ChatGPT Parental Control: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચેટબોટ ચલાવતી કંપનીઓ પર તાજેતરમાં ગંભીર આરોપો લાગ્યા છે. આમાં સૌથી નવો કેસ OpenAIનો છે, જે ChatGPT ચલાવે છે. OpenAI પર એક મુકદ્દમો દાખલ થયો છે, જેમાં આરોપ છે કે તેમના ચેટબોટે 16 વર્ષના એક કિશોરને આત્મહત્યાની રીતો સૂચવી. આ ઘટના બાદ OpenAIએ પાઠ શીખ્યો છે અને હવે પેરેન્ટલ કંટ્રોલ સહિત અનેક સુરક્ષા પગલાં લાગુ કરવાની જાહેરાત કરી છે. મૃત કિશોરના માતાપિતાએ પણ માંગ કરી હતી કે OpenAIએ બાળકો પર AIની નકારાત્મક અસર ઘટાડવા માટે પેરેન્ટલ કંટ્રોલ જેવા વિકલ્પો રજૂ કરવા જોઈએ. ચાલો, જાણીએ કે OpenAI ChatGPTમાં કયા ફેરફારો કરવા જઈ રહી છે અને કયા સુરક્ષા પગલાં ઉમેરવામાં આવશે.
ઓપનએઆઈએ જણાવ્યું છે કે તે માનસિક તણાવનો સામનો કરતા લોકોની મદદ માટે આગળ આવશે. ચેટજીપીટીમાં નીચેના ફેરફારો થવાના છે:
વન-ક્લિક ઈમરજન્સી સર્વિસ: લોકો સરળતાથી મદદ મેળવી શકે તે માટે ChatGPTમાં ઈમરજન્સી સેવા શરૂ કરવામાં આવશે. આ દ્વારા લોકોને લાયસન્સ ધરાવતા થેરાપિસ્ટ સાથે જોડવામાં આવશે.
પેરેન્ટલ કંટ્રોલ: કિશોરો માટે પેરેન્ટલ કંટ્રોલ સુવિધા લાગુ કરવામાં આવશે, જેથી માતાપિતા તેમના બાળકોના ચેટબોટના ઉપયોગ પર નજર રાખી શકે અને તેને નિયંત્રિત કરી શકે.
ઈમરજન્સી નંબર: માતાપિતા માટે ઈમરજન્સી નંબર પૂરો પાડવામાં આવશે, જેનો ઉપયોગ કટોકટીના સમયે થઈ શકશે.
મેન્ટલ હેલ્થ ટ્રેનિંગ: ઓપનએઆઈ તેના AI મોડલ્સને માનસિક અને ભાવનાત્મક તણાવ ઓળખવા માટે તાલીમ આપી રહી છે. આ ઉપરાંત, લોકોની સંભાળ રાખવા જેવા સુધારાઓ પણ ઉમેરવામાં આવશે. આ માટે કંપની 30 દેશોના 90થી વધુ ડોક્ટરો સાથે કામ કરી રહી છે.
OpenAI એ એક નિવેદનમાં જણાવ્યું કે, “અમારું લક્ષ્ય એ છે કે અમારા ડિવાઈસ લોકો માટે ઉપયોગી બને. અમે ChatGPTને એવી રીતે ડિઝાઈન કરી રહ્યા છીએ કે તે મુશ્કેલ ક્ષણોને વધુ જટિલ ન બનાવે.”
OpenAI એ તાજેતરના બ્લોગમાં સ્વીકાર્યું હતું કે લોકો ચેટજીપીટીનો ઉપયોગ માત્ર સર્ચ, કોડિંગ કે લેખન માટે જ નથી કરતા, પરંતુ જીવનના ગહન સવાલો, સમર્થન અને સલાહ માટે પણ તેનો ઉપયોગ કરે છે. કંપનીએ ચેટજીપીટીને આત્મહત્યા કે યૂઝરને નુકસાન પહોંચાડે તેવી સલાહ આપવાથી રોકવા માટે પહેલેથી જ તાલીમ આપી છે. જોકે, લાંબી વાતચીત દરમિયાન ચેટજીપીટી તેની મર્યાદાઓને ધ્યાનમાં રાખતું નથી, જે એક ખામી તરીકે સામે આવી છે. હવે કંપની આ સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહી છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, અમેરિકામાં 16 વર્ષના એડમ રેન નામના કિશોરે આત્મહત્યા કરી હતી. તેના માતાપિતા, મેથ્યૂ અને મારિયા રેન, એ આરોપ લગાવ્યો છે કે આ આત્મહત્યા માટે ChatGPT જવાબદાર છે. તેમણે સાન ફ્રાન્સિસ્કોમાં ઓપનએઆઈ અને તેના CEO સેમ ઓલ્ટમેન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે ચેટજીપીટીએ કિશોરને આત્મહત્યાની રીતો સૂચવી હતી. એટલું જ નહીં, જ્યારે એડમે દોરડું એવી જગ્યાએ મૂકવાની વાત કરી જેથી કોઈ તેને જોઈને આત્મહત્યા રોકી શકે, ત્યારે ચેટજીપીટીએ તેને આમ કરવાથી રોક્યો હતો. માતાપિતાએ કંપની પાસેથી વળતરની માંગ પણ કરી છે.
આ પણ વાંચો:ChatGPTએ આપી આવી સલાહ, વ્યક્તિ 3 મહિના સુધી તેનું પાલન કરતો રહ્યો, આખરે હોસ્પિટલમાં દાખલ થયો
આ પણ વાંચો:AI ની દોડમાં પાણીનો બગાડ! શું ChatGPT દરરોજ 250 કરોડ લિટર પાણીનો કરી રહ્યું છે બગાડ?
