@સોનલ અનડકટ , મંતવ્ય ન્યૂઝ , અમદાવાદ.
વિશ્વભરમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઇ ગયું છે. અનેક દેશોમાં રોજના હજારોની સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યા છે ત્યારે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવાની શક્યતા ઓગસ્ટ મહિનાની છે. દેશના અનેક જાણીતા રિસર્ચકર્તાએ આગાહી જાહેર કરી છે ઓગસ્ટ મહિનામાં ગમે ત્યારે કોરોનાની ત્રીજી લહેર ભારતમાં ત્રાટકી શકે છે. ભૂતકાળની જો વાત કરીએ તો , માર્ચ, એપ્રિલ, મેં અને જૂનમાં બીજી લહેરના વાયરસે જે કોહરામ મચાવ્યો હતો. તે દ્રશ્યો હજુ પણ લોકો તેને ભુલાવી શક્યા નથી. અને આવા દ્રશ્યો ફરીથી ન સર્જાય તે માટે આજે ગુજરાત હાઇકોર્ટે પોતાના ચુકાદામાં ઉલ્લેખ્યો હતો કે આવતી ત્રીજી લહેરમાં કોઈ પણ જાતની બેદરકારી ન થાય અને લોકો કોરોનાની ત્રીજી લહેરની આગાહીને હવામાન વિભાગની આગાહીની જેમ ન સમજે તેનું ખાસ ધ્યાન રાજ્ય સરકાર રાખીને જેટલુ બની શકે તેટલું વધુમાં વધુ યોગ્ય કાર્યવાહી કરે.
કોરોનાને લઈને થયેલી સુઓમોટો પર ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહે એમ જણાવ્યું છે, સાથે એવું પણ કહ્યું છે કે રાજ્ય સરકારે ઘણું કર્યું છે, હજી પણ ઘણું કરવાની જરૂર છે. કોરોનાના નવા વેરિયન્ટની અસરથી બચવા લોક જાગૃતિ જરૂરી છે.
ગુજરાત હાઈકોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે રિયલ ટાઈમ ડેટા આપે એ માટે હોસ્પિટલની જવાબદારી નક્કી કરે સરકાર. દિવ્યાંગ અને નબળા વર્ગના લોકો માટે ડોર ટુ ડોર વેક્સિનેશન થાય એ માટેની વ્યવસ્થા ઊભી કરો. ત્રીજી લહેરમાં બાળકોને વધુ અસર થશે એવા અહેવાલોને ધ્યાનમાં રાખીને તેમનાં માટે હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરો. લોકો કોરોનાના નિયમોનું પાલન કરે એ ખૂબ જ જરૂરી છે, આના માટે સરકારે કઠોર થવું પડશે.
ગુજરાત હાઈકોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે સંભવિત ત્રીજી વેવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અલર્ટ રહે કોઈ ચૂક કે ભૂલ ન થાય એમાં જ બધાનું હિત છે. વેક્સિનેશન ઝડપી થાય અને લોકોને સરળતાથી વેક્સિન મળે એનો સ્ટોક જળવાઈ રહે એ સરકારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. PSA ઓક્સિજન પ્લાન્ટ પણ જ્યાં લગાડવાના પ્રોજેક્ટ છે, ત્યાં ઝડપથી લાગી જાય એ માટે સરકારે પ્રયત્ન કરવા જોઈએ.
પહેલી અને બીજી વેવમાં મેડિકલ સ્ટાફની અછત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હતી. હવે ઝડપથી એની પ્રોસેસ કરી સ્ટાફની ભરતી કરો. PHC અને CHCને રૂરલ એરિયામાં વધુ કાર્યક્ષમ કરો, જેથી બધાને એનો લાભ મળે. સરકારે મેડિકલ એજ્યુકેશન માટે પણ લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી આવા પેન્ડેમિકમાં મેડિકલલાઈનના વિદ્યાર્થીઓને આ સેવામાં ઉપયોગમાં લઇ શકાય. હાઇકોર્ટે કોરોનાને લઈને થયેલી સુઓમોટો અને અન્ય પિટિશનને ડિસ્પોઝ કરીને કોમન ઓર્ડર પાસ કર્યો.
