માયાજાળ/ ધરપકડનો દૌર શરૂ થતા છબીલ ફફડી ગયો

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત

Mantavya Exclusive

કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત. મંતવ્ય વેબ પોર્ટલ પર વાંચો સેક્સકાંડ, મર્ડર, રાજકારણ અને કાવાદાવાથી ભરપૂર મર્ડર મિસ્ટ્રી. (ભાગ – 13)

જ્યંતી ભાનુશાળી મર્ડર કેસમાં પોતાનું નામ આવતા અને સંડોવાયેલા આરોપીઓ ઝડપાવા માંડતા છબીલ ફફડી ગયો હતો. તે સિવાય છબીલનો પુત્ર સિધ્ધાર્થ પણ ઝડપાઈ ગયો હતો. છબીલ વિરૂધ્ધ રેડ કોર્નર નોટીસ ઈશ્યુ થતા છબીલ પાસે સરન્ડર સિવાય કોઈ છટકબારી બચી ન હતી. જેને પગલે માર્ચ 2019માં છબીલ પટેલ ન્યુ જર્સીમાં રહેતી તેની દિકરીના ઘરેથી વાયા દુબઈ અમીરાત ફ્લાઈટમાં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા જ સીઆઈડી ક્રાઈમ પોલીસે તેને દબોચી લીધો.

જોકે ફેબ્રુઆરી 2020માં છબીલ પટેલને 20,000 રૂ.ના બોન્ડ અને તેટલીજ રકમની સ્યોરિટી પર જામીન મળ્યા હતા. કોર્ટે તપાસમાં અડચણરૂપ ન બનવા તથા પાસપોર્ટ નીચલી અદાલતમાં જમા કરવા પણ આદેશ આપ્યો હતો. તેને કોર્ટની પરવાનગી વગર દેશ ન છોડવા જણાવાયું હતું. છબીલના બે સાથીદાર રાહુલ અને નિતીનની પણ પોલીસે ધરપકડ કરી હતી.

તે સિવાય ફેબ્રુઆરી 2019માં આ કેસના શાર્પ શૂટર શશીકાંત કાંબળે અને અશરફ અનવર શેખની સાપુતારાના સરકારી ગેસ્ટ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. શુટરોને ભાનુશાળીની હત્યા માટે 30 લાખની સોપારી આપવામાં આવી હતી. જેમાંથી તેમને પાંચ લાખ રૂપિયા એડવાન્સમાં ચુકવી દેવાયા હતા. આ કેસના સહ આરોપી જ્યંતી ઠક્કરે પાંચ લાખ છબીલ પટેલને મોકલ્યા હતા. જે પાછળથી શુટરોને નવી મુંબઈના એક મોલ પાસે આપવામાં આવ્યા હતા.

છબીલ પટેલ સાથે કાવતરામાં સામેલ અબડાસાના વિઝાણ ગામના વતની જ્યંતી ઠક્કર મુળ ખેતી અને અનાજના ધંધા સાથે સંકળાયેલો હતો. તે સિવાય તે રાજકારણમાં પણ સક્રિય હતો. કચ્છ ડિસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કોઓપરેટીવ બેન્ક (કેડીસીસી બેન્ક)નાં કરોડોના કૌભાંડમાં પણ તે સામેલ હતો. જ્યંતી ભાનુશાળી કેસમાં મે 2019માં ઠક્કરને પોલીસે ભૂજના માધાપરથી ઝડપી લીધો હતો.

જોકે જ્યંતી ભનુશાળી કેસમાં મહત્વની ભુમિકા ભજવનારી મનીષા ગોસ્વામી અને તેનો સાગરીત સુજીત પરદેશી ઉર્ફે ભાઉ મર્ડર બાદથી ફરાર હતા. તેમને શોધવા સીઆડી ક્રાઈમ સાથે, ક્રાઈમ બ્રાંચ, એટએસ અને અન્ય એજન્સીઓ પણ કામે લાગી હતી. ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીએ છબીલ પટેલ, મનીષા ગોસ્વામી, સિધ્ધાર્થ પટેલ, જ્યંતી ઠક્કર અને કચ્છ ભૂજના પત્રકાર ઉમેશ પરમાર વિરૂધ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે વાપીના કોપરલી રોડ પર અગાઉ રહેતી મનીષાના ઘરે પણ તપાસાર્થે પહોંચી હતી. જોકે મનીષા મળી ન હતી પણ તેના વિશે પોલીસને અનેક વાતો જાણવા મળી હતી. 10 કરોડની ખંડણી માંગવાના કેસમાં મનીષાને જેલ પણ થઈ હતી. તે સમયે મનીષાએ કોર્ટને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો જેમાં તેણે જો તે જેલમાં આપઘાત કરી લેશે તો તેના માટે જવાબદાર એકમાત્ર જ્યંતી ભાનુશાળી હશે, આ પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ પણ થયો હતો.

મનીષા અને સુજીત પરદેશી પકડાઈ ન જવાય તે માટે સતત મોબાઈલના સીમ કાર્ડ બદલતા રહેતા હતા. જેને પગલે તેઓ ઝડપાતા ન હતા. અંતે સુજીત અને મનીષા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં હોવાની પોલીસને માહિતી મળી હતી. જેને આધારે સીઆઈડી ક્રાઈમની બે ટીમો પ્રયાગરાજ રવાના કરવામાં આવી હતી. અનેક દિવસો બાદ અંતે એપ્રિલ 2019માં મનીષા પ્રયાગરાજના દારાગંજ વિસ્તારના એક આશ્રમમાં રહેતી હોવાની પોલીસને મળી હતી.

આથી સીઆઈડી ક્રાઈમના વડા ગૌતમ પરમારે બે ટીમ રવાના કરી હતી. દરમિયાન મનીષા આશ્રમની કોઈ વ્યક્તિ બિમાર હોવાથી તેને દવાખાને લઈ જતી હતી ત્યારે પોલીસની બાજ નજરે ચઢી ગઈ હતી. સુજીત પરદેશી મનીષાની સાથે ન દેખાતા પોલીસ અવઢવમાં મુકાઈ ગઈ હતી. મનીષાને પકડી લે તો સુજીત ભાઉને ભનક આવી જાય તેની પોલીસને શંકા હતા.

તેમ છતા પોલીસે મનીષાને ઝડપી લીધી હતી. શરૂઆતમાં મનીષાને ખ્યાલ ન આવ્યો કે શુ થઈ રહ્યુ છે. તેણે પોલીસ સામે ઘણા ધમપછાડા કર્યા પણ પોલીસે તેને ઝડપી લીધી અને સુજીત અંગે પુછપરછ શરૂ કરી. જોકે મનીષાએ આપેલી માહિતી બાદ પોલીસને નજીકના મકાનમાં રહેકતા સુજીત પરદેશીને પણ ઝડપી લીધો હતો, અંતે બન્નેને અમદાવાદ લવાયા હતા.

આમ જ્યંતી ભાનુશાળી હત્યા કેસમાં સીઆડી ક્રાઈમે અંતે તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. ભાનુશાળી ભૂતપુર્વ ધારાસભ્ય હોવા સાથે આ કેસમાં સેક્સકાંડ પણ સામેલ હતું. જેને પગલે પોલીસ પર જલ્દીથી આ કેસ ઉકેલવા માટે સરકારનું દબાણ પણ હતું. આ હત્યાની સાથે સાથે મીઠી ખારેક શબ્દ પણ પ્રચલિત બન્યો હતો. રાજકીય દુશ્મનાવટ, વર્ચસ્વની લડાઈ વગેરે કારણોને લીધે આ કેસમાં અનેક રાજકારણીઓ પર છાંટા ઉડશે એવું સ્પષ્ટ નજરે ચડતું હતું.

જોકે પોલીસ તપાસમાં રાજકીય દુશ્મનાવટ બહાર આવી હતી. જેમાં પોલીસે તમામ આરોપીઓને ઝડપી લઈને સફળતા સાથે રાહતનો શ્વાસ લીધો હતો.

– સમાપ્ત