Gandhinagar News: સરકારના દાવા છતાં પણ સતત બીજા દિવસે ગાંધીનગરમાં પેટ્રોલ પમ્પ (Petrol Pump) પર લાઇનો જોવા મળી હતી. ગાંધીનગરમાં વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો લાગી હતી. સરકારે અપીલ કરી છે કે પેટ્રોલ-ડીઝલ પરનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, લાઇન ન લગાવો, છતાં પણ લોકોએ અફવાઓના કારણે ડરના માર્યા દોટ મૂકી હતી અને લાઇન લગાવી હતી.
પેટ્રોલ પમ્પ (Petrol Pump) પર લાઇનો, લોકોને અફવાઓ પર વધુ વિશ્વાસ
ગાંધીનગરમાં જ બેઠેલી સરકારના દાવા છતાં ગાંધીનગરના લોકોને સરકારના દાવા પર વિશ્વાસ આવ્યો ન હતો અને અફવાઓ પર વધુ વિશ્વાસ આવ્યો હતો. તેના લીધે પેટ્રોલ-ડીઝલ અને ગેસ સંચાલિત વાહનોની કતારો લાગી ગઈ હતી. પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) અને ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવા છતાં પણ આ લાઇનો લાગી હતી. જો કે તેટલી વાત શાંતિની છે કે લાઇનો છતાં પેટ્રોલ-ડીઝલ પૂરતા પ્રમાણમાં પુરાવવા મળે છે.
અફવાઓથી દોરવાશો નહીઃ અધિક સચિવ
આ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખાંધારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર જરૂરિયાત મુજબનો પેટ્રોલ અને ડીઝલનો (Petrol-Diesel)જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની અને પેનિક થવાની જરૂર નથી. આ ઉપરાંત રાજ્યમાં પૂરતો ઇંધણનો ‘બફર સ્ટોક’ પણ ઉપલબ્ધ છે, જેથી કોઈએ ગભરાવાની કે ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી.
અધિક મુખ્ય સચિવએ ઉમેર્યું હતું કે, અમુક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલ(Petrol-Diesel)ની અછત હોવાના સમાચાર માત્ર અફવા છે. આ ઉપરાંત જો કોઈ ડીલર પાસે જથ્થો હોવા છતાં જાણીજોઈને પંપ બંધ રાખશે અથવા જનતાને હેરાન કરશે, તો તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન-IOCLના સ્ટેટ નોડલ ઓફિસર અને એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર સંજીવ બહેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ પેટ્રોલ-ડીઝલના ડેપો અને ટર્મિનલ્સમાં પેટ્રોલ અને ડીઝલની પૂરતી ઇન્વેન્ટરી ઉપલબ્ધ છે. જેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરૂર નથી અને ગમે ત્યારે જોઈએ તેટલું ઈંધણ મળી રહેશે.
