Attack/ ઈઝરાયેલમાં સ્વતંત્રતા દિવસના અવસરે છરી અને કુહાડીથી હુમલો, ત્રણ લોકોના મોત

ઇઝરાયેલના ઇલાદ શહેરમાં ગુરુવારે રાત્રે સ્વતંત્રતા દિવસના અવસર પર બે પેલેસ્ટિનિયન હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા છરી અને કુહાડીના હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે

World
attack

ઇઝરાયેલના ઇલાદ શહેરમાં ગુરુવારે રાત્રે સ્વતંત્રતા દિવસના અવસર પર બે પેલેસ્ટિનિયન હુમલાખોરો દ્વારા કરવામાં આવેલા છરી અને કુહાડીના હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને ચાર લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે, ઇઝરાયેલમાં છેલ્લા દોઢ મહિનામાં આ પ્રકારની સાતમી ઘટના છે, જેના કારણે આવા હુમલામાં મૃત્યુઆંક વધીને 19 થઈ ગયો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર હુમલા બાદ બંને હુમલાખોરો સ્થળ પરથી વાહનમાં ફરાર થઈ ગયા હતા. પોલીસે હુમલાખોરોને શોધવા માટે મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે. રસ્તા પર નાકાબંધી કરી દેવામાં આવી છે અને હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યું છે.

શુક્રવારે, ઇઝરાયેલી પોલીસ અને શિન બેટ સુરક્ષા સેવાએ બે શકમંદોના નામ જાહેર કર્યા, જેની ઓળખ 19 વર્ષીય અસદ અલ-રફાની અને 20 વર્ષીય સબી અબુ શાકિર તરીકે થઈ છે. બંને વેસ્ટ બેંકના જેનિન વિસ્તારના રહેવાસી છે. તાજેતરના અઠવાડિયામાં જેનિન અને તેની આસપાસના વિસ્તારોમાં ઇઝરાયેલના સૈન્ય હુમલામાં વધારો થયો છે. આ વિસ્તારમાં ઈઝરાયેલી સૈનિકો અને પેલેસ્ટિનિયન આતંકવાદીઓ વચ્ચે હિંસક અથડામણ પણ થઈ છે.

ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટે ગુરુવારે મોડી રાત્રે વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કર્યા પછી કહ્યું, “અમે આતંકવાદીઓ અને તેમના સાથીઓને પકડીશું. તેઓએ આ હુમલાની કિંમત ચૂકવવી પડશે.”