અમદાવાદ,
બહુચર્ચિત બનેલા જયંતી ભાનુશાળી દુષ્કર્મ કેસમાં થોડી થોડીવારે નવા વળાંકો આવી રહ્યાં છે. ત્યારે આજે અચાનક અમદાવાદમાં પીડિતાના પૂર્વ પતિએ પ્રેસ કોન્ફરન્સ કરી પીડિતા રૂપિયાની લાલચમાં અનેક લોકોને ફસાવી ચુકી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેના થોડા જ કલાકોમાં સુરતમાં પીડિતાએ પ્રેસ કોન્ફરન્સ યોજી પૂર્વ પતિના આક્ષેપોને ફગાવ્યાં હતાં. સાથે જ પીડિતાએ પોતાના છૂટા છેડા અંગે કહ્યું હતું કે પૂર્વ પતિ માર મારી દહેજ માંગતો હોવાથી ડિવોર્સ લેવાની ફરજ પડી હતી.
જંયતી ભાનુશાળી સામે કેસ દાખલ કરાવ્યા બાદ પીડિતાના વિરુધ્ધ તેના પૂર્વ પતિએ અમદાવાદમાં આક્ષેપો કર્યા હતાં. જેનું ખંડન કરતાં પીડિતાએ જણાવ્યું હતુંકે, તેમના આરોપો સાવ પાયાવિહોણા છે અને જો તેમની પાસે એક સાબિતી હોય તો આપે. તે પણ કોઈના દબાણમાં આ રીતે બહાર આવ્યો હોય શકે છે. હવે તેમની સાથે કોઈ જ સંબંધ ન હોવાનું પીડિતાએ જણાવ્યું હતું. સાથે જ તેમના પિતા અને પરિવાર પર લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા હોવાનું વધુમાં જણાવ્યું હતું.
માર મારી દહેજ મંગાતા લેવાયા છૂટાછેડા
પીડિતાએ છૂટાછેડા અંગે જણાવ્યું હતું કે, હું સામાન્ય પરિવારમાંથી આવું છું અને મારા તેમની સાથે પ્રેમ લગ્ન થયાં હતાં. મંદિરમાં લગ્ન કર્યા બાદ તેમનો પતિ માર મારીને દહેજ માંગતો હોવાથી પોલીસમાં અરજી આપી હતી. ત્યારબાદ એકાદ મહિનામાં છૂટાછેડા લેવામાં આવ્યાં હતાં.
પીડિતાએ કહ્યું હતું કે, હું કોઈ રાજકીય બાબતમાં પડવા માંગતી નથી. કોણ શું કરી રહ્યું છે. મારા પૂર્વ પતિ અચાનક કેમ બહાર આવ્યા તે તમામ બાબતો મારે મહત્વની નથી. મારે તો માત્ર ન્યાય જોઈએ છે. જયંતી ભાનુશાળીને તેના કરેલા કર્મોની સજા મળે માત્ર એટલું જ ઈચ્છું છું.
પીડિતાએ પોલીસ કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે, મારી સાથે તમામ પ્રકારની કાર્યવાહી થઈ ચુકી છે. મને હોટલમાં પણ લઈ જવામાં આવી. મારા જવાબો પણ લખવામાં આવ્યાં છે. પરંતુ હવે ભાનુશાળી પર ક્યારે કાર્યવાહી થશે તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો.
જયારે બીજી તરફ વાત કરીએ તો ભાનુશાળીના વેવાઈ કરસનભાઈએ તપાસકર્તા ડો.લીના પાટીલને અરજી કરતાં કહ્યું હતુ કે આરોપી પીડીતા દ્વારા અમારા વેવાઈ ભાનુશાળી વિરોધ જે અરજી કરવામાં તે અરજીમાં કરેલા આક્ષેપો પાયાવિહોણા છે અને પીડીતા પોલીસને જાણ કર્યા વગર મકાન ખાલુ કરી શકે નહીં તો શા માટે તેને મકાન ખાલી કરવાની જરૂર પડે અને પીડીતાએ પ્રિયા બેનનો ઉલ્લેખ કર્યો છે. તેઓ હિસ્ટ્રી પણ સારી નથી આ તમામ બાબતોને લઈને અમો ડો. લિના પાટીલને અરજી કરીએ છીએ અનો ઝડપથી અમારી ફરીયાદ નોંધાઈ તેવી અરજ કરીએ છીએ.
