Valsad News/ વાપીના સરીગામમાં ગોડાઉનમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

દરોડા દરમિયાન પોલીસે ભંગારના ગોડાઉનમાંથી મોટી માત્રામાં મેફેડ્રોન ડ્રગ્સ (MD Drugs) અને અન્ય શંકાસ્પદ રસાયણો કબ્જે કર્યા હતા

Top Stories Gujarat Others
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સરીગામ વિસ્તારમાં ગુજરાત ATS અને વલસાડ SOGએ સંયુક્ત ઓપરેશન કરીને ગેરકાયદેસર મેફેડ્રોન (MD Drugs) બનાવતી અને વેચતી ગેંગનો પર્દાફાશ કર્યો છે

Valsad News : વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સરીગામ વિસ્તારમાં ગુજરાત ATS અને વલસાડ SOGએ સંયુક્ત ઓપરેશન કરીને ગેરકાયદેસર મેફેડ્રોન (MD Drugs) બનાવતી અને વેચતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ભંગારના ગોડાઉનમાં દરોડો પાડી 2.377 કિલો પ્રતિબંધિત મેફેડ્રોન તેમજ 0.658 કિલો શંકાસ્પદ માદક પદાર્થ કબ્જે કર્યો છે.

ગુજરાત ATSને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ATSના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીને માહિતી મળી હતી કે સરીગામ ખાતે રાજેશ મોર્યા અને તેના સાગરિતો અબ્દુલ કલામ તથા મેહુલ મકવાણા ગેરકાયદેસર MD ડ્રગ્સ (MD Drugs) નું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા છે.

માહિતીની ગંભીરતા ધ્યાનમાં રાખી ATSના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. ટીમે ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે બાતમીની ખાતરી કર્યા બાદ વલસાડ SOG સાથે મળીને સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું.

દરોડા દરમિયાન પોલીસે ભંગારના ગોડાઉનમાંથી મોટી માત્રામાં મેફેડ્રોન ડ્રગ્સ (MD Drugs) અને અન્ય શંકાસ્પદ રસાયણો કબ્જે કર્યા હતા. પોલીસે અબ્દુલ કલામ અને મેહુલ મકવાણાની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે કબ્જે કરાયેલ 0.658 કિલો પદાર્થને તાજેતરમાં 11 માર્ચ 2026થી NDPS અધિનિયમ હેઠળ નિયંત્રિત પદાર્થ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર અને ભારત સરકારની ડ્રગ્સ વિરુદ્ધની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ ATS સતત નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરી રહી છે.

પોલીસ હવે આરોપીઓના નેટવર્ક, ડ્રગ્સ સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો વિશે વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો : અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓ પર SOGનો સપાટો! વિરાટનગરમાંથી MD ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો

આ પણ વાંચો : અંકલેશ્વર GIDCમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર MD ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપાઈ

આ પણ વાંચો : મુંબઈથી સુરત MD ડ્રગ્સ લાવતી મહિલા ઝડપાઈ, 65.430 ગ્રામ MD સાથે ધરપકડ