BJP District President : રાજ્યમાં ભાજપ(BJP) દ્વ્રારા તમામ શહેર-જિલ્લા પ્રમુખની 15 જાન્યુઆરી પહેલાં જાહેરાત થઈ શકે છે. શહેર-જિલ્લા પ્રમુખોની યાદી જાહેર થયા બાદ નવા પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવશે તેવા શક્યતા જણાય રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં શહેર અને જિલ્લા ભાજપ-પ્રમુખ બનવા માટે વર્તમાન સહિત પૂર્વ હોદ્દેદારોએ પણ દાવેદારી કરી છે. હોદ્દો મેળવવા માટે લોબિંગ પણ શરૂ કરી દેવાયું છે. માત્ર એટલું જ નહીં, વડોદરામાં ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે બબાલ જામી પડી હતી અને જૂથવાદ સપાટીએ આવી ગયો હતો. આ ઉપરાંત વોર્ડ પ્રમુખોની નિયુક્તિમાં પણ ઘણા નેતાઓએ ઉંમર ઘટાડીને દાવેદારીઓ કરી હતી અને એને લઈને પણ ખૂબ વિવાદો થયા હતા.
વડોદરા શહેર ભાજપમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી યાદવાસ્થળી 4 જાન્યુઆરી, 2024ના રોજ સેન્સપ્રક્રિયામાં પણ જોવા મળી હતી. આ સેન્સપ્રક્રિયા દરમિયાન વડોદરા શહેર ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થતાં કાર્યાલય પર સોપો પડી ગયો હતો. સુરત જિલ્લાના વિવાદ અંગે વાત કરીએ તો કુલ 17 ઉમેદવારે પ્રમુખપદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, ત્યારે પ્રમુખપદ માટે હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા સામે ભાજપના જ આગેવાને નારાજગી વ્યક્ત કરી હતી. સુરત જિલ્લા ભાજપના SC મોરચાના પ્રમુખ રાજેશ કટારિયાએ પણ સુરત જિલ્લા ભાજપ પ્રમુખપદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પરંતુ તેમનું ઉમેદવારી ફોર્મ કારણ વગર જ રદ કરી દેવામાં આવ્યું હોવાનું જણાવી રોષ વ્યક્ત કર્યો હતો. વોર્ડ અને તાલુકા પ્રમુખો બનવા સમયે પણ ઉંમર ઘટાડવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. વોર્ડ અને તાલુકાના પ્રમુખો બનવા માટે 40થી વધુ વયના કાર્યકરોની પસંદગી ન કરવી એવો નિર્ણય લેવાયો હતો, જેથી કેટલાક ‘હોશિયાર’ ભાજપ નેતાઓએ આ માપદંડમાં ગોઠવાઈ જવા નકલી જન્મ પ્રમાણપત્રો તૈયાર કરાવી દીધાં હતા. 40થી વધુ વયના જ વોર્ડ અધ્યક્ષ બની શકે એ માટે રાજકોટ અને અમદાવાદના ભાજપ નેતાએ પણ નકલી જન્મ પ્રમાણપત્ર રજૂ કરી ઉંમર ઓછી કરી દીધી હતી.
અમદાવાદ મહાનગરપાલિકાના 40 વોર્ડના અધ્યક્ષોની યાદી બહાર પડી તેના ગણતરીના કલાકોમાં જ કુબેરનગર વોર્ડના અધ્યક્ષ રામપ્યારે ઠાકુરે તેમનાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને આધારકાર્ડમાં જન્મ તારીખ 6 જુલાઈ 1975 છે. તેની સામે તેમણે પાલિકામાંથી મેળવેલા પ્રમાણપત્રની તારીખ 6 જુલાઈ 1980 કરી નાંખી હતી. જો કે બાદમાં ભાજપે રામપ્યારેને કુબેરનગર વોર્ડ પ્રમુખ પદેથી હટાવી દીધા હતા. જ્યારે રાજકોટના વોર્ડ મેમ્બર 14માં પ્રમુખ બનવા માટે કાર્યકર્તા વિપુલ માખેલાએ નકલી પ્રમાણપત્ર રજૂ કરી પોતાનો દાવો કર્યો હતો. માખેલાની ઉંમર ખરેખર 50 વર્ષની હતી, તેમ છતાં તેમણે આમ કરતા પક્ષનું ધ્યાન કોઈ પાર્ટીના કાર્યકરે જ દોર્યું હતું. તે પછી તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી શરૂ કરાઈ હતી.
અમદાવાદ ભાજપનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, અમદાવાદમાં શહેર ભાજપપ્રમુખ તરીકે દાવેદારીમાં સૌથી વધુ ચર્ચા પ્રદેશ યુવા મોરચાના પૂર્વ યુવા પ્રમુખ અને પ્રદેશના સહપ્રવક્તા ડો. ઋત્વિજ પટેલનું નામ ચાલી રહ્યું છે. ગાંધીનગર લોકસભામાં ઘાટલોડિયા વોર્ડમાંથી આવતા ઋત્વિજ પટેલની યુવા કાર્યકર્તાઓમાં અને સંગઠનમાં સારી પકડ છે. યુવા મોરચાના પ્રમુખ તરીકે તેમની સારી કામગીરી હોવાના પગલે તેમને પ્રમુખપદ આપવામાં આવી શકે છે. સરસપુર રખિયાલ વોર્ડના કોર્પોરેટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા રહી ચૂકેલા ભાસ્કર ભટ્ટ પણ શહેર પ્રમુખની દાવેદારીમાં આગળ છે. સંગઠનમાં કામગીરી કરી હોવાના કારણે તેઓ પણ દાવેદાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટે પણ પ્રમુખપદ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માટે દાવેદારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં વર્તમાન પ્રમુખ મુકેશ દોશી ઉપરાંત મહામંત્રી અને પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિન મોલિયા, પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાય, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળિયા, પૂર્વ મેયર ડો.પ્રદીપ ડવ, જે. ડી. ડાંગર, નીતિન ભૂત, કશ્યપ શુકલ, શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલા શૈલેષભાઇ જાની, દેવાંગ માંકડ, દિવ્યરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્ર મીરાણી, દિનેશ કારિયા, પરેશ ઠાકર, મનીષ રાડિયા, સરદારધામના ઉપપ્રમુખ જેન્તી સરધારા સહિત કુલ 30 જેટલા દાવેદારોએ ફોર્મ ભર્યા હતા.
વડોદરા શહેર ભાજપ-અધ્યક્ષ માટે મુખ્ય દાવેદાર તરીકે વર્તમાન શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ, પૂર્વ મેયર અને પૂર્વ મહામંત્રી સુનીલ સોલંકી, જિગર ઈનામદાર, કૃણાલ પટેલ સહિત પૂર્વ મેયર જિગીષા શેઠ સહિત 44 લોકોએ દાવેદારી નોંધાવી હતી. ત્યારે આ તમામ ચહેરાઓમાંથી કોઈને પ્રમુખ બનાવવામાં આવે છે કે પછી અન્ય કોઈ ચહેરાને પ્રદેશમાંથી પસંદગી કરવામાં આવે છે એ આવનારો સમય જ બતાવશે. જો કે જૂથવાદે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યારે સુરત શહેર ભાજપ માટે દાવેદારી નોંધાવનારા ઉમેદવારોમાં ચોર્યાસી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલ, પરેશ પટેલ, વિનોદ ગજેરા, મદન સિંહ અટોદરિયા, પૂર્વ મેયર જગદીશ પટેલ, લલિત વેકરિયા, અજય ચોકસી, અશોક ગોહિલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલા, આર.કે. લાઠિયા, અરવિંદ ગોયાણી, નિરવ શાહ, અનિલ ગોપલાણી, સમીર બોધરા, મનસુખ સેંજલિયા અને દિનેશ જોધાણી સહિત હસમુખ પટેલ દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ સિવાય ડ્રેનેજ કમિટી ચેરમેન કેયૂર ચપટવાલા, બાબુ જીરાવાલાએ પણ પોતાની દાવેદારી નોંધાવી હતી.
આ પણ વાંચો: કૌશીક વેકરિયાને બદનામ કરતો લેટર: ભાજપના નેતાઓને કુરિયર કર્યાના CCTV ફૂટેજથી થયો ખુલાસો
આ પણ વાંચો: રાજકોટમાં સમૂહલગ્નના લાભાર્થે યોજાયેલા ડાયરામાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ઉપર લોકોએ અઢળક રૂપિયા ઉડાવ્યા
