Gujarat News: ગુજરાત પોલીસ દ્વારા 12 ઓગસ્ટ 2026થી Next Generation Challan સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થામાં ટ્રાફિક ચલણ ઇશ્યૂ કરવા, દંડ ભરવા અને ચલણ સામે વાંધો રજૂ કરવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવામાં આવી છે.
રાજ્યમાં Next Generation Challan સિસ્ટમ શરૂ
નવી સિસ્ટમ હેઠળ ઈ-ચલણ (e-Challan)જનરેટ થયા બાદ વાહનમાલિક (Vehicle owner)ને 45 દિવસનો સમય મળશે. આ સમયગાળા દરમિયાન દંડ ભરી શકાય છે અથવા ચલણ સામે વાંધો હોય તો ઓનલાઈન ફરિયાદ (Online Complaint)કરી શકાય છે. જો ફરિયાદ બાદ ચલણ યોગ્ય હોવાનું નક્કી થાય અને 75 દિવસની સમયમર્યાદા બાદ પણ દંડ ભરવામાં ન આવે, તો વાહન સાથે જોડાયેલી લાઇસન્સિંગ અને રજીસ્ટ્રેશન સંબંધિત તમામ સેવાઓ સ્થગિત કરવામાં આવશે.
ચલણ સામે ઓનલાઈન ફરિયાદ કરી શકાશે
વાહનચાલકને ચલણ ખોટું ઇશ્યૂ થયું હોવાનું લાગે તો પરિવહન પોર્ટલ પર જઈને ઓનલાઈન ફરિયાદ કરી શકશે. ફરિયાદ કરવા માટે વાહનમાલિકે પોતાનો ચાલુ મોબાઈલ નંબર અપડેટ કરવાનો રહેશે. ત્યારબાદ ચલણ ખોટું હોવાના સમર્થનમાં જરૂરી દસ્તાવેજો અને પુરાવા પોર્ટલ પર અપલોડ કરીને ફરિયાદ સબમિટ કરી શકાશે. ફરિયાદ સંબંધિત માહિતી SMS દ્વારા પણ આપવામાં આવશે.
30 દિવસમાં ફરિયાદનો નિકાલ
વાહનમાલિકની ફરિયાદ મળ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા રજૂ કરાયેલા પુરાવાની ચકાસણી કરવામાં આવશે અને 30 દિવસની અંદર ફરિયાદનો નિકાલ કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ DySP કક્ષાના અધિકારી સમગ્ર પ્રક્રિયાનું સુપરવિઝન કરશે. જ્યારે PI કક્ષાના અધિકારી વાહનચાલક દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાની તપાસ કરીને ફરિયાદનો નિર્ણય કરશે.
કોર્ટમાં અપીલ માટે 50 ટકા રકમ ભરવી પડશે
પોલીસ વિભાગ (Police Department)દ્વારા ફરિયાદનો નિકાલ કર્યા બાદ પણ વાહનમાલિક નિર્ણયથી અસંતુષ્ટ હોય તો કોર્ટમાં અપીલ કરી શકશે. જોકે, કોર્ટમાં અપીલ કરવા માટે ચલણની રકમના 50 ટકા નાણાં ભરવાના રહેશે. ગુજરાત પોલીસના જણાવ્યા મુજબ, નવી વ્યવસ્થાનો હેતુ ટ્રાફિક અમલીકરણમાં પારદર્શિતા વધારવાનો, વાહનચાલકોને સમયસર માહિતી આપવાનો અને ટ્રાફિક નિયમોના પાલનને પ્રોત્સાહન આપવાનો છે.
આ પણ વાંચો: ડ્રાઇવિંગ લાઇસન્સ પહેલાં ફરજિયાત રોડ સેફ્ટી કોર્સ, રોડ અકસ્માત ઘટાડવા તેલંગાણા સરકારનું મગત્વનું પગલું
આ પણ વાંચો: નવા ટ્રાફિક નિયમો : 5થી વધુ ઈ-ચલણ પર લાઇસન્સ સસ્પેન્ડ
આ પણ વાંચો: સાણંદ-બાવળા ચોકડીના જટિલ ટ્રાફિક જામનો ઝડપી ઉકેલ લાવવા ધારાસભ્યનું સક્રિય પગલું
