Gujarat UCC Bill 2026: ગુજરાતના ઈતિહાસમાં આજે એક નવું પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. રાજ્ય વિધાનસભામાં આજે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે કે સમાન નાગરિક સંહિતાનું ૨૦૯ પેજનું વિશાળ બિલ ટેબલ કરવામાં આવ્યું છે. આ બિલમાં લગ્ન, છૂટાછેડા, વારસાઈ હક્ક અને લીવ-ઈન રિલેશનશિપને લઈને અત્યંત કડક અને સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે.
UCC બિલની મુખ્ય અને મોટી જોગવાઈઓ:
૧. લગ્ન અને વય મર્યાદા:
લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ અને મહિલાની ઉંમર 18 વર્ષ હોવી અનિવાર્ય છે.
લગ્ન સમયે કોઈ પણ પક્ષકારની માનસિક ક્ષમતા નબળી ન હોવી જોઈએ.
લગ્ન માટે એક પક્ષકાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે.
2. લીવ-ઈન રિલેશનશિપ પર કડક નજર:
લીવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુગલોએ રહેવા ગયાના એક મહિનાની અંદર સત્તાવાર નોંધણી કરાવવી પડશે.
જો નોંધણી વગર લીવ-ઈનમાં રહેશે, તો 3 મહિનાની કેદ અથવા 10 હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.
3. છૂટાછેડા અને ભરણપોષણ:
લગ્ન અને છૂટાછેડાની સત્તાવાર નોંધણી કરાવવી હવે ફરજિયાત રહેશે.
કોર્ટ વ્યક્તિની આવક મુજબ ભરણપોષણની માસિક રકમ નક્કી કરી શકશે.
ભરણપોષણની નોટિસના 60 દિવસની અંદર રકમ બાબતે નિકાલ કરવાનો રહેશે.
સ્ત્રીધનને ભરણપોષણની રકમથી અલગ રાખવામાં આવશે, એટલે કે તેના પર સ્ત્રીનો જ હક્ક રહેશે.
4. મિલકત અને વારસાઈ હક્ક:
મૃતકના જીવનસાથી અને બાળકોને મિલકતમાં સમાન હિસ્સો મળશે.
વારસાઈ હક્કોમાં લિંગ ભેદ દૂર કરવામાં આવ્યો છે.
આદિવાસી સમાજને મોટી રાહત
બિલમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અનુસૂચિત આદિજાતિ (Scheduled Tribes) ને UCC ના નિયમો લાગુ પડશે નહીં. આ જોગવાઈથી આદિવાસી સમાજની પરંપરાઓ અને રીત-રિવાજો સુરક્ષિત રહેશે.
કેમ ઐતિહાસિક છે આ બિલ?
આ બિલ પસાર થતા જ તમામ ધર્મો અને જ્ઞાતિઓ માટે લગ્ન, વારસાઈ અને દત્તક વિધાન જેવા સિવિલ કાયદાઓ સમાન બની જશે. તેનાથી મહિલાઓના અધિકારો વધુ મજબૂત બનશે અને કાયદાકીય પ્રક્રિયાઓમાં પારદર્શિતા આવશે.
