Surat News : સુરત (surat)ના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. બોર્ડની બેઠકમાં સાતમી હરોળમાં બેઠેલી માયા માવાણીનું નામ જ્યારે મેયર (Mayor) પદ માટે જાહેર થયું ત્યારે ખુદ તેમને પણ સ્ટેજ સુધી પહોંચવામાં બે થી ત્રણ મિનિટ લાગી હતી. જે મહિલા છેલ્લી હરોળમાં બેઠી હતી, તે આજે સુરત શહેરની પ્રથમ નાગરિક બની ગઈ છે.
પરંતુ આ માત્ર એક સામાન્ય પસંદગી નહોતી. આ પાછળ ભાજપની 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગોઠવાયેલું મોટું રાજકીય ગણિત કામ કરી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુદ્દે હાઈવોલ્ટેજ ડ્રામા
સુરત (Surat) ભાજપમાં સૌથી મોટો વિવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદને લઈને રહ્યો હતો. નો-રીપીટેશનના સૂત્ર વચ્ચે રાજન પટેલનું નામ કાપવાની ચર્ચા ચાલી રહી હતી. જોકે આખરે સીઆર પાટીલના પાવર પ્લે બાદ રાજન પટેલને ફરીથી ચેરમેન બનાવવામાં આવ્યા હોવાનું રાજકીય વર્તુળોમાં કહેવાઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક દરમિયાન અઢીથી ત્રણ કલાક સુધી ભારે ખેંચતાણ ચાલી હતી. સ્થિતિ એવી બની કે સીએમથી લઈને પ્રદેશ પ્રમુખ સુધીના નેતાઓ થોડા સમય માટે બેઠક છોડીને બહાર નીકળી ગયા હતા.
આખરે સીઆર પાટીલના એક સવાલે આખી રમત બદલી નાખી — “જો અમદાવાદમાં રીપિટ થઈ શકે તો સુરતમાં કેમ નહીં?”
સુરત ભાજપમાં અનેક જૂથો સક્રિય
સુરતમાં ભાજપ એકજૂથ નથી. હર્ષ સંઘવી, સીઆર પાટીલ અને પૂર્ણેશ મોદી જેવા નેતાઓના અલગ-અલગ પ્રભાવવાળા જૂથો સક્રિય છે. ટિકિટ વહેંચણીથી લઈને પદાધિકારીઓની પસંદગી સુધી દરેક નિર્ણય પાછળ ભારે લોબિંગ ચાલતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ વખતે સીઆર પાટીલનો પક્ષ મજબૂત રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેના કારણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની રીપીટ એન્ટ્રી થઈ.
માયા માવાણીની પસંદગી પાછળ વરાછાનું ગણિત

ભાજપે માયા માવાણીને મેયર (Mayor) બનાવીને સીધો રાજકીય સંદેશ આપ્યો છે. વરાછા વિસ્તાર, જ્યાં એક સમયે આમ આદમી પાર્ટીનો મજબૂત પ્રભાવ હતો, ત્યાં ભાજપે આ વખતે જબરદસ્ત વાપસી કરી છે.
પાટીદાર અને સૌરાષ્ટ્રવાસી મતદારોના વિશ્વાસને વધુ મજબૂત કરવા માટે જ માયા માવાણીની પસંદગી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપ કોઈપણ સંજોગોમાં વરાછા વિસ્તારમાં ફરીથી આપનો પગપેસારો થાય એવું ઈચ્છતું નથી.
સુરતની સત્તામાં સૌરાષ્ટ્રવાસીઓનો વધતો દબદબો
આ વખતે સુરતની સત્તામાં સૌરાષ્ટ્રવાસી નેતાઓનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. મેયર તરીકે સૌરાષ્ટ્રવાસી ચહેરો, સ્ટેન્ડિંગ કમિટીમાં રીપિટેશન, ડેપ્યુટી મેયર તરીકે મરાઠી પ્રતિનિધિત્વ અને દંડક પદે હિન્દી ભાષી નેતાને સ્થાન આપી ભાજપે સામાજિક અને પ્રાદેશિક સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે.
ભાજપ હવે માત્ર વર્તમાન રાજકારણ નહીં પરંતુ 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગોઠવણી કરી રહ્યું હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
આપને રોકવા ભાજપની લાંબા ગાળાની તૈયારી
સુરતમાં આપને ફરી મજબૂત થવા ન દેવા ભાજપે અત્યારથી જ રણનીતિ શરૂ કરી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથિરિયા જેવા પાટીદાર ચહેરાઓને ટક્કર આપવા માટે ભાજપે પાટીદાર સમાજમાં પોતાની પકડ વધુ મજબૂત કરવાની શરૂઆત કરી છે.
સૂત્રો મુજબ, આગામી વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર બહુલ બેઠકો પર નવા રાજકીય સમીકરણો ઉભા થઈ શકે છે.
સુરતમાં મેયર (Mayor)અને પદાધિકારીઓની પસંદગી માત્ર એક સંગઠનાત્મક પ્રક્રિયા નહોતી, પરંતુ ભાજપની અંદર ચાલી રહેલા શક્તિપ્રદર્શન, જૂથબંધી અને 2027ની ચૂંટણીની તૈયારીનો મોટો રાજકીય સંદેશ હતી. માયા માવાણીનું મેયર બનવું એ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં પરંતુ ભાજપની લાંબા ગાળાની રાજકીય રણનીતિનો ભાગ હોવાનું હવે સ્પષ્ટ થઈ રહ્યું છે.
