લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે ત્યારે દરેક રાજકીય પક્ષોએ તેના પ્રચાર-પ્રસારને વધુ વેગવંતો બનાવ્યો છે. દેશના અનેક રાજ્યોમાં દરેક રાજકીય પક્ષો ચૂંટણી સભા યોજીને મતદાઓને તેના પક્ષમાં કરવા માટે પ્રયાસ કરી રહી છે. આવી જ એક સભા યુપીમાં ભાજપની યોજાઇ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે યુપીમાં સપા-બસપા તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
શાહે કહ્યું હતું કે આ ત્રણેય પક્ષ ઘૂસણખોરોને ભારતથી નિકાળવા નથી માંગતા કારણ કે તેઓ તેમના ‘મત બેંક’ છે. શાહે વિજય સંકલપ રેલીમાં કહ્યું હતું કે, “ભારતીય જનતા પક્ષ ઘૂસણખોરોને કાઢવા માંગે છે. તેમણે ફરી ભ્રષ્ટાચારના મુદ્દે સપા –બસપા અને કોંગ્રેસ પર હુમલો કર્યો હતો અને કહ્યું કે આ ત્રણેય પાર્ટીના શાસનમાં 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો છે પરંતુ અમારી સરકારમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. ભાજપના અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, માયાવતી કહે છે કે અમે ગરીબો માટે કામ કરીશું, જ્યારે બસપાએ તમામ ધનિકોને ટિકિટ આપી છે અને તેઓ ગરીબોને ક્યારેય સારું કરશે નહીં.