Gujarat Weather: હવામાન વિભાગે આજે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ, સૌરાષ્ટ્રના જામનગર અને મોરબીમાં ભારે વરસાદ અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે આજે રાજ્યના મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સાથે, કચ્છ જિલ્લાના મોટાભાગના સ્થળો તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે ગુજરાતમાં આ વર્ષે સિઝનના કુલ સરેરાશ વરસાદના 51.37 ટકા વરસાદ નોંધાયો છે. આ વર્ષે રાજ્યના વિવિધ પ્રદેશોમાં થયેલા વરસાદની વાત કરીએ તો, કચ્છ ક્ષેત્રમાં અત્યાર સુધીમાં મોસમના કુલ સરેરાશ વરસાદના 58.46ટકા જેટલો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાં 55.29 ટકા, પૂર્વ મધ્ય ક્ષેત્રમાં 49.50 ટકા, સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 49.38 ટકા જ્યારે ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં સૌથી ઓછો 49 ટકા વરસાદ નોંધાયો છે.
ચોમાસા દરમિયાન કોઈપણ સંભવિત કટોકટીનો સામનો કરવા માટે આગોતરા આયોજનના ભાગ રૂપે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં ૧૨ NDRF અને 20 SDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યારે ૩ NDRF ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી છે. ચોમાસા દરમિયાન કુલ ૪,૨૭૮ નાગરિકોને કટોકટી સ્થળોએથી બહાર કાઢવામાં આવ્યા હતા અને 689 નાગરિકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રાજ્યના માછીમારોને પણ 22 જુલાઈ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
આ પણ વાંચોઃગુજરાતમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉકાસ્ટ, કરી ભારે વરસાદની આગાહી
આ પણ વાંચોઃલાંબા વિરામ બાદ દાંતીવાડા અને પાંથાવાડામાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત
