Gujarat News : વાવ-થરાદના સુઈગામ ખાતે યોજાયેલા જનતા દરબાર (Janta Darbar)કાર્યક્રમમાં પીવાના પાણીનો પ્રશ્ન સૌથી મોટો મુદ્દો બની રહ્યો હતો. રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની હાજરીમાં ગ્રામજનોએ પાણીની અછત (Water Crisis), અનિયમિત પુરવઠો અને જૂની પાઇપલાઇનો અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી. અનેક ગામોમાં પાણીની ગંભીર સમસ્યાને કારણે લોકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળ્યો હતો.
પાણી મુદ્દે ગ્રામજનોની ઉગ્ર રજૂઆત
જનતા દરબારમાં મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રશ્નો લઈને પહોંચ્યા હતા. ખાસ કરીને પીવાના પાણીની સમસ્યા (Water Crisis)એ સમગ્ર કાર્યક્રમમાં ગરમાવો લાવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં દિવસો સુધી પૂરતું પાણી મળતું નથી, જ્યારે પ્રિ-મોન્સૂન કામગીરી પણ સમયસર પૂર્ણ થઈ નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ રજૂઆતો દરમિયાન મંત્રી સમક્ષ ચકમક જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકો સતત પાણીના પ્રશ્ને જવાબ માંગતા રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમમાં થોડો સમય ગેરવ્યવસ્થા પણ સર્જાઈ હતી.
વીડિયો શૂટિંગ રોકાતા ચર્ચાઓ તેજ
કાર્યક્રમ દરમિયાન બનેલી સ્થિતિના વીડિયો બહાર ન જાય તે માટે વીડિયો શૂટિંગ ન કરવા સૂચના આપવામાં આવી હોવાનું સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું. પત્રકારો અને સ્થાનિકોને વીડિયો ન ઉતારવા કહેવામાં આવતા સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
આ ઘટનાને લઈને સ્થાનિકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ પાણી મુદ્દે સરકાર અને સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.
ભીડ અને ગરમી વચ્ચે લોકોમાં નારાજગી
જનતા દરબારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા કાર્યક્રમ સ્થળે ભારે ભીડ જોવા મળી હતી. ઉપસ્થિત લોકોના જણાવ્યા મુજબ મંત્રીએ વધુ ભીડને કારણે ગરમી થતી હોવાનો ઉલ્લેખ કરીને રજૂઆતો ઝડપથી પૂર્ણ કરવા ટકોર કરી હતી. કેટલાક લોકોને બહાર જવા કહેવામાં આવતા લોકોમાં અસંતોષ ફેલાયો હતો.
એસી રૂમમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પણ લોકોના પ્રશ્નો સાંભળવા કરતાં ભીડ ઘટાડવા વધુ ધ્યાન અપાયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
પાણીનો પ્રશ્ન બન્યો રાજકીય ચર્ચાનો મુદ્દો
સુઈગામના જનતા દરબારમાં પાણીની સમસ્યા (Water Crisis) કેન્દ્રસ્થાને રહી હતી. ગ્રામજનોએ તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ સાથે સ્થાનિક તંત્ર અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સમગ્ર ઘટનાક્રમ બાદ વિસ્તારમાં રાજકીય ચર્ચાઓને પણ વેગ મળ્યો છે.
