Kumbh Viral Girl Monalisa: પ્રયાગરાજ કુંભ મેળામાંથી રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બનેલી મોનાલિસાના લગ્ન મામલે એક ખૂબ જ મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) ની તપાસમાં સામે આવ્યું છે કે, જ્યારે મોનાલિસાના નિકાહ થયા ત્યારે તે સગીર (માત્ર 16 વર્ષની) હતી. આ ખુલાસા બાદ મધ્યપ્રદેશના મહેશ્વર પોલીસ મથકમાં મોનાલિસાના કથિત પતિ ફરમાન ખાન સામે POCSO અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે, જેનાથી ફરમાનની જેલ યાત્રા લગભગ નક્કી મનાઈ રહી છે.
નકલી જન્મ પ્રમાણપત્રથી કેરળમાં રજીસ્ટર કરાવ્યા નિકાહ
NCST ના અધ્યક્ષ અંતર સિંહ આર્યના નેતૃત્વમાં કરવામાં આવેલી તપાસ અને મહેશ્વર હોસ્પિટલના રેકોર્ડ મુજબ, મોનાલિસાનો જન્મ 30 ડિસેમ્બર 2009 ના રોજ થયો હતો. 11 માર્ચ 2026 ના રોજ કેરળમાં ફરમાન સાથે થયેલા નિકાહ સમયે તેની ઉંમર 16 વર્ષ અને 2 મહિના જ હતી. આરોપ છે કે, ફરમાને મહેશ્વર નગરપાલિકાનું એક નકલી જન્મ પ્રમાણપત્ર (Fake Birth Certificate) બનાવીને મોનાલિસાને પુખ્ત દર્શાવી હતી અને કેરળના પુઅર ગામમાં નિકાહ નોંધાવ્યા હતા. હવે આ લગ્ન રજીસ્ટ્રેશન રદ કરવાની કાનૂની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ફિલ્મ સ્ટાર બનાવવાની લાલચ આપી Monalisaને કેરળ લઈ ગયો
પીડિતાના પિતાએ મહેશ્વર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, એક શૂટિંગ દરમિયાન જ ફરમાન ખાનનો તેમના પરિવાર સાથે સંપર્ક થયો હતો. ફરમાને મોનાલિસાને એક ફિલ્મમાં મોટો રોલ અપાવવા અને કરોડો રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. તેણે જાતે જ ઇન્દોરથી કેરળની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી અને ત્યાં લઈ જઈને સગીર દીકરીને ફોસલાવીને નિકાહ કરી લીધા હતા.

PFI કનેક્શન, વિદેશી ફંડિંગ અને હ્યુમન ટ્રાફિકિંગનો એંગલ
આ મામલો માત્ર બાળવિવાહ પૂરતો સીમિત રહ્યો નથી. એડવોકેટ પ્રથમ દુબેએ આયોગ સમક્ષ એવી આશંકા વ્યક્ત કરી છે કે, આ નિકાહ પાછળ કોઈ મોટો એજન્ડા અથવા કટ્ટરપંથી સંગઠન PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા) ની સંડોવણી હોઈ શકે છે. આ કેસમાં વિદેશી ફંડિંગની પણ શંકા છે, કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી આરોપી અને પીડિતા કેરળની અત્યંત મોંઘી અને VIP હોટલોમાં રોકાઈ રહ્યા હતા. આયોગ આ સમગ્ર મામલાની તપાસ ‘આદિવાસી બાળકોની તસ્કરી’ (Human Trafficking) ના એંગલથી પણ કરી રહ્યું છે.
કેરળ અને મધ્યપ્રદેશના DGP ને દિલ્હી બોલાવાયા
આ કેસની ગંભીરતા અને આંતરરાજ્ય કનેક્શનને જોતા NCST એ ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. આયોગે 22 એપ્રિલ 2026 ના રોજ કેરળ અને મધ્યપ્રદેશ બંને રાજ્યોના પોલીસ મહાનિર્દેશક (DGP) ને દિલ્હી મુખ્યાલયે તલબ કર્યા છે. આ ઉપરાંત, બંને રાજ્યોની પોલીસને તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ દર ત્રણ દિવસે આયોગને સોંપવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર ડાયરેક્ટર સનોજ મિશ્રાની રેપ કેસમાં ધરપકડ
આ પણ વાંચો: મોંઢા પર માસ્ક, આંખો પર ચશ્મા પહેરવા મજબૂર મોનાલિસા, ગુસ્સામાં યુટ્યુબરનો તોડ્યો મોબાઈલ
આ પણ વાંચો: મહાકુંભમાં માળા વેચનારી ‘મોનાલિસા’નો બદલાયો અંદાજ! હવે બોલીવુડ અભિનેત્રીઓને આપે છે ટક્કર
