સ્કૂલ સર્વિસ કમિશન નિમણૂક કૌભાંડમાં પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારના મંત્રીઓના નામ સામે આવ્યા બાદ રાજ્યમાં ફરી એકવાર રાજકીય ગરમાવો શરૂ થયો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ SSC નિમણૂક કૌભાંડને લઈને ચાલી રહેલા હોબાળાને લઈને અગાઉની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મમતા બેનર્જીએ કહ્યું કે ડાબેરીઓના શાસન દરમિયાન સરકારી નોકરીઓમાં નિમણૂકની પ્રક્રિયામાં ઘણી ગડબડ થતી હતી. અમે ટૂંક સમયમાં તેમના શાસનકાળ દરમિયાન થયેલી તમામ ગેરરીતિઓનો પર્દાફાશ કરીશું. સીએમ મમતા બેનર્જીએ પણ આ મામલે કેન્દ્રની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આ મામલે કાયદો પોતાની રીતે ચાલશે, પરંતુ ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.
જણાવી દઈએ કે બંગાળના સ્કૂલ સર્વિસ કમિશન દ્વારા મમતા બેનર્જી સરકારના બે મંત્રીઓ પર ગ્રુપ ડી, ગ્રુપ સી અને ધોરણ 9 અને 10ના શિક્ષકોની નિમણૂકમાં ગોટાળાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેને લઈને પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષ ભાજપે મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું. આ કેસની નિષ્પક્ષ તપાસ અને દોષિતોને સજા કરવા માટે ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ બુધવારે કોલકત્તા હાઈકોર્ટે આ મામલે મહત્વનો નિર્ણય આપ્યો છે.
આ મામલે મમતા સરકારના બે મહત્વપૂર્ણ મંત્રીઓ ખરાબ રીતે ફસાયેલા જોવા મળી રહ્યા છે. હાઈકોર્ટે મમતા સરકારમાં ઉદ્યોગ અને સંસદીય બાબતોના પ્રધાન અને ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન પાર્થ ચેટર્જી અને શિક્ષણ રાજ્ય પ્રધાન પરેશ અધિકારીને CBI સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટના આ નિર્દેશ બાદ બંને મંત્રીઓ પર ધરપકડની તલવાર પણ લટકી ગઈ છે. જો કે બંને મંત્રીઓએ સીબીઆઈ સમક્ષ હાજર ન થવા માટે હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી, પરંતુ કોર્ટે તેમને કોઈ રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો.
બેન્ચે આ ભરતીને જાહેર કૌભાંડ ગણાવ્યું હતું
વાસ્તવમાં, આ સમગ્ર મામલો શાળા સેવા આયોગની 2016ની પેનલમાં ટીચિંગ, નોન-ટીચિંગ સ્ટાફની નિમણૂકમાં ગોટાળા સાથે જોડાયેલો છે. જસ્ટિસ સુબ્રત તાલુકદાર અને જસ્ટિસ એકે મુખર્જીની ડિવિઝન બેન્ચે આ ભરતીને જાહેર કૌભાંડ ગણાવ્યું હતું. ડિવિઝન બેન્ચે સિંગલ બેંચના જજ અભિજીત ગાંગુલીના નિર્ણયને યથાવત રાખ્યો હતો અને તેમના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. જણાવી દઈએ કે સિંગલ બેન્ચે આ નિમણૂંકોમાં ગોટાળાની તપાસ સીબીઆઈને સોંપી હતી. જેની સામે રાજ્ય સરકારે બે ન્યાયાધીશોની ડિવિઝન બેંચમાં અરજી કરી હતી. હવે સિંગલ બેન્ચના નિર્ણયને યથાવત રાખતા ડિવિઝન બેન્ચે પણ સીબીઆઈ પાસેથી જ નિમણૂકમાં ગોટાળાની તપાસ કરાવવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો:હાઈકોર્ટથી કેજરીવાલ સરકારને મોટો ફટકો, ડોર ટુ ડોર રાશન સ્કીમ રદ્દ
