કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 144 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 18.3 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. કોલકાતા તરફથી રિંકુ સિંહ અને નીતિશ રાણાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રિંકુએ 54 રનની ઇનિંગ રમી હતી. જ્યારે નીતિશ રાણાએ અણનમ 57 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી દીપક ચહરે 3 વિકેટ લીધી હતી.
145 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની શરૂઆત સારી રહી ન હતી. પાવરપ્લેમાં ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જેસન રોય (12), ગુરબાઝ (1) અને વેંકટેશ અય્યર (9) રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી નીતિશ રાણા અને રિંકુ સિંહે ચોથી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરીને ટીમને જીતની નજીક પહોંચાડી હતી. જોકે રિંકુ સિંહ 43 બોલમાં 54 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. પોતાની ઇનિંગમાં તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી શિવમ દુબેએ સૌથી વધુ રન બનાવ્યા હતા.
કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે 2-2 વિકેટ લીધી હતી. પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે સારી શરૂઆત કરી હતી. પરંતુ ત્રીજી ઓવરમાં ઋતુરાજ 13 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ડેવોન કોનવે અને રહાણે વચ્ચે ધીમી 30 રનની ભાગીદારી થઈ હતી. રહાણે 11 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. ડેવોન કોનવે 28 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સુનીલ નારાયણે એક જ ઓવરમાં ચેન્નાઈને બેવડો ઝટકો આપ્યો હતો. રાયડુ (4) અને મોઈન અલી (1) રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. રવિન્દ્ર જાડેજા 24 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. ધોનીએ છેલ્લા બે બોલનો સામનો કર્યો હતો. જેમાં બે રન બનાવ્યા હતા.
