Not Set/ પાકિસ્તાન સાથે મંત્રણાની વાતો કરીને મહેબુબા મુફ્તી શું કહેવા માગે છે ?

મહેબુબા મુફ્તી આમ તો ભાજપે દૂધ પાઈને ઉછરેલા સાપ (નાગણ) છે તેવું ઘણા લોકો કહે છે તે જરાય ખોટું નથી. ભાજપે પોતાના ભાગે (એન.ડી.એ.)ના ભાગે એક રાજ્ય વધે તે માટે ખેલાયેલો રાજકીય ખેલ આજે દેશને ભારે પડી રહ્યો છે.

India Trending

આતંકવાદ નાબૂદી કે પીઓકે માટે આ મહિલા નેતા કેમ મૌન છે ?

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

જમ્મુ-કાશ્મીરના પ્રશ્ને વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં બોલાવેલી બેઠકમાં આ રાજ્યના આઠ પક્ષોના ૧૪ નેતા હાજર રહ્યા. સૌએ પોતપોતાની રીતે મંતવ્ય વ્યક્ત કર્યા. હાજર રહેનારાઓમાં ચાર તો પૂર્વ મુખ્યમંત્રીઓ હતા. ડો. ફારૂક અબ્દુલ્લા, ઉંમર અબ્દુલ્લા, ગુલામનબી આઝાદ અને ભાજપની ભાગીદારી સાથે જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિને વધુ વણસાવવાની જેની ભૂમિકા હતી તે મહેબુબા મુફ્તીનો પણ સમાવેશ થાય છે. મહેબુબા મુફતી ક્યારે કઈ ભાષા બોલે છે, શા માટે બોલે છે, કોની તરફેણ કરે છે તે સહેલાઈથી સમજી શકાય તેમ છે. તેઓ મુખ્યમંત્રી બન્યા પછી જે રીતે રાજ કર્યું છે તેના કારણે જ જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદ એટલો બધો ઉંડો ઉતરી ગયો છે કે જેના પરિણામો હજી ત્યાંની પ્રજાને ભોગવવા પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી તેના અગાઉના દિવસે મહેબુબા મુફ્તીએ એવી વાત કરી કે જાે તાલીબાનો સાથે વાત થઈ શકે તો પાકિસ્તાન સાથે કેમ નહિ ?


બીજા દિવસે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં હાજરી તો આપી પરંતુ ત્યારબાદ પણ ફરીવાર આજ વાત દોહરાવી. જમ્મુ-કાશ્મીરના સંગઠન હુરિયતના નેતાઓ સાથે સરકાર ભૂતકાળમાં વાત કરી ચૂકી છે તેનું પરિણામ આવ્યું નથી. કારણ કે આ સંગઠનના નેતાઓની ભાષા જ અલગતાવાદની છે. આ વખતે મોદીએ આ નેતાઓને ન બોલાવ્યા તે સારૂ જ કર્યું છે.

કાશ્મીરને ફરી પૂર્ણ રાજ્યનો દરજ્જાે આપો, જલ્દી ચૂંટણી યોજાે, ફરી વિભાજન ન કરતાં આવી વાત થાય તે યોગ્ય છે, તેમાં વાંધો પણ નથી. ૩૭૦મી કલમનો અમલ ફરી શરૂ કરવાની કે ૩૭૦ કલમ પરત લાદવાની માગણી પણ થઈ શકે છે. ઘણાએ કરી પણ છે. આ બધી ભારતની આંતરીક બાબત અને જમ્મુ-કાશ્મીર તો શું પણ ભારતમાં કોઈપણ સ્થળે વસતો નાગરિક આવી માગણી સરળતાથી કરી શકે છે તેમા કોઈને વાંધો ન હોઈ શકે, હોવો પણ ન જાેઈએ. પરંતુ પાકિસ્તાન સાથે ચર્ચા કરવા માટે ભારતનું વલણ પહેલેથી સ્પષ્ટ છે. યુનોમાં પણ ભારતના પ્રતિનિધિએ ભૂતકાળમાં પણ અનેક વખત કહી દીધું છે કે પહેલા પાકિસ્તાનમાં આતંકની ફેકટરીઓ બંધ થાય. આતંકવાદને ટેકો આપવાનું બંધ થાય પછી જ પાકિસ્તાન સાથે ચર્ચા થઈ શકે. પાકિસ્તનની સરહદે અને તેમાંય પીઓકેની સરહદે તો આતંકવાદી ફેકટરીઓ હજી ચાલુ જ છે. ત્યાં લોંચીંગ પેડ પણ બન્યા જ છે. અગાઉ જણાવી ગયા તે પ્રમાણે પાકિસ્તાન હજી સુધર્યું નથી. સુધરવા માંગતું પણ નથી. ત્યારે તેની સાથે મંત્રણા કઈ રીતે થઈ શકે ?


તેમાંય મહેબુબા મુફતી કહે છે તે પ્રમાણે કાશ્મીર પ્રશ્ને તો પાકિસ્તાન સાથે મંત્રણાનો પ્રશ્ન જ નથી. હા, ભૂતકાળમાં ભારત સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહ મંત્રી અમીત શાહ સહિતના નેતાઓ કહી ચૂક્યા છે તે પ્રમાણે પાકિસ્તાને ગેરકાયેદસર રીતે હડપ કરેલા પચાવી પાડેલા ગેરકાયદેસર કબ્જાવાળા કાશ્મીરને પરત લેવા માટે ચર્ચા થઈ શકે છે.


પાકિસ્તાને આવી વાત ક્યારેય નથી કરી. પરંતુ ભારતને અધિકાર છે. પીઓકે પણ જમ્મુ-કાશ્મીર અને ભારતનો ભાગ છે. એટલા માટે તો અત્યારે જમ્મુ-કાશ્મીરમાં જે સીમાંકન પ્રક્રિયા ચાલે છે તેમાં પણ ભારતે ૧૨૪ સભ્યોની જમ્મુ કાશ્મીર વિધાસનસભામાં પીઓકે માટેની બેઠકો બાકી રાખી જ છે. અનામત રાખેલી જ છે અને જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પી.ઓ.કે.ને પ્રતિનિધિત્વ આપવાનું પણ નક્કી કરેલું જ છે.

મહેબુબા મુફ્તીએ એમ કહ્યું હોત કે પી.ઓ.કે. જમ્મુ કાશ્મીરમાં ભેળવી દેવા ચર્ચા કરો કે આક્રમક પગલું ભરો તો તે સારી વાત કહેવાત. બાકી પાકિસ્તાન સાથે મંત્રણા કરવાનો તો કોઈ સવાલ જ ઉભો થતો નથી. ભારત તાલીબાન શું, ગમે તેની સાથે ચર્ચા કરી શકે. કોની સાથે મંત્રણા કરવી, કોની સાથે ન કરવી તે ભારત સરકારનો અધિકાર છે. ભારતે ભૂતકાળમાં પાકિસ્તાન સાથે અનેક મંત્રણાઓ કરી છે. શુભેચ્છા ચેષ્ટાઓ પણ કરી છે. ૨૦૧૪માં વડાપ્રધાન મોદીએ દેશનું સુકાન પ્રથમ વખત સંભાળ્યું ત્યારે પણ તત્કાલીન વડા નવાઝ શરીફને દિલ્હી શપથવિધી સમારોહમાં અન્ય નેતાઓની સાથે બોલાવ્યા હતા. ત્યારબાદ પણ મોદી અને નવાઝ શરીફ વચ્ચે સાડી અને શાલનો ખેલ ખેલાયો હતો. નવાઝ શરીફના ઘેર પણ મોદી અફઘાનીસ્તાનથી સીધા જઈ આવ્યા છે. છતાંય તેના બદલામાં ભારતને આતંકવાદી હુમલા અને નાપાક સેનાના સરહદી હુમલા સિવાય બીજું કશું મળ્યું નથી. પાકિસ્તાને ક્યારેય આતંકવાદી સામે નક્કર પગલાં ભર્યા છે ખરા ? મસુદ અઝહર, હાફીઝ સઈદ, દાઉદ ઈબ્રાહીમ સહિતના ત્રાસવાદી તત્વો ભારતને પાછા સોંપાશે તેવી વાત કરી છે ખરી ? આનો જવાબ તો નકારમાં જ આવી શકે. પાકિસ્તાન જાે આતંકવાદને ડામવાને બદલે તેને પ્રોત્સાહન આપતુ રહે તો પછી ભારત તેની સાથે શા માટે મંત્રણા કરે ?

મહેબુબા મુફ્તી આમ તો ભાજપે દૂધ પાઈને ઉછરેલા સાપ (નાગણ) છે તેવું ઘણા લોકો કહે છે તે જરાય ખોટું નથી. ભાજપે પોતાના ભાગે (એન.ડી.એ.)ના ભાગે એક રાજ્ય વધે તે માટે ખેલાયેલો રાજકીય ખેલ આજે દેશને ભારે પડી રહ્યો છે. મહેુબબા શાસનના ચાર-સવા વર્ષ દરમિયાન જ ભારતમાં આતંકવાદી બનાવો વધ્યા છે. અલગતાવાદી તત્વોએ માર્ગ પર આવીને ભારતના જવાનો પર પથ્થરમારો કર્યો છે અને પોતાના કાર્યકાળ દરમિયાન આવા અલગતાવાદી તત્વો સામે મહેબુબા મુફ્તીએ કોઈ પગલાં ભર્યા નહોતા અને કમનસીબે તે વખતે કેન્દ્ર સરકાર માત્ર રિપોર્ટો મગાવીને સંતોષ માનતી હતી. હા, એક વાત છે કે જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા મુફ્તીની વિદાય બાદ જવાનો પર પથ્થરમારાના બનાવો બંધ થઈ ગયા છે તેની તો નોંધ લેવી જ પડે તેમાં ચાલે તેવું નથી. હવે આ બધી બાબતો વચ્ચે હવે મહેબુબા મુફ્તી પાકિસ્તાન રાગ આલાપી પાકિસ્તાની ભાષા બોલે અને છતાંય તેને યોગ્ય જવાબ આપવાની તસ્દી સત્તાધારી પક્ષના પ્રવક્તાઓ ન લે તે એક રહસ્યમય બાબત છે. સંરક્ષણ નિષ્ણાતો કહે છે તે પ્રમામે સરકારે મહેબુબા મુફ્તીને સાનમાં સમજાવવાનો અને પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીર માટે યોગ્ય કાર્યવાહી કરવા ૫૬ ઈંચ ની છાતી બતાવવાનો સમય હવે આવી ગયો છે.