જામનગર માં ચાલતી ભાગવત કથામાં રાજ નેતાઓની એન્ટ્રીથી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જામનગર કથામાં રાત્રે લોકડાયરામાં જીતુ વાઘાણી, જયેશ રાદડિયા, વાસણ આહીર, કાંધલ જાડેજા સાથે હાર્દિક પટેલ જોવા મળ્યા હતા. નરેશ પટેલ બાદ હાર્દિક પટેલની હાજરીથી વધુ એક વખત રાજકીય સમીકરણ નવી દિશા તરફ સૂચન કરતા હોય એવું જણાય રહ્યું છે.

જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા આયોજીત ભાગવત સપ્તાહમાં છેલ્લા છ દિવસથી રાજકીય રંગ જોવા મળી રહ્યો છે. પ્રથમ દિવસે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ત્યારબાદ હાર્દિક પટેલની હાજરી અનેક ચોકઠા બંધ બેસતા હોય એવું લાગી રહ્યું છે. આ બંને નેતાઓ ભાજપમાં આવી રહ્યાની અટકળો વધુ તેજ બની છે. ત્યારે ગઈકાલે રાત્રે હાર્દિક પટેલની હાજરીએ ગુજરાતના રાજકારણમાં નવા સમીકરણને વેગ આપ્યો છે.

જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ના પરિવાર દ્વારા ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથા કે જે ખરેખર રાજકીય કથા પણ બની રહે, તો નવાઈની વાત નથી. ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ સહિતના દિગ્ગજ અગ્રણીઓની પ્રદેશ ભાજપના અધ્યક્ષ પાટીલ સાથેની મંચ પર હાજરી, ઉપરાંત અન્ય ધારાસભ્યોની વચ્ચે પણ તેઓની પોથીયાત્રામાં હાજરી રાજકીય ચર્ચા નું કેન્દ્ર બની હતી. સમગ્ર રાજયભરમાં ચર્ચાનો વિષય રહ્યો હતો. આ ઉપરાંત ભાજપના જ આયોજક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને માન આપીને ગઈકાલે રાત્રે પોરબંદરના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા, ઉપરાંત ગુજરાત પ્રદેશના યુવા નેતા હાર્દિક પટેલ પણ પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજીત રાત્રી ડાયરા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓની સાથે જોવા મળ્યા હતા. આ નેતાઓની મોજ મજા અને ચહેરા પરનો આનંદ પણ કોઈ રાજકીય સમીકરણનો હોય તો નવાઈ નહિ. જો કે એ આનંદ નોંધપાત્ર તો છે. રાજનેતાઓએ સાથે મળીને કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેના લોક ડાયરામાં પૈસાનો વરસાદ કર્યો હતો. ધારાસભ્ય કાંધલ જાડેજા, હાર્દિક પટેલ અને અનેક રાજનેતાઓએ હકુભા પર કર્યો પૈસાનો વરસાદ કરાયો હતો.

જામનગરની ભાગવત સપ્તાહમાં અનેક રાજકીય સમીકરણો સર્જાઈ રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કથા સાંભળવા આવેલા લોકોમાં એક ચર્ચા એવી પણ હતી કે આ સપ્તાહ માત્ર ધાર્મિક કાર્ય નહિ બની રહેતા રાજકારણના સમીકરણ બદલવામાં મોટો રોલ ભજવી શકે છે. ભાજપના નેતાઓની સાથે કોંગ્રેસ સહિતના અન્ય અગ્રણીઓ પણ એકી સાથે જોવા મળતા હોવાથી નજીકના ભવિષ્યમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
આ પણ વાંચો : અંકલેશ્વર યુપીએલ 1 કંપનીમાં લાગી આગ : પાંચ કર્મચારીઓ ઈજાગ્રસ્ત
