Junagadh News: જૂનાગઢના સોનાપુરી સ્મશાન ખાતે યોજાયેલા અનોખા ‘ભૂતાવળ ડાયરા’ (Bhutaval Dayro) બાદ સર્જાયેલી ભારે ભીડ અને ટ્રાફિકજામને પગલે જિલ્લા વહીવટી તંત્રે કડક કાર્યવાહી શરૂ કરી છે. જાહેર કાર્યક્રમ માટે જરૂરી પૂર્વ મંજૂરી લીધા વિના આયોજન કરાયું હોવાનું સામે આવતા આયોજકોને કારણ દર્શક (શો-કોઝ) નોટિસ પાઠવવામાં આવી છે.
સોશિયલ મીડિયા પરથી ઉમટી હજારોની ભીડ
23 જૂન, 2026ના રોજ સોનાપુરી સ્મશાન ખાતે પ્રથમ વખત ‘ભૂતાવળ ડાયરો’ (Bhutaval Dayro) અને ‘હુવાય્ણ’ નામનો કાર્યક્રમ યોજાયો હતો. સોશિયલ મીડિયા પર કાર્યક્રમના વ્યાપક પ્રચાર બાદ જૂનાગઢ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકો કાર્યક્રમમાં પહોંચ્યા હતા. સ્થાનિક કલાકારોની રજૂઆતને જોવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થતાં સમગ્ર વિસ્તાર લોકો અને વાહનોથી છલકાઈ ગયો હતો.
Bhutaval Dayro: ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા
અચાનક ઉમટેલી ભીડને કારણે સોનાપુરી અને ભવનાથ તરફ જતાં મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. રસ્તાઓ પર આડેધડ પાર્કિંગ થતાં સામાન્ય વાહનચાલકો ઉપરાંત પોલીસના વાહનોને પણ અવરજવરમાં મુશ્કેલી પડી હતી. ભવનાથ તરફ જતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પોલીસે કાર્યક્રમ સમય પહેલાં બંધ કરાવ્યો
ભીડ વધતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. રાત્રે લગભગ 11 વાગ્યે પોલીસ દ્વારા કાર્યક્રમ બંધ કરાવવામાં આવ્યો હતો. જેના કારણે કેટલાક કલાકારો પોતાની રજૂઆત આપી શક્યા નહોતા. ટ્રાફિક હળવો કરવા માટે પોલીસે વાહનોને વૈકલ્પિક માર્ગ તરફ ડાયવર્ટ કર્યા હતા.
Bhutaval Dayroની પરવાનગી વિના આયોજન બદલ કાર્યવાહી
જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ કોઈપણ જાહેર સ્થળે ડાયરો, સભા, સરઘસ અથવા મોટા મેળાવડાના આયોજન પહેલાં સક્ષમ અધિકારીની મંજૂરી લેવી ફરજિયાત છે. આ કેસમાં પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાનું સામે આવતા આયોજકોને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે.તંત્રનું કહેવું છે કે પૂર્વ મંજૂરી હોય તો સુરક્ષા બંદોબસ્ત, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ અને ઇમરજન્સી વ્યવસ્થાઓ વધુ અસરકારક રીતે ગોઠવી શકાય છે.
ભવિષ્ય માટે ચેતવણી
જિલ્લા વહીવટી તંત્રે સ્પષ્ટ જણાવ્યું છે કે ભવિષ્યમાં ધાર્મિક, સામાજિક કે અન્ય કોઈપણ મોટા જાહેર કાર્યક્રમ માટે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલ ‘ભૂતાવળ ડાયરો’ અધવચ્ચે બંધ, ભારે ભીડથી સર્જાયો ટ્રાફિક જામ
આ પણ વાંચો:લોકગાયિકા ગીતા રબારી ફરી વિવાદમાં, નિયમો તોડી કર્યો ડાયરો
