sports news/ IND vs ENG: ત્રિજી મેચમાં ભારતીય ટીમમાં મોટા ફેરફારના સંકેત,આ ખેલાડી પ્લેંઇગ ઇલેવનમાંથી થઇ શકે છે બહાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 7 જુલાઈએ રમાનારી ત્રીજી T20 મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ભારતીય ટીમમાં (Indian team) ફેરફાર થઈ શકે છે. બીજી મેચમાં મોંઘા સાબિત થયેલા રવિ બિશ્નોઈના સ્થાને ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવને તક મળવાની સંભાવના છે.

Sports
team india

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી T20 શ્રેણી હવે રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. શ્રેણીની ત્રીજી અને મહત્વની મેચ મંગળવાર, 7 જુલાઈએ રમાશે. આ મેચ માટે ભારતીય ટીમ (Indian team) ની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ત્રણ મેચની આ સિરીઝમાં અત્યાર સુધી રમાયેલી બે મેચોમાંથી પહેલી મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી, જ્યારે બીજી મેચમાં ઈંગ્લેન્ડે 4 વિકેટે જીત મેળવી શ્રેણીમાં લીડ મેળવી લીધી છે. હવે શ્રેણી બચાવવા માટે ભારત માટે આ આગામી મેચ જીતવી અનિવાર્ય બની ગઈ છે.

રવિ બિશ્નોઈની એક ઓવર ટીમ ઈન્ડિયાને પડી ભારે

બીજી T20 મેચમાં ભારતીય ટીમની હાર પાછળ સ્પિનર રવિ બિશ્નોઈની 17મી ઓવર મુખ્ય કારણ ગણાઈ રહી છે. મેચ જ્યારે ભારતના પક્ષમાં નમેલી દેખાતી હતી, ત્યારે બિશ્નોઈએ ઓવરમાં બે બેક-ફૂટ નો-બોલ ફેંક્યા. આ ફ્રી-હીટનો ફાયદો ઉઠાવીને ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ બે શાનદાર છગ્ગા ફટકારી મેચનું પાસું પલટી નાખ્યું હતું. બિશ્નોઈએ પોતાની 4 ઓવરના સ્પેલમાં 60 રન લૂંટાવ્યા હતા, જેમાં માત્ર આ એક જ ઓવરમાં 29 રન આવ્યા હતા. ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરવાની ભારતની આ રણનીતિ અહી ઊંધી પડી હતી.

પ્રિન્સ યાદવની ટીમમાં થઈ શકે છે એન્ટ્રી

ત્રીજી ટી20 મેચ ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાવાની હોવાથી ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવનમાં ત્રીજા સ્પિનરના સ્થાને વધારાના ફાસ્ટ બોલરને તક આપી શકે છે. ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા રવિ બિશ્નોઈના સ્થાને યુવા ઝડપી બોલર પ્રિન્સ યાદવને ટીમમાં સામેલ કરાય તેવી પ્રબળ સંભાવના છે. પ્રિન્સે આયર્લેન્ડ સામે પોતાની ડેબ્યૂ મેચમાં ૩ વિકેટ ઝડપીને પ્રભાવિત કર્યા હતા, પરંતુ ત્યારપછી તેને તક મળી ન હતી. હવે આ મહત્વની મેચમાં તેની વાપસીના દરવાજા ખુલી ગયા છે.

જીતવા માટે ભારતે બનાવવો પડશે 200થી વધુનો સ્કોર

ભારતીય બેટ્સમેનોએ સિરીઝની બંને મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. પહેલી મેચમાં ભારતે 189 અને બીજી મેચમાં 190  રન બનાવ્યા હતા. જોકે, બીજી મેચમાં ઈંગ્લેન્ડના પાવરફુલ બેટિંગ લાઈનઅપે 190 રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો હતો. આ સ્થિતિમાં જો ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરે છે, તો ઈંગ્લેન્ડના મજબૂત બેટિંગ ક્રમને દબાણમાં લાવવા માટે સ્કોરબોર્ડ પર 200થી વધુ રન ટાંગવા પડશે.


આ પણ વાંચો:ભારતીય ટીમે વિજય પછી જય શાહ સાથે હનુમાનજીના મંદિરે જઈ દર્શન કર્યા

આ પણ વાંચો:સાઉથ આફ્રિકા સામે હાર્યા બાદ ભારતીય ટીમમાં થશે મોટો બદલાવ

આ પણ વાંચો:ભારતીય ટીમને વિરાટ કોહલી અને MS ધોનીથી પણ મોટો ચેઝ માસ્ટર મળ્યો