Kheda News/ ખેડાના પીજ ગામમાં જળ સંકટ, 4 દિવસથી પાણી ન મળતા ગ્રામજનોનો પંચાયત પર હલ્લાબોલ

Khedaના નડિયાદ પાસેના પીજ ગામમાં 4 દિવસથી પાણી ન આવતા ગ્રામજનોએ વિરોધ કર્યો છે. ટેન્કરમાં મરેલો ઉંદર હોવાના આક્ષેપ સાથે પંચાયતમાં હોબાળો થયો છે.

Top Stories Gujarat Others
Kheda Pij Village Water Crisis

Kheda Pij Village Water Crisis: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા પીજ ગામમાં છેલ્લા ચાર દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પાણી વગર ટળવળતા ગ્રામજનોની ધીરજ ખૂટતા આજે તેઓએ માટલા અને ડોલો રોડ પર ફેંકીને તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આટલું જ નહીં, ગ્રામ પંચાયત ખાતે પહોંચીને લોકોએ સરપંચ અને તંત્ર સામે ભારે હોબાળો મચાવ્યો હતો.

Kheda : બે ટાંકી હોવા છતાં ‘તરસ્યું’ ગામ

ગામમાં પાણીની બે મોટી ટાંકીઓ આવેલી છે, પરંતુ જાળવણીના અભાવે બંને શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે એક ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી તેનો ઉપયોગ થઈ શકતો નથી. બીજી તરફ, ખોટા આયોજનના કારણે બીજી ટાંકી ખાડા જેવા વિસ્તારમાં બનાવવામાં આવી હોવાથી ત્યાંથી પણ પાણી સપ્લાય કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ ટેકનિકલ ખામીઓ અને જર્જરિત વ્યવસ્થાને કારણે છેલ્લા ચાર દિવસથી આખું ગામ ટીપે ટીપે પાણી માટે તરસી રહ્યું છે.

Kheda Pij Village Water Crisis

ટેન્કરમાં ‘મરેલો ઉંદર’ નીકળતા લોકોનો આક્રોશ

પાણીની અછત દૂર કરવા માટે ગામમાં ટેન્કર મંગાવવામાં આવ્યું હતું. ટેન્કર આવતા જ પાણી ભરવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી. પરંતુ આ દરમિયાન ટેન્કરના પાણીમાં ‘મરેલો ઉંદર’ હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો. અશુદ્ધ અને ગંદુ પાણી મોકલીને ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે વાતાવરણ વધુ તંગ બન્યું હતું.

સરપંચનું નિવેદન, આક્ષેપો પાયાવિહોણા

સમગ્ર મામલે પીજ ગામના સરપંચે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મોટર લાઈનમાં ટેકનિકલ ફોલ્ટ આવવાને કારણે પાણીની સમસ્યા સર્જાઈ છે. હાલ મોટરનો વાલ્વ રીપેરીંગ કરવાનું કામ ચાલુ છે અને ટૂંક સમયમાં જ સમસ્યાનો ઉકેલ આવી જશે. વધુમાં, ટેન્કરમાં મરેલા ઉંદર હોવાના આક્ષેપને સરપંચે નકારી કાઢ્યા હતા અને આ મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.

ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થાય તે પહેલા જ ખેડાના ગામડાઓમાં પાણી માટે જે રીતે પોકાર ઉઠ્યો છે, તે જોતા તંત્ર વહેલી તકે જાગે તે જરૂરી છે.


આ પણ વાંચો: ખેડા-અમદાવાદ હાઈવે પર કરૂણ અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોનાં મોત

આ પણ વાંચો: ખેડા કેસમાં સનસની! પાટીદાર દીકરીની હત્યાનો દાવો, રણછોડ રબારી શંકાના ઘેરામાં

આ પણ વાંચો: ખેડા પ્રેમલગ્ન કેસમાં નવો વળાંક: અપહરણના આક્ષેપ વચ્ચે દીકરીનો ખુલાસો