Junagadh News: ગુજરાત સરકાર વ્યાજખોરી સામે કડક કાર્યવાહી કરવાના દાવા કરી રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકમાંથી વ્યાજખોરી (Manavadar Money Lending Case)ના દૂષણનો વધુ એક ચોંકાવનારો અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. નાનડીયા ગામે વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસ, પઠાણી ઉઘરાણી અને જમીન પચાવી પાડવાના દબાણથી કંટાળીને 30 વર્ષીય યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે.
Manavadar Money Lending Case:વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, પરંતુ યુવકે આપઘાત પહેલાં બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે ચાર વ્યાજખોરો (Manavadar Money Lending Case) સામે ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ, નાનડીયા ગામના ગોરધનભાઈ આરદેશણાના દીકરા ગુંજન ઉર્ફે મેરકાને ખેતીકામ માટે નાણાંની જરૂર હતી. જેના કારણે તેણે બાંટવા ગામના કરશન રબારી અને ગગાભાઈ ઉર્ફે રાજુ રબારી પાસેથી પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.
પરિવારના આક્ષેપ મુજબ, ગુંજને નિયમિત વ્યાજ ચૂકવ્યું હોવા છતાં આરોપીઓએ વ્યાજ ઉપર વ્યાજ ચઢાવી પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લાખો રૂપિયાની કિંમતી ખેતીની જમીનનો દસ્તાવેજ પણ પોતાના નામે કરાવી લીધો હતો.
આ ઉપરાંત, નાનડીયા ગામના અન્ય શખ્સ વિરેન્દ્ર વિરોજાએ પણ ઊંચા વ્યાજે નાણાં આપી ગુંજન સામે ચેક રિટર્નનો કેસ કર્યો હતો. જ્યારે પ્રવિણ નામના અન્ય વ્યક્તિએ 6 લાખ રૂપિયાની વધુ ઉઘરાણી માટે મોબાઈલ પર ગાળો અને ધમકીઓ આપી યુવકને ભારે માનસિક ત્રાસ આપ્યો હતો.
વ્યાજખોરો (Manavadar Money Lending Case)ના સતત દબાણ અને આબરૂ જવાના ડરથી માનસિક રીતે ભાંગી પડેલા ગુંજને ત્રણ દિવસ પહેલાં પોતાની વાડીએ જઈ ઝેરી દવા પી લીધી હતી. સારવાર મળે તે પહેલાં જ તેનું કરુણ મોત નીપજ્યું હતું.આપઘાત પહેલાં યુવકે પોતાના મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં યુવકે જણાવ્યું હતું કે માત્ર પાંચ લાખ રૂપિયાના બદલે પોતાની જમીનનો દસ્તાવેજ બળજબરીથી કરાવી લેવામાં આવ્યો હતો.
મૃતકના પિતાની ફરિયાદના આધારે માણાવદર પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ સમગ્ર કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.કેશોદના એસપી બી.સી. ઠક્કરે જણાવ્યું હતું કે મૃતક યુવકના વીડિયોની ટેકનિકલ તપાસ પણ ચાલી રહી છે અને સમગ્ર મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:ગુજરાત પોલીસની વ્યાજખોરો પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’, એક જ મહિનામાં 136 વ્યાજખોરો જેલભેગા
આ પણ વાંચો:રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી પોલીસ એક્શનમાં આવી, જીવલેણ હુમલાના આરોપીને ઝડપ્યો
