Vadodara News/ ‘મારી માની ડેડબોડી પડી છે…’ અકસ્માત બાદ પોલીસ સામે પુત્રનો ભારે આક્રોશ

Vadodara Jambuva Bridge Hit and Run: વડોદરાના જાંબુવા બ્રિજ પાસે લક્ઝરી બસે આંગણવાડી સુપરવાઇઝર જાગૃતિબેન પંડ્યાને કચડી નાખ્યા છે. પુત્રની નજર સામે બનેલી આ ઘટનામાં પોલીસની ઢીલી કામગીરી સામે પરિવારે આક્રોશ ઠાલવ્યો છે.

Top Stories Gujarat Vadodara
Vadodara Jambuva Bridge Hit and Run

Vadodara Jambuva Bridge Hit and Run: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરાના જાંબુવા બ્રિજ નજીક બુધવારે રાત્રે એક અત્યંત કાળજું કંપાવી દેનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પુત્ર સાથે એક્ટિવા પર ચક્કર મારવા નીકળેલા આંગણવાડી સુપરવાઇઝર મહિલાને એક પૂરપાટ ઝડપે આવેલી લક્ઝરી બસના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. બસનું વ્હીલ માથા પરથી ફરી વળતાં મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસ ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ ભયાનક દુર્ઘટના બાદ પોલીસની કથિત નિષ્ક્રિયતાને કારણે રોષે ભરાયેલા પરિવારે હાઈવે બંધ કરવાની ચીમકી આપી હતી.

Vadodara Jambuva Bridge Hit and Run

Vadodara : એક્ટિવા પરથી નીચે ઉતર્યા અને કાળ આંબી ગયો

મળતી વિગતો અનુસાર, વડોદરાના મકરપુરા એરફોર્સ પાછળ આવેલી હરિદર્શન પેલેસ સોસાયટીમાં રહેતા 24 વર્ષીય સંજીવ અનિલભાઈ પંડ્યાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. સંજીવના માતા જાગૃતિબેન પંડ્યા તાલુકા પંચાયત કચેરી સંચાલિત આંગણવાડીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા.

બુધવારે રાત્રે આશરે 9:15 વાગ્યે જાગૃતિબેને પુત્ર સંજીવને એક્ટિવા પર આંટો મારવા જવાનું કહેતા બંને ઘરથી નીકળ્યા હતા. તેઓ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ તરફથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાલાજી પેટ્રોલ પંપ નજીક જાગૃતિબેનને અચાનક ઉલટી જેવું થતાં પુત્રએ એક્ટિવા રસ્તાની એક બાજુ નીચે ઊભી રાખી હતી. જાગૃતિબેન એક્ટિવા પરથી ઉતરીને હજુ રસ્તા પાસે ઊભા જ રહ્યા હતા, ત્યાં જ રાત્રે 9:45 વાગ્યાના અરસામાં તરસાલી બ્રિજ તરફથી આવતી એક લક્ઝરી બસના ચાલકે પોતાની બસ ગફલતભરી રીતે હંકારીને જાગૃતિબેનને અડફેટે લીધા હતા. બસની ટક્કર એટલી જોરદાર હતી કે જાગૃતિબેન રસ્તા પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેમનું સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

Vadodara Jambuva Bridge Hit and Run

Vadodara : ‘દોઢ કલાકથી મારી માની ડેડબોડી પડી છે’

આ અકસ્માત એટલો આઘાતજનક હતો કે પુત્ર સંજીવ કંઈ સમજે તે પહેલાં જ બસ ચાલક અંધારાનો લાભ લઈને વાહન સાથે નાસી છૂટ્યો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે ગમગીની અને આક્રોશનો માહોલ સર્જાયો હતો. મૃતકના પુત્ર સંજીવ પંડ્યાએ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા ભારે આક્રોશ સાથે જણાવ્યું કે, “મારી મમ્મીનું ત્યાં જ મોત થઈ ગયું હતું. અમે તુરંત 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. પોલીસની એક નહીં પણ ત્રણ-ત્રણ PCR વાન ઘટનાસ્થળે આવીને ઊભી રહી ગઈ હતી, પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી નહોતી કરતું. છેલ્લા દોઢ કલાકથી મારી માની ડેડબોડી રસ્તા પર પડી રહી હતી, છતાં પોલીસ બીજી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા પણ તૈયાર નહોતી. પોલીસ બસ હાથ પર હાથ ધરીને ઊભી રહી ગઈ હતી અને કોઈ સંતોષકારક જવાબ આપતું નહોતું.”

પોલીસે ગુનો નોંધી ફરાર લક્ઝરી બસની શોધખોળ શરૂ કરી

આ હૃદયદ્રાવક ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સ્થાનિકોએ પોલીસને હાઈવે બંધ કરી દેવા અને એમ્બ્યુલન્સની તાકીદે વ્યવસ્થા કરવા બાબતે ઉગ્ર રજૂઆતો કરી હતી. આખરે કપુરાઇ પોલીસ સ્ટેશનના કાફલાએ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પુત્ર સંજીવ પંડ્યા અકસ્માત લાઈવ જોયો હોવા છતાં આઘાત અને અંધારાના કારણે લક્ઝરી બસનો નંબર નોંધી શક્યો નહોતો. પોલીસે હાલમાં અજાણ્યા લક્ઝરી બસ ચાલક સામે ગુનો નોંધીને હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કરીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: વડોદરામાં આન્ટીએ ડિનર કરીને પરત જતાં બેને કચડ્યાં

આ પણ વાંચો: વડોદરાના મુવાલ ગામમાં કંકાલનો ભેદ ઉકેલાયો, પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા

આ પણ વાંચો: વડોદરામાં વિદેશી યુવકની બેફામ કારનો કહેર, વૃદ્ધાને ઉડાવતા ઘટનાસ્થળે મોત; CCTV વાયરલ