Sabarkantha News: દેશની સરહદોની રક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા વીર જવાનોની (Captain Kalyansingh Rathod) શૌર્યગાથા દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણારૂપ રહી છે. સાબરકાંઠાના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ (Dr Pradyuman Vaja) ખેડ-ચાંદરણી ગામના વતની અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના વીર સપૂત કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડના પરિવારની મુલાકાત લઈને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Captain Kalyansingh Rathod: પરિવારજનો સાથે આત્મીય મુલાકાત

પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં તેમણે પરિવારજનો સાથે આત્મીય મુલાકાત કરી અને વીર સપૂતના જીવન, તેમની લશ્કરી કારકિર્દી તેમજ 1971ના યુદ્ધ (1971 India Pakistan War) દરમિયાન દર્શાવેલા શૌર્ય અંગે માહિતી મેળવી હતી. પરિવારજનો દ્વારા વર્ષોથી સાચવી રાખવામાં આવેલા કેપ્ટન કલ્યાણસિંહ સાથે જોડાયેલા લેખો, પુસ્તકો, પત્રો અને અન્ય ઐતિહાસિક દસ્તાવેજો પણ મંત્રીશ્રીએ નિહાળ્યા હતા.

વર્ષોથી સચવાયેલી વીરતાની યાદો
કેપ્ટન કલ્યાણસિંહના પરિવાર દ્વારા સાચવી રાખવામાં આવેલી ઐતિહાસિક સામગ્રીમાં તેમની દેશસેવા અને લશ્કરી જીવન સાથે જોડાયેલી અનેક યાદો સમાયેલી છે. મંત્રીએ આ દસ્તાવેજો નિહાળી પરિવારના રાષ્ટ્રપ્રેમ અને વીર સપૂતની સ્મૃતિને જાળવી રાખવાના પ્રયાસોને બિરદાવ્યા હતા.

શહીદ પરિવાર સાથે કર્યું રાત્રિભોજન
મુલાકાત દરમિયાન એક ભાવનાત્મક ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડના પરિવાર સાથે રાત્રિભોજન કર્યું હતું. સાદગીભર્યા વાતાવરણમાં પરિવાર સાથે બેસીને તેમણે કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડની યાદો અને પરિવારના અનુભવોને આત્મીયતાથી સાંભળ્યા હતા.
1971ના યુદ્ધમાં બતાવ્યું અદમ્ય સાહસ
કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ ભારતીય સેનાની 5 આસામ બટાલિયનમાં ફરજ બજાવતા હતા. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમની બટાલિયન જમ્મુ-કાશ્મીરના છામ્બ સેક્ટરમાં તૈનાત હતી. ઉપલબ્ધ માહિતી મુજબ, 5 ડિસેમ્બર, 1971ના રોજ બરસાલા વિસ્તાર નજીક થયેલી લડાઈ દરમિયાન કેપ્ટન કલ્યાણસિંહે અદમ્ય સાહસ અને નેતૃત્વનો પરિચય આપ્યો હતો. હુમલા વચ્ચે તેમણે પોતાના સાથી જવાનોને સુરક્ષિત સ્થળે પરત જવા સૂચના આપી અને પોતે મોરચો સંભાળ્યો હતો. ત્યારબાદ તેઓ ‘Missing in Action’ જાહેર થયા હતા.
યુદ્ધ બાદ પણ કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ અંગે ચોક્કસ માહિતી મેળવવા માટે પરિવારજનો દ્વારા વર્ષો સુધી પ્રયાસો કરવામાં આવ્યા હતા. આજે પણ પરિવાર તેમના જીવન સાથે જોડાયેલા દસ્તાવેજો, પત્રો અને અન્ય ઐતિહાસિક સ્મૃતિઓને સાચવીને તેમની શૌર્યગાથાને જીવંત રાખી રહ્યો છે.
“શહીદ પરિવારોનું સન્માન આપણી નૈતિક ફરજ”

આ પ્રસંગે પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે દેશની સરહદોની રક્ષા કરનારા વીર જવાનોનું યોગદાન અને બલિદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. શહીદ પરિવારોનું સન્માન કરવું એ સમગ્ર સમાજની નૈતિક ફરજ છે. તેમણે જણાવ્યું કે કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડ જેવા વીર સપૂતોની દેશભક્તિ, સાહસ અને કર્તવ્યનિષ્ઠા આવનારી પેઢીઓને રાષ્ટ્રસેવા માટે પ્રેરણા આપતી રહેશે.
સાબરકાંઠાનું ગૌરવ છે વીર સપૂતની શૌર્યગાથા
ખેડ-ચાંદરણી ગામના વીર સપૂત કેપ્ટન કલ્યાણસિંહ રાઠોડની શૌર્યગાથા સમગ્ર સાબરકાંઠા માટે ગૌરવની બાબત છે. તેમનું જીવન દેશપ્રેમ, કર્તવ્યનિષ્ઠા અને સાહસનું પ્રેરણાદાયી પ્રતીક બની રહ્યું છે. મુલાકાત દરમિયાન હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
@દિપકસિંહ રાઠોડ
આ પણ વાંચો: 80મા સ્વાતંત્ર્ય પર્વે ગુજરાતમાં દેશભક્તિનો જુસ્સો! CM ભૂપેન્દ્ર પટેલ અને DyCM હર્ષ સંઘવીના પ્રેરક સંદેશ
આ પણ વાંચો: જાણો ભારતીય રાષ્ટ્રીય ધ્વજના ઉપયોગ અને પ્રદર્શન અંગેની ગાઈડલાઈન
આ પણ વાંચો: રાજ્યમાં ‘નેક્સ્ટ જનરેશન ચલણ’ સિસ્ટમ શરૂ, 75 દિવસમાં દંડ નહીં ભરો તો લાઇસન્સ-રજીસ્ટ્રેશન સેવાઓ બંધ
