Delhi Mumbai Expressway Accident: સ્પીડના શોખીનો માટે આશીર્વાદરૂપ ગણાતો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે હવે વાહનચાલકો માટે જાણે જીવતો-જાગતો ‘ડેથ ઝોન’ બની રહ્યો છે. વડોદરાના કરજણ નજીકથી પસાર થતા આ હાઈવે પર એક વધુ ભયાનક અને કાળજું કંપાવી દેતો અકસ્માત સર્જાયો છે. રાજસ્થાન સ્થિત બાબા ખાટું શ્યામના દર્શન કરવા ભક્તિભાવ સાથે નીકળેલા સેલવાસના એક જ પરિવારના 11 સભ્યોમાંથી 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે નાના બાળકો સહિત 3 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. માત્ર 24 કલાકની અંદર જ આ એક્સપ્રેસ-વે પર આ બીજો મોટો અકસ્માત સર્જાતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગાડી ઊભી રાખી અને પાછળથી કાળ ટ્રાટક્યો
ઘટનાની વિગતો આપતા મૃતકના ભાઈ દર્શનભાઈએ જણાવ્યું કે, મૂળ સેલવાસનો આ પરિવાર પોતાની અર્ટિગા (Ertiga) કાર લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. કારમાં સાત પુરુષો અને ત્રણ થી ચાર નાના બાળકો સહિત કુલ 11 લોકો સવાર હતા. ભરૂચથી આગળ વડોદરા આસપાસ પહોંચતા જ અચાનક ગાડીમાંથી કોઈ અજાણ્યો અવાજ આવવા લાગ્યો હતો. આથી ડ્રાઈવરે સલામતી ખાતર ગાડીને હાઈવેની સાઈડમાં આવેલી સફેદ પટ્ટીની બાજુમાં પાર્ક કરી હતી.
ગાડીમાં શું ખામી છે તે ચેક કરવા માટે પરિવારના તમામ પુરુષો નીચે ઉતર્યા હતા, જ્યારે મહિલાઓ અને બાળકો કારની અંદર જ બેઠા હતા. બરાબર એ જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા આઈસર (Isuzu/Tata Icher) ટ્રકના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને રોડ સાઈડ ઊભેલા લોકોને જોરદાર ટક્કર મારીને ફંગોળી દીધા હતા.

હાઈ-વે પર મરણચીસો ગુંજી
આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે આઈસર ટ્રકની ટક્કરથી કારનો રીતસરનો કુરચો બોલી ગયો હતો અને હાઈવે પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. અકસ્માત સર્જીને આઈસર ચાલક વાહન લઈને નાસી છૂટ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચતા સુધીમાં મોત નીપજ્યા હતા. મૃતકોના નામ નીચે મુજબ છે:
- વિશાલ બાલુ દેવરે (રહે. સ્ત્રી રેસીડેન્સી, ભુરફુડ ફળિયું, સેલવાસ, તા.જી. દાદરાનગર હવેલી)
- વંદનાબાઇ બાલુ દેવરે (રહે. સ્ત્રી રેસીડેન્સી, ભુરકુડ ફળિયું, સેલવાસ, તા.જી. દાદરાનગર હવેલી)
- પ્રમોદભાઇ ભાઇદાસ પાટીલ (રહે. પીપરી, તા. પારોરા, જી. જલગાંવ)
ઇજાગ્રસ્તોને વડોદરા-પાદરા હોસ્પિટલ ખસેડાયા
ચીસાચીસ અને મરણચીસો ગુંજતા જ હાઈ-વે પેટ્રોલિંગ, પોલીસ કાફલો અને 108 ઇમરજન્સીની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરીને તમામ ઇજાગ્રસ્તોને વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG Hospital) તેમજ પાદરાની હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે, જ્યાં હજુ પણ કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે કરજણ પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા આઈસર વાહનચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
24 કલાકમાં બીજો ભયાનક Accident
અત્રે નોંધનીય છે કે, આ ઘટનાના બરાબર એક દિવસ અગાઉ જ આ હાઈવે પર સમિયાલા નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે માત્ર 24 કલાકની અંદર જ આ બીજા મોટા અકસ્માતે એક્સપ્રેસ-વેની પેટ્રોલિંગ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. હાઈવે પર સ્પીડ ગન, સીસીટીવી કેમેરા અને નો-પાર્કિંગ એરિયાના નિયમોનું કડક પાલન થાય તે હવે અનિવાર્ય બન્યું છે.
