Karnataka News : કર્ણાટકમાં પેટ્રોલના ઈથેનોલ મિશ્રણને (Ethanol Blending)લઈને મોટો વિવાદ ઊભો થયો છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલી તપાસમાં પેટ્રોલમાં નિર્ધારિત 20 ટકા કરતાં વધુ ઈથેનોલ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આશરે સાત જિલ્લાઓમાંથી એકત્ર કરાયેલા પેટ્રોલના 63 સેમ્પલની ખાનગી લેબમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં કેટલાક સેમ્પલમાં ઈથેનોલનું પ્રમાણ 30 ટકાથી પણ વધુ હોવાનો દાવો સામે આવ્યો છે. ખાસ કરીને ઈન્ડિયન ઓઈલ (IOCL)ના એક સેમ્પલમાં 31.2 ટકા ઈથેનોલ મળી આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે.
IOCL પેટ્રોલમાં 31.2% ઈથેનોલ હોવાનો દાવો
કર્ણાટક સરકારની તપાસમાં સૌથી વધુ ઈથેનોલનું પ્રમાણ ઈન્ડિયન ઓઈલ (IOCL)ના પેટ્રોલના સેમ્પલમાં નોંધાયું હોવાનું કહેવાય છે. આ સેમ્પલમાં 31.2 ટકાથી વધુ ઈથેનોલ હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય કેટલીક કંપનીઓના પેટ્રોલમાં પણ 25થી 30 ટકા સુધી ઈથેનોલ મિશ્રણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારની ઈથેનોલ બ્લેન્ડિંગ (Ethanol Blending)નીતિ હેઠળ પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ મિશ્રણનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. જોકે, કર્ણાટકમાં થયેલી આ તપાસના દાવા બાદ પેટ્રોલની ગુણવત્તા અને ઈંધણમાં મિશ્રણના પ્રમાણ અંગે સવાલો ઊભા થયા છે.
કઈ કંપનીના પેટ્રોલમાં કેટલું ઈથેનોલ મળ્યું?
કર્ણાટકમાં એકત્ર કરાયેલા 63 સેમ્પલની તપાસ બાદ અલગ-અલગ ઓઈલ કંપનીઓના પેટ્રોલમાં ઈથેનોલનું પ્રમાણ અલગ હોવાનો દાવો કરાયો છે.
-
IOCL: 31.2 ટકા કરતાં વધુ
-
HPCL: 30.5 ટકા
-
HPCL: 27 ટકા
-
BPCL: 26.5 ટકા
-
નાયરા: 26.1 ટકા
-
શેલ: 25.5 ટકા
આ આંકડાઓ મુજબ, તપાસમાં સામેલ કંપનીઓના કેટલાક પેટ્રોલ સેમ્પલમાં ઈથેનોલનું (Petrol Ethanol)પ્રમાણ 20 ટકાના સ્તર કરતાં વધારે જોવા મળ્યું હોવાનું જણાવાયું છે. જોકે, આ પરિણામો અંગે સંબંધિત કંપનીઓ કે સત્તાવાર તપાસ એજન્સીઓની પુષ્ટિ અને સ્પષ્ટતા મહત્ત્વપૂર્ણ રહેશે.
સાત જિલ્લાઓમાંથી પેટ્રોલના 63 સેમ્પલ લેવાયા
કર્ણાટક સરકારે ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલમાં કેટલા પ્રમાણમાં ઈથેનોલ ઉમેરવામાં આવે છે તેની પૂરતી અને સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ ન હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ IOCL, HPCL, BPCL, શેલ અને નાયરા સહિતની કંપનીઓના પેટ્રોલના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા.
આ તપાસમાં બેંગલુરુ સહિત રાજ્યના આશરે સાત જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એકત્ર કરાયેલા કુલ 63 સેમ્પલ ખાનગી લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસમાં બેંગલુરુમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં પણ 20 ટકાથી વધુ ઈથેનોલ હોવાનું સામે આવ્યું હોવાનો દાવો છે.
કેન્દ્ર સરકારને રિપોર્ટ આપશે કર્ણાટક સરકાર
આ મામલે કર્ણાટક સરકારે (Karnataka Government)હવે કેન્દ્ર સરકાર સમક્ષ સમગ્ર તપાસનો રિપોર્ટ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ પેટ્રોલમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઈથેનોલ મિશ્રણ કરવામાં આવ્યું હોય તો જવાબદાર કંપનીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવશે.
રાજ્ય સરકારે ગ્રાહકોના હિતમાં દરેક પેટ્રોલ પંપ પર ઈથેનોલ બ્લેન્ડિંગનું (Ethanol Blending)પ્રમાણ કેટલું છે તેની માહિતી દર્શાવતું ડિસ્પ્લે બોર્ડ લગાવવાની માગ પણ કરી છે. આ ઉપરાંત વધુ પડતા ઈથેનોલ મિશ્રણને કારણે વાહનોને નુકસાન થયું હોય તો તેની ભરપાઈ કરવાની વ્યવસ્થા કરવાની પણ માગ ઉઠાવવામાં આવી છે.
આ સમગ્ર મામલે હવે કેન્દ્ર સરકાર અને ઓઈલ કંપનીઓ શું જવાબ આપે છે તેના પર સૌની નજર રહેશે.
