Morbi News: રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલાએ (Kesridevsinh Zala Land) હીરાસર એરપોર્ટ નજીક (Hirasar Airport Land) ખરીદેલી 17 વિઘા જમીનને લઈને વિવાદ સામે આવ્યો છે. જમીનની વારસાઈ નોંધમાં નામ છુપાવીને જમીન વેચી દેવામાં આવી હોવાનો આક્ષેપ વારસદાર દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે, સમગ્ર મામલે રાજકોટ કલેક્ટરે મદદનીશ કલેક્ટરના અગાઉના નિર્ણયને યથાવત રાખીને રિવિઝન અરજી ફગાવી દીધી છે.
Kesridevsinh Zala Land: હીરાસર એરપોર્ટ નજીક 17 વિઘા જમીનનો વિવાદ
હીરાસર ગામના જૂની શરતના રેવન્યુ સર્વે નંબર 34ની આશરે 2.25 હેક્ટર એટલે કે 17 વિઘા જમીન મામદ (17 Vigha Land Dispute) ચલાંગા સહિતના સંયુક્ત ખાતેદારોના નામે નોંધાયેલી હતી. ફેબ્રુઆરી 2023માં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ મારફતે આ જમીન રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલા સહિત ત્રણ ખરીદદારોને વેચવામાં આવી હતી અને ત્યારબાદ વેચાણ નોંધ પણ મંજૂર કરવામાં આવી હતી.
વારસદારે જમીન વેચાણ સામે વાંધો ઉઠાવ્યો
સલમાબેન હારૂનના વારસદાર રેશ્માબેન હનીફભાઈ વરોધે આ વેચાણ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમનો આક્ષેપ હતો કે વર્ષ 2021માં વારસાઈ નોંધ કરતી વખતે તેમના મામાઓએ તેમની સ્વર્ગસ્થ માતા સલમાબેનનું નામ જાણી જોઈને છુપાવ્યું હતું. તેમની સંમતિ કે જરૂરી નોટિસ વિના જમીનનું વેચાણ કરી દેવામાં આવ્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
મદદનીશ કલેક્ટર બાદ કલેક્ટર સમક્ષ અપીલ
વારસદારે પ્રથમ મદદનીશ કલેક્ટર (Rajkot Collector) સમક્ષ અને ત્યારબાદ કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરી હતી. જોકે, સાંસદના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે વિવાદિત જમીન અંગે અપીલ દાખલ કરવામાં આશરે ચાર વર્ષનો વિલંબ થયો છે અને આ વિલંબ માટે કોઈ યોગ્ય કારણ રજૂ કરવામાં આવ્યું નથી.
કલેક્ટરે શું કહ્યું?
કલેક્ટરે રેવન્યુ રેકર્ડ અને સમગ્ર મામલાને ધ્યાનમાં લઈને નોંધ્યું કે વારસાઈ નોંધમાં નામ છુપાવવાનો વિવાદ જમીનનું વેચાણ થઈ ગયા બાદ આશરે બે વર્ષ પછી ઉઠાવવામાં આવ્યો હતો. વેચાણ દસ્તાવેજ બાદ ત્રાહિત પક્ષકારોના હિતો પણ ઊભા થયા હોવાથી માત્ર મહેસૂલી કાર્યવાહીથી આ વિવાદનો અંત લાવી શકાય નહીં.
વેચાણ દસ્તાવેજ રદ કરવાનો અધિકાર સિવિલ કોર્ટનો
કલેક્ટરે સ્પષ્ટ કર્યું કે વેચાણ દસ્તાવેજ રદ કરાવવાનો પ્રશ્ન હોય અથવા અરજદાર કાયદેસરના વારસદાર છે કે નહીં તે નક્કી કરવાનો મુદ્દો હોય, તો તેના માટે સિવિલ કોર્ટનો સંપર્ક કરવો જરૂરી છે. આવા હક અને દસ્તાવેજ સંબંધિત વિવાદમાં મહેસૂલી કોર્ટ દ્વારા હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી.
સાંસદના વકીલની પણ મહત્વની દલીલ
સુનાવણી દરમિયાન સાંસદના વકીલે દલીલ કરી હતી કે જમીન અંગે ખોટો વિવાદ ઊભો કરીને સાંસદ સહિત ત્રણેય ખરીદદારો પાસેથી આર્થિક વળતર મેળવવાના હેતુથી રિવિઝન અરજી કરવામાં આવી હોવાનું જણાય છે.
રિવિઝન અરજી ફગાવાઈ
તમામ દલીલો અને રેવન્યુ રેકર્ડને ધ્યાનમાં લીધા બાદ રાજકોટ કલેક્ટરે મદદનીશ કલેક્ટરના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે વારસદાર દ્વારા કરવામાં આવેલી રિવિઝન અરજી ( Land Revision Application) ફગાવી દેવામાં આવી છે. જમીનના માલિકી હક અથવા વેચાણ દસ્તાવેજને પડકારવાનો પ્રશ્ન હવે સિવિલ કોર્ટમાં ઉકેલી શકાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
@કેતન ભટ્ટી, વાંકાનેર
આ પણ વાંચો: દાહોદ આદિવાસી રેલીમાં ચૈતર વસાવાના પોસ્ટરો મુદ્દે AAP-BJP સામસામે, રાજકારણ ગરમાયું
આ પણ વાંચો: રાજપર રોડના ગોડાઉનમાંથી યુરિયાની 1272 બેગ ઝડપાઈ, ‘જય એગ્રો’નું ગોડાઉન સીલ
આ પણ વાંચો: ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રેગિંગનો ખુલાસો, મોડાસામાં ભારે ગમગીની વચ્ચે અંતિમ વિદાય
