Lalji Patel SPG Statement on Inter Caste: આંતરજ્ઞાતિય લગ્ન (Inter-Caste Marriage) અને પ્રેમલગ્નને લઈને સરદાર પટેલ ગ્રુપ (SPG) ના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી પટેલે એક અત્યંત સૂચક અને કડક નિવેદન આપ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આયોજિત એક સામાજિક કાર્યક્રમમાં મંચ પરથી બોલતા લાલજી પટેલે સમાજની દીકરીઓ, તેમના સંસ્કાર અને આજની આધુનિક ટેકનોલોજીની આડઅસરો વિશે ખુલીને વાત કરી હતી. તેમના આ નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં તરફેણ અને વિરોધમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
‘સમાજની દીકરી સમાજમાં જ રહેવી જોઈએ’
કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા SPG પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, કોઈને પ્રેમલગ્ન સામે વાંધો ન હોઈ શકે, પરંતુ સમાજની દીકરી સમાજમાં જ રહે તે સૌથી વધુ હિતાવહ છે. તેમણે આક્રમક અંદાજમાં જણાવ્યું કે, જો કોઈ દીકરી અસામાજિક તત્વો કે ગુંડાઓ સાથે ભાગીને લગ્ન કરી લે, તો તે કોઈ પણ કાળે સ્વીકાર્ય નથી.
તેમણે ઉમેર્યું કે, “કદાચ કોઈ સંજોગોમાં સમાજ આ વાત ચલાવી લેશે, તો પણ SPG આવી બાબતો બિલકુલ સાંખી નહીં લે.” આ સાથે જ તેમણે હુંકાર કર્યો હતો કે જે દીકરીઓ આવા અસામાજિક તત્વોની જાળમાં ફસાઈ ગઈ છે, તેમને પરત લાવવા માટે સંગઠન દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવશે.
મોબાઈલ અને સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ચિંતા
દીકરીઓ ખોટા માર્ગે કેમ વળે છે, તે અંગે વાત કરતા લાલજી પટેલે આજના ડિજિટલ યુગને પણ જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે જણાવ્યું કે, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના આ યુગમાં યુવતીઓ ઘણીવાર ટેકનોલોજીના પ્રભાવમાં આવીને જીવનના ખોટા નિર્ણયો લઈ લેતી હોય છે. આથી, પરિવારોએ પોતાની દીકરીઓ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ અને વધુ સજાગ રહેવાની જરૂર છે.
માતાપિતાને આપી ખાસ સલાહ
સમાજના વાલીઓને ટકોર કરતા તેમણે અપીલ કરી હતી કે, માતા-પિતાએ પોતાની દીકરીઓને બાળપણથી જ સારા સંસ્કાર અને જીવનની સાચી સમજણ આપવી જોઈએ, જેથી ભવિષ્યમાં તેઓ કોઈ ખોટા પ્રલોભનોમાં ન ફસાય.
નિવેદન બાદ શરૂ થઈ ચર્ચા
લાલજી પટેલના આ નિવેદનને લઈને હાલ સમાજમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક મોટો વર્ગ એવો છે જે તેમના આ નિવેદનને દીકરીઓની સુરક્ષા માટેની સાચી ચેતવણી માની રહ્યો છે. જ્યારે બીજી તરફ, કેટલાક લોકો એવો સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે, બંધારણે આપેલી વ્યક્તિગત સ્વતંત્રતા અને પોતાની મરજીથી જીવનસાથી પસંદ કરવાના અધિકાર (પ્રેમલગ્ન) પર કોઈ સંગઠન કેવી રીતે રોક લગાવી શકે?.
