દિલ્હીમાં થયેલી JNU હિંસાના પડઘા ગુજરાત સુધી પડ્યા હતા. ગુજરાતનાં અમદાવાદ શહેરનાં પાલડી વિસ્તારમાં ABVP અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. હાથમાં હથિયારો લઈને બંને પક્ષના કાર્યકર્તાઓ એકબીજા પર હુમલો કર્યો હતો. હુમલામાં NSUIના મહામંત્રી નિખીલ સવાણી લોહીલુહાણ થયા તો, તેની સાથે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. લોહીલુહાણ નિખીલ સવાણી અને અન્યને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
કોંગ્રેસનાં નેતાઓ દ્વારા નિખીલ સવાણીની હોસ્પિટલે જઇ મુલાકાત પણ લેવામાં આવી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત નિખીલ સવાણીએ, એનએસયુઆઈના જ કાર્યકરોને ટાર્ગેટ કરીને માર્યા હોવાના આક્ષેપો કર્યાની સાથે સાથે. પોતાનાં ઉપર થયેલા હુમલામાં પોલીસ દ્વારા ભેદભાવ યુક્ત વલણ અને યુવા ભાજપનાં ગુજરાત પ્રમુખ ઋત્વિજ પટેલ પર ગંભીર આક્ષેપો કરી પોતાનાં પર થયેલા હુમલા માટે જવાબદાર ગણાવ્યા છે. તો યુવા ભાજપનાં ગુજરાત પ્રમુખ ઋત્વિજ પટેલ દ્વારા હુમલાની નિંદા કરી તપાસ કરાવવામાં આવશે તેવું ટાંંકવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટના જોવામાં આવે તો, JNUની ઘટનાના પ્રત્યાઘાત રૂપે મંગળવારે સવારે અમદાવાદમાં એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા અને લાકડી-ધોકા વડે સામ-સામે મારામારીના દૃશ્યો સર્જાયા હતા. લાકડી અને ધોકા વચ્ચે થઇ રહેલી આ હિંસાના દૃશ્યો ગાંધીજીનાં સાબરમતિ આશ્રમથી માત્ર ત્રણથી ચાર કિલોમીટર દૂરના છે.
એકતરફ એનએસયુઆઇના નીખિલ સવાણી એબીવીપીના કાર્યાલય તરફ તાળાબંધી જેવા કાર્યક્રમ માટે આગળ વધી રહ્યા હતા, ત્યાં ભાજપના વિદ્યાર્થી સંગઠન પણ જવાબ આપવા તૈયાર જ હતું. બને વચ્ચે પાલડી નજીક ધર્ષણ સર્જાતા વધતી હિંસક ઝડપ વચ્ચે સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે પણ બળપ્રયોગ શરૂ કર્યો હતો. કોણ એનએસયુઆઇનું અને કોણ એબીવીપીનું. ગાંધી ચિંધ્યા માર્ગનું આ આંદોલન હવે હિંસાનું રૂપ ધારણ કરી ચૂક્યું હતું. પ્રાથમિક અહેવાલો અનુસાર એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી સહિત તેના પાંચ કાર્યકરોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાયા હતા.
ABVP અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે AMC વિપક્ષના નેતા દિનેશ શર્માએ NSUIના નિખીલ સવાણી સાથે મુલાકાત કરી હતી. દિનેશ શર્મા અને નિખીલ સવાણી વચ્ચે સમગ્ર મામલે વાતચીત થયા બાદ દિનેશ શર્માએ ABVP અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા ઘર્ષણને લઈને ભાજપ પર નિશાન સાંધ્યું હતું અને આ કૃત્ય ભાજપનાં ભાડુંતી ગુંડાઓ દ્વારા કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
એનએસયુઆઇના આક્ષોપો બાદ એબીવીપી પર મીડિયાની ભીંસ વધી રહી હતી, ત્યારે એબીવીપી કાર્યાલયમાં જતાં મીડિયાને એબીવીપી દ્વારા રોકવામાં આવ્યું હતું. અને થોડીવાર બાદ એવું સ્ટેટમેન્ટ અપાયું કે અમારી પાસે ક્યાં લાકડી અને ધોકા છે.
આ તરફ મામલાની ગંભીરતાને જોતાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પહેલેથી જ કાર્યાલય પર મોજુદ હતા અને તેમની સામે જ નીખિલ સવાણીને માર મારવામાં આવ્યો હતો. જોકે પાછળથી ઋત્વિજ પટેલે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, આ પ્રકારનો હુમલો નિંદનિય છે અને ગાંધીના ગુજરાતમાં આવી હિંસાને કોઈ સ્થાન ન હોઈ શકે. જો કે, હુમલો કોણે કર્યો તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
ગાંધી ચિંધ્યા માર્ગે શરૂ થતાં આવા આંદોલન આખરે હિંસાનું રૂપ ધારણ કરતાં જ હોય છે. ત્યાં સવાલ એ થાય છે કે ગાંધી આશ્રમથી માત્ર ત્રણ ચાર કિલોમીટર દૂર દિલ્હીની હિંસાના પડઘા અમદાવાદમાં કેમ ઉગ્ર બન્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
