IND Vs NZ/ શરૂઆતી ઝટકા બાદ મયંક અગ્રવાલે સંભાળી ઇનિંગ, ટીમ ઈન્ડિયા મજબૂત સ્થિતિમાં

ટોસ જીત્યા બાદ ભારતે શુભમન ગિલ (44) અને મયંક અગ્રવાલે મજબૂત શરૂઆત કરી હતી. બન્નેએ 80 રનની ભાગીદારી કરીને કિવી બોલરોનાં ઉત્સાહને તોડી નાખ્યો હતો.

Sports
મયંક અગ્રવાલ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓપનર મયંક અગ્રવાલની અણનમ સદીને કારણે ભારતે શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટનાં પ્રથમ દિવસનાં અંત સુધી ચાર વિકેટે 221 રન બનાવ્યા હતા. ભારતે એક સમયે 80 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમ મુશ્કેલીમાં જોવા મળી રહી હતી. પરંતુ મયંકની સદી ટીમને 221 રન સુધી લઈ ગઈ હતી. તે 120 રન બનાવીને રમી રહ્યો છે. 25 રન બનાવ્યા બાદ બીજા છેડે રિદ્ધિમાન સાહા તેની સાથે ઊભો છે. કિવી ટીમ તરફથી એજાઝ પટેલે ચાર વિકેટ ઝડપી હતી. આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને ભારતીય ટીમ શનિવારે જોરદાર સ્કોર બનાવવાનો પ્રયાસ કરશે.

https://twitter.com/BCCI/status/1466757177733881857?s=20

આ પણ વાંચો – IPL 2022 / મુંબઈને બાય-બાય કહેતા હાર્દિક પંડ્યાએ કરી Emotional પોસ્ટ, જોઇને તમારી આંખોમાં પણ આવી જશે આસું

ટોસ જીત્યા બાદ ભારતે શુભમન ગિલ (44) અને મયંક અગ્રવાલે મજબૂત શરૂઆત કરી હતી. બન્નેએ 80 રનની ભાગીદારી કરીને કિવી બોલરોનાં ઉત્સાહને તોડી નાખ્યો હતો. ગિલ તેની અડધી સદીથી માત્ર 6 રન દૂર હતો ત્યારે એજાઝ પટેલે તેને સ્લિપમાં રોસ ટેલરનાં હાથે કેચ અપાવી દીધો હતો. ગિલે 71 બોલમાં 7 ચોક્કા અને એક છક્કાની મદદથી 44 રન બનાવ્યા હતા. આ પછી પટેલે ઇનિંગની 30મી ઓવરમાં ભારતને બે આંચકા આપ્યા હતા. તેણે ચેતેશ્વર પૂજારાને ખાતું ખોલવા ન દીધું અને ક્લીન બોલ્ડ કર્યો હતો. ચાર બોલ બાદ પટેલે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને LBW આઉટ કરીને સનસનાટી મચાવી દીધી હતી. કોહલી ખાતું પણ ખોલી શક્યો નહતો. ત્રણ વિકેટ પડ્યા બાદ મયંક અગ્રવાલને શ્રેયસ અય્યર (18)નો સારો સાથ મળ્યો હતો. બન્નેએ ચોથી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન અગ્રવાલે કેટલાક આકર્ષક સ્ટ્રોક લગાવ્યા હતા. જો કે આ ભાગીદારી તોડવાનું કામ પણ એજાઝ પટેલે કર્યું હતું. તેણે ઐયરને વિકેટકીપર બ્લંડેલનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. અય્યરે 41 બોલમાં ત્રણ ચોક્કાની મદદથી 18 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – વર્લ્ડ રેકોર્ડ / ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રચ્યો ઈતિહાસ, 800 ગોલ કરનાર દુનિયાનો પહેલો ફૂટબોલર બન્યો

અહી જણાવી દઇએ કે, ઐયરનાં આઉટ થયા બાદ પણ મયંક અગ્રવાલે એક છેડો જાળવી રાખ્યો અને ઝડપી રન બનાવ્યા હતા. તેણે તેની ચોથી ટેસ્ટ સદી 196 બોલમાં 13 ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી પૂરી કરી હતી. અગ્રવાલે ડેરીલ મિશેલની 59મી ઓવરનાં પ્રથમ બોલ પર કવર ડ્રાઈવની મદદથી બાઉન્ડ્રી ફટકારી અને સદી પૂરી કરી હતી. સાહાએ અગ્રવાલને સારો સાથ આપ્યો હતો અને બન્નેએ પાંચમી વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી હતી. રિદ્ધિમાન સાહા 53 બોલમાં ત્રણ ચોક્કા અને એક છક્કાની મદદથી 25 રન પર રમી રહ્યો છે. એજાઝ પટેલે ન્યૂઝીલેન્ડ માટે ચારેય સફળતા હાંસલ કરી હતી. આ પહેલા ભારતીય ટીમે તેની પ્લેઈંગ 11માં ત્રણ ફેરફાર કર્યા હતા. ઈજાગ્રસ્ત ઈશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણેનાં સ્થાને મોહમ્મદ સિરાજ, જયંત યાદવ અને વિરાટ કોહલીનો સમાવેશ કરવામાં આવ્યો. આ સાથે જ ન્યૂઝીલેન્ડે પોતાની પ્લેઈંગ 11માં એક ફેરફાર કર્યો છે. કેન વિલિયમસનની જગ્યાએ ડેરીલ મિશેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.