Gujarat News: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતી મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પરિયોજના ઝડપથી આગળ વધી રહી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL) દ્વારા 27 ઓગસ્ટ, 2025 સુધીનું લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે, જે ગુજરાતના લોકો માટે ગર્વની વાત છે. આ 508 કિલોમીટર લાંબા કોરિડોરમાં ગુજરાત અને દાદરા નગર હવેલીનો હિસ્સો 352 કિલોમીટર છે, જ્યારે મહારાષ્ટ્રમાં 156 કિલોમીટરનો હિસ્સો આવે છે. આ પ્રોજેક્ટ ગુજરાતના વિકાસ અને ભારતની આધુનિક રેલવે સિસ્ટમના નવા યુગની શરૂઆતનું પ્રતીક છે.

NHSRCLના અપડેટ અનુસાર, આ પ્રોજેક્ટમાં ગુજરાતનો હિસ્સો મહત્વનો છે. અત્યાર સુધીની પ્રગતિ આ પ્રમાણે છે:
વાયાડક્ટ અને માળખું: 317 કિલોમીટર ભાગ પર વાયાડક્ટનું કામ પૂર્ણ થયું છે. 396 કિલોમીટર પર પિયર વર્ક, 407 કિલોમીટર પર પિયર ફાઉન્ડેશન અને 337 કિલોમીટર પર ગર્ડર કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે.
નોઈઝ બેરિયર: ગુજરાતમાં 195 કિલોમીટરના ખંડ પર 3,90,000 નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે, જે પર્યાવરણ અને સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા માટે મહત્વનું પગલું છે.
ટ્રેક બેડ અને ઓવરહેડ ઈક્વિપમેન્ટ: ગુજરાતમાં 198 ટ્રેક કિલોમીટર ટ્રેક બેડનું નિર્માણ પૂર્ણ થયું છે. સુરત-બિલીમોરા વચ્ચે 40 કિલોમીટરના વાયાડક્ટ પર 1600 ઓવરહેડ ઈક્વિપમેન્ટ (OHE) માસ્ટ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, 200 મીટર લાંબા રેલ પેનલના વેલ્ડિંગ કામ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે.
આ પ્રોજેક્ટમાં કુલ 12 થીમ આધારિત સ્ટેશનો છે, જેમાંથી 8 ગુજરાતમાં આવેલા છે: સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા અને વાપી. આ તમામ સ્ટેશનોનું માળખાકીય કામ પૂર્ણ થયું છે, અને હવે બિલ્ડિંગના આંતરિક ભાગો અને ફિનિશિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ સ્ટેશનો ગુજરાતના શહેરોને નવી ઓળખ આપશે અને આર્થિક વિકાસને વેગ આપશે.

આ પ્રોજેક્ટમાં 21 નદી પુલોનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાંથી 17 પુલોનું કામ પૂર્ણ થયું છે. ગુજરાતની નદીઓ જેમ કે પાર (વલસાડ), પૂર્ણા (નવસારી), મિન્ધોલા (નવસારી), અંબિકા (નવસારી), ઓરંગા (વલસાડ), વેંગનિયા (નવસારી), મોહર (ખેડા), ધાધર (વડોદરા), કોલક (વલસાડ), વાત્રક (ખેડા), કાવેરી (નવસારી), ખરેરા (નવસારી), મેશ્વા (ખેડા), કીમ (સુરત), દરોથા (વલસાડ), દમણ ગંગા (વલસાડ) અને વિશ્વામિત્રી (વડોદરા) પર આ પુલો બની ચૂક્યા છે. આ ઉપરાંત, 8 સ્ટીલ બ્રિજ પણ તૈયાર થઈ ગયા છે.
આ પ્રોજેક્ટ ગુજરાતના ઔદ્યોગિક, પ્રવાસન અને આર્થિક વિકાસ માટે ગેમ-ચેન્જર સાબિત થશે. મુંબઈથી અમદાવાદની મુસાફરીનો સમય ઘટીને માત્ર 2-3 કલાકનો થશે, જેનાથી બિઝનેસ, રોજગાર અને કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થશે. ગુજરાતના 8 સ્ટેશનો આ પ્રોજેક્ટનું કેન્દ્રબિંદુ છે, અને આધુનિક ટેક્નોલોજી સાથે બની રહેલા આ સ્ટેશનો રાજ્યની પ્રગતિનું પ્રતીક બનશે.
આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ વચ્ચે નહીં દોડે જાપાની બુલેટ ટ્રેન, રેલ મંત્રાલયે લીધો મોટો નિર્ણય; કારણ પણ આપ્યું
આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 100 મીટર લાંબો લોખંડનો પુલ લોન્ચ
