Mahashivratri Mela Junagadh 2026: ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન જૂનાગઢનો વિશ્વપ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળો’ 11 ફેબ્રુઆરીથી વિધિવત રીતે શરૂ થઈ રહ્યો છે. ભવનાથ મહાદેવના મંદિર પર પરંપરાગત ધ્વજારોહણ સાથે આ પાંચ દિવસીય મેળાનો પ્રારંભ થશે. આ વર્ષે મેળામાં આધ્યાત્મિકતા સાથે આધુનિક સુવિધાઓનો સમન્વય જોવા મળશે.
Mahashivratri Melaમાં પહેલીવાર યોજાશે ભવ્ય ‘ડમરુ યાત્રા’
આ વર્ષના મેળાનું સૌથી મોટું આકર્ષણ ‘ડમરુ યાત્રા’ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં આ યાત્રા નીકળશે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સાધુ-સંતોનું સ્વાગત કરશે. 11 મી ફેબ્રુઆરીએ સાંજે 7:00 કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી મંદિર સુધીના 400 મીટરના માર્ગ પર આ યાત્રા નીકળશે, ત્યારબાદ ભવનાથ મંદિરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રદ્ધાળુઓ માટે ‘જર્મન ડોમ’ અને રહેવાની સુવિધા
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોની સુવિધા માટે 2000 ચોરસ મીટરમાં ફેલાયેલો એક વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં એકસાથે 800 થી 850 ભાવિકો રાત્રિ રોકાણ કરી શકે તેવી ક્ષમતા છે, જેમાં મુસાફરો માટે 700 પલંગ અને 150 ફ્લોર બેડિંગની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે અહીં 24*7 હાઉસકીપિંગ, મેડિકલ હેલ્પ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે લગેજ રેક જેવી તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પાર્કિંગ અને પરિવહન વ્યવસ્થા
મેળામાં આવતા યાત્રિકોના વાહનો માટે ઉપરકોટ, વાઘેશ્વરી મંદિર અને પાંજરાપોળ સહિત કુલ 25 જેટલા અલગ-અલગ સ્થળોએ વ્યવસ્થિત પાર્કિંગ પ્લોટ્સ બનાવવામાં આવ્યા છે. આ વ્યવસ્થામાં ખાસ કરીને દિવ્યાંગોની સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં પાર્કિંગ સ્થળથી મેળા સુધી જવા-આવવા માટે 25 જેટલી રિક્ષાઓની નિ:શુલ્ક સેવા ઉપલબ્ધ કરાવાઈ છે. આ તમામ પાર્કિંગ સ્થળોએ સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, પીવાના પાણીની સુવિધા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે.

ભગવાન ભોલેનાથની થીમ પર શણગાર
સમગ્ર ભવનાથ વિસ્તારને આ વર્ષે વિશેષ રીતે શિવજીની થીમ પર શણગારવામાં આવ્યો છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મેળાના 6 મુખ્ય પ્રવેશદ્વારો અને રવેડી રૂટ પર અત્યંત સુંદર અને આકર્ષક રોશની કરવામાં આવી છે, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. આ ઉપરાંત, મેળામાં આવતા લોકો યાદગાર તસવીરો લઈ શકે તે માટે માર્ગો પર 6 આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને ભવનાથ મંદિર અને દામોદર કુંડને વિવિધ રંગીન ફૂલો અને લાઈટ્સથી ઝળહળતું કરવામાં આવ્યું છે, જે રાત્રિના સમયે અદભૂત દ્રશ્ય ખડું કરે છે.
સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની સુવિધા
શ્રદ્ધાળુઓની સુવિધા માટે મેળામાં પીવાના પાણીની 140 પરબની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા 28 જેટલા મેડિકલ સુવિધા કાઉન્ટર્સ પણ કાર્યરત કરવામાં આવ્યા છે, જેથી જરૂરિયાતના સમયે ત્વરિત સારવાર મળી રહે. આ ઉપરાંત, સ્વચ્છતા જાળવવા માટે મેળામાં 118 હંગામી ટોયલેટ બનાવવામાં આવ્યા છે અને પર્યાવરણની જાળવણી માટે 10 બોટલ ક્રશર મશીન પણ મૂકવામાં આવ્યા છે.
મેળાનું મુખ્ય આકર્ષણ મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નીકળનારી સાધુ-સંતોની શાહી રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન રહેશે. જે ભક્તો પ્રત્યક્ષ આવી શકતા નથી તેમના માટે શાહી સ્નાનનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે.
આ પણ વાંચો: 2025 ના મહાકુંભ મેળામાં કેટલા લોકોએ સ્નાન કર્યું ? CM યોગીએ આંકડો જણાવ્યો
આ પણ વાંચો: મહાકુંભના અંતિમ સ્નાનનો પ્રારંભ, ભક્તો મોટી સંખ્યામાં ત્રિવેણી ઘાટ પહોંચ્યા
આ પણ વાંચો: મંત્રાલયના 7મા માળેથી એક વ્યક્તિએ કૂદકો માર્યો, કારણ જાણીને તમે ચોંકી જશો
