Gandhinagar News: ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણમાં જીતુ વાઘાણીને ફરીથી સ્થાન આપવામાં આવ્યું છે. તેમને આ વખતે રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ અગાઉ પણ ગુજરાત કેબિનેટમાં કામગીરી બજાવી ચૂક્યા છે.
ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની પ્રક્રિયાને પ્રારંભ થયો હતો. તેમા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીને નવા મંત્રીમંડળમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમને ટેલિફોનિક સૂચના પણ આપી દેવામાં આવી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલ પોતે ફોન કરીને સૂચના આપી હતી. સૌરાષ્ટ્રમાં ભાજપના કદમાં ઘટાડો ન થાય તે માટે તેમને મંત્રીમંડળ સ્થાન આપવામાં આવ્યું છે.
જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી (11 સપ્ટેમ્બર 1970) એ એક ભારતીય રાજકારણી છે. તેઓ ગુજરાતના શિક્ષણ મંત્રી રહી ચૂક્યા હતા. ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં ભાવનગર પશ્ચિમ (વિધાનસભા)નું પ્રતિનિધિત્વ કરે છે. તે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા નેતા છે અને 2016થી 2020 સુધી ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ રહ્યા હતા.
11 સપ્ટેમ્બર 1970ના રોજ વાઘાણીનો જન્મ ભાવનગર જિલ્લાનાં વરતેજ ગામમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ લાઠીમાં થયું. તેઓ લૉ ભણેલા છે અને આરઍસઍસના બાળપણથી સ્વયંસેવક છે. વાઘાણીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ સામે ભાવનગર શહેરની દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાંથી 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતાની સાથે જ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો. જોકે તેઓ સાત હજારથી વધુ મતોના અંતરે હારી ગયા હતા.
2012માં વાઘાણી ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા બેઠક પરથી લડ્યા હતા, અને આ વખતે તેઓ સફળ રહ્યા હતા. નોંધનીય રીતે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ તફાવતથી તેમણે આ બેઠક જીતી હતી. 2017ની ગુજરાત ચૂંટણી તેઓ ભાવનગર પશ્ચિમ પરથી કોંગ્રેસના દિલીપસિંહ ગોહિલ સામે લડ્યા હતા. આ સમયે તેઓએ ફરીથી ૨૭૦૦૦ મતોના અંતરથી ભાવનગર પશ્ચિમ બેઠકને જીતી હતી. અગાઉના ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની ગુજરાતના મુખ્યમંત્રી પદે નિમણૂક થયા બાદ 2016ના ઑગસ્ટ મહિનામાં જીતુ વાઘાણીને ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા.
જીતુ વાઘાણીને 2019ની લોક્સભા ચૂંટણી દરમિયાન ‘હરામઝાદા’ શબ્દનો ઉપયોગ કરવા માટે ચૂંટણી પંચ તરફથી નોટિસ મળી હતી. જો કે તેમણે ખુલાસો કર્યો હતો કે તેમણે આ શબ્દ મોહમ્મદ સુરતી જેવા કૉંગ્રેસના નેતા માટે વાપર્યો હતો, કે જે 1993ના મુંબઈ ધડાકા માટે કસૂરવાર ઠર્યો હતો. માર્ચ 2019માં વાઘાણીનો પુત્ર મીત વાઘાણી ભાવનગરની કૉલેજમાં ચોરી કરતાં પકડાયો હતો અને તે બદલ વાઘાણીએ માફી પણ માંગી હતી અને કહ્યું હતું, “મારા પુત્રથી ભૂલ થઈ ગઈ છે”.
આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો
આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા
આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ
