અને મિત્રોની પૂછપરછ કરીને હત્યાની કડીઓ જોડવા પ્રયત્ન કરી રહી છે. પોલીસ હત્યા પાછળની અનેક સંભાવનાઓની ગણતરી માંડીને કડીઓ મેળવી રહી છે. વકીલની હત્યાના પોલીસ તંત્રમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડતા સઘન તપાસ શરૂ કરી દેવાઈ છે. જરૂર પડે તો તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની પણ તૈયારી રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
