રાજકોટમાં હોટલ પાર્કઇન કૂટણખાના કેસમાં ફરી એક નવો વળાંક આવ્યો છે. સગીરાને રાજકોટ લાવનાર યુપીના શખ્શ સંતોષકુમાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.રાજકોટમાં 6 દિવસ પહેલા સદર બજાર વિસ્તારમાં આવેલી હોટેલ પાર્ક ઇનમાંથી મહિલા પોલીસે કુટણખાનું ઝડપી પાડી દેહવ્યાપારનો ધંધો કરાવતી વડોદરાની મહિલા, હોટલ મેનેજર અને રાજકોટના પુરુષની ધરપકડ કરી હતી. આ હોટેલમાંથી 6 દિવસ પહેલા દરોડા દરમિયાન મળી આવેલી સગીરાનું કાઉન્સેલિંગ કર્યા બાદ અને પરિવારને મળ્યા બાદ ચોંકાવનારી હકીકત સામે આવી છે.
![]()
મુંબઇના NGOએ આપેલી સચોટ બાતમીના આધારે હોટલમાં અન્ય રૂમમાં તપાસ કરતા રૂમ નંબર 405માંથી સગીર વયની બાળકી મળી આવી હતી. જેને પૂછપરછ કરતા બાળકીને સંતોષ નામનો વ્યક્તિ અહીં લાવ્યા બાદ હાલ સંતોષ મથુરા ગયો હોવાનું જણાવ્યું હતું. બાળકી ગભરાયેલી હોવાથી બાળકીને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે રાખી સ્વસ્થ થયે કાઉન્સેલિંગ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં હોટેલના રૂમમાં જ બે મહિના સુધી યુપીના સંતોષકુમાર કુશવાહે સગીરાને ગોંધી રાખી વારંવાર દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી હતી. આથી યુપીના અલીગઢનાં સંતોષકુમાર કુશવાહ સામે બળાત્કાર, અપહરણ, પોક્સો સહિતની કલમો હેઠળ મહિલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
![]()
પ્રેમ જાળ, અપહરણ અને બળાત્કારનું પ્રકરણ ખુલ્યું
સંતોષે સગીરા ઉપર નજર બગાડી હતી અને તેણીને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન કરવાના ઈરાદે તેણીનું અપહરણ કરી ભગાડી ગયા બાદ બે માસથી હોટેલમાં રાખી હતી. આ દરમિયાન સગીરા ઉપર સંતોષે વારંવાર દુષ્કર્મ આચરી પોતાની હવસ સંતોષી હતી.પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનાં અલીગઢનો છે. તેઓ સગીરા અને તેનાથી નાની પુત્રી સાથે અલીગઢ રહેતા હતા. પરંતુ સગીરાનાં પિતાનું અવસાન થયા બાદ બન્ને દીકરી સાથે રાજકોટ આવી ગયા હતા. અહીં પુત્રો સાથે રહેવાની વ્યવસ્થા ન હોવાથી અલીગઢનાં જ વતની અને પરિવારનાં ઓળખીતા એવા સંતોષ કુશવાહ કે જે રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલા સ્વાતી પાર્કમાં રહે છે અને ગોંડલ રોડ પર તેનું કારખાનું આવેલું છે. તેણે પોતાનાં કારખાને રહેવાની વ્યવસ્થા કરતા ત્રણેક માસ પહેલા ત્યાં રહેવા ગયા હતા.
અત્યાર સુધીની વિગતો સિલસિલા વાર
પોલીસે દરોડાના 48 કલાક બાદ હોટેલમાંથી દારૂ મળી આવ્યાનો ખુલાસો કર્યો હતો અને તે અંગે હોટેલ મેનેજર અને દારૂની બોટલ લાવનાર એક પત્રકાર સામે ગુનો નોંધાયો હતો.
બીજી તરફ દરોડાનાં દિવસથી જ સગીરાનું કાઉન્સેલિંગ ચાલુ હતું. બીજા જ દિવસે મેડિકલ ચેકઅપ થઈ ગયું હતું. અને ત્રીજા કે ચોથા દિવસે સગીરાનો પરિવાર પણ મળી આવ્યો હતો.
તે સમયે પોલીસે દાવો કર્યો હતો કે સગીરાનો પરિવાર કોઈ ફરિયાદ કરવા માગતો નથી. કારણ કે તેના મૂળ વતનનો રહેવાસી સંતોષકુમાર હરિસિંહ કુશવાહને સગીરા સાથે પ્રેમસંબંધ હોય જેથી સગીરાને હોટેલમાં રાખી હતી.
જોકે દરોડાનાં 6 દિવસ બાદ ગત સાંજે મહિલા પોલીસ મથકે સગીરાની માતાએ સંતોષ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. સગીરાની માતાના જણાવ્યા મુજબ તેમના બે પુત્રો છેલ્લા કેટલાંક સમયથી રાજકોટમાં રહી મજૂરી કામ કરે છે.

રાજકોટ પોલીસે પત્રકાર પરિષદ યોજીને આપેલી માહિતી
રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને મુંબઇમાં NGO એ તપાસ ચલાવતા 3થી 4 લોકો સાથે મળી મહિલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. રાજકોટના સદર બજાર વિસ્તાર નજીક આવેલી હોટલ પાર્ક ઇનમાં સંતોષ નામનો વ્યક્તિ સગીર વયની બાળકીને લાવી રૂમમાં રાખી છે જેને મુક્ત કરવા જાણ કરી હતી.
બાદમાં પંચો તેમજ સમાજ સુરક્ષા વિભાગને સાથે રાખી પોલીસ ટીમ સાંજના સમયે હોટલ પાર્ક ઇન પહોંચી હતી. જ્યાં હોટલના મેનેજર મેહુલને મળી બાદમાં હોટલની તલાસી લેવામાં આવી હતી.
જેમાં પોલીસને રૂમ નંબર 102માંથી બે સ્ત્રી મળી આવી હતી. જેની પૂછપરછ કરતા દેહવ્યાપારનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે તપાસ કરતા સગીરા પણ મળી આવી હતી અને આ સાથે કુટણખાનું પણ ઝડપાયું હતું.
જેમાં વડોદરાની મહિલા અને રાજકોટનો શખ્સ ગ્રાહક પાસેથી 2 હજાર પડાવી દેહવ્યાપાર કરતી યુવતીને 500 રૂપિયા આપતા હતા.
પોલીસના જણાવ્યા મુજબ હોટલના રૂમ નંબર 102માંથી મળી આવેલી બે સ્ત્રીની પૂછપરછ કરતાં વડોદરાની મહિલા જયશ્રી ચાવડા રાજકોટના પ્રભુદાસ ઉર્ફે દાસભાઇ કકડ સાથે મળી બહારથી ગ્રાહક બોલાવી રૂમમાંથી મળી આવેલી 28 વર્ષીય યુવતી પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતા હોવાનું સામે આવ્યું છે.
જેમાં આરોપીઓ ગ્રાહક પાસેથી 2000 રૂપિયા મેળવી ભોગ બનનારને રૂપિયા 500 આપતા હોવાની પોલીસને કબૂલાત આપી છે. પોલીસે બન્નેની ધરપકડ કરી ઇમોરલ ટ્રાફિક પ્રીવેનશન એક્ટ 1956 ની કલમ 3, 4 અને 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

