Mehsana News: ટ્રેનની રાહ જોતી એક માતા માટે મહેસાણા રેલવે સ્ટેશન પર અજાણ્યા શખ્સ સાથેની ઓળખાણ ભારે પડી (Mehsana Child Kidnapping) છે. બાળકોને રમાડવા અને નાસ્તો કરાવવાના બહાને નજીક આવનારા એક યુવક પર મહિલાને વિશ્વાસ બેઠો હતો. જોકે, આ જ યુવક તેના ત્રણ વર્ષના દીકરાને નાસ્તો કરાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો અને ત્યારબાદ પરત ફર્યો જ નહીં. મહિલાએ સ્ટેશન પર શોધખોળ કરી, પરંતુ બાળકનો પત્તો ન લાગતાં આખરે રેલવે પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે.
Mehsana Child Kidnapping: ટ્રેન બદલતાં મહેસાણા સ્ટેશન પર ઊતરવું પડ્યું
ફરિયાદ મુજબ, મહિલા પોતાના બે બાળકો સાથે દિવાળીના બીજા દિવસે સવારે સાબરમતી રેલવે સ્ટેશનથી રાજસ્થાન જવા માટે જનરલ કોચમાં બેઠી હતી. મુસાફરી દરમિયાન ઊંઘ આવી જતાં ટ્રેન મહેસાણા પહોંચી ત્યારે તે જાગી હતી. ટ્રેન પાટણ તરફથી જોધપુર જતી હોવાનું અને પોતાને સિરોહી તરફ જવાનું હોવાથી મહિલા બંને બાળકો સાથે મહેસાણા સ્ટેશન પર ઊતરી ગઈ હતી.
ત્યારબાદ તે પ્લેટફોર્મ નંબર 4 અને 5 પાસે આવેલા સ્ટોલ નજીક બાળકો સાથે બેઠી હતી. આ દરમિયાન તેની મુલાકાત આશરે 25થી 30 વર્ષના અજાણ્યા યુવક સાથે થઈ હતી.
બાળકો સાથે હળીમળીને વિશ્વાસ જીત્યો
મહિલાએ અજાણ્યા યુવક પાસેથી ગુટખાની બે પડીકી લીધી હતી. ત્યારબાદ યુવક તેના બાળકો સાથે રમવા લાગ્યો હતો અને નજીકના સ્ટોલ પરથી તેમને ચા-પાણી તથા નાસ્તો પણ કરાવતો હતો. આ રીતે યુવક સાથે ઓળખાણ વધતાં મહિલાને તેના પર વિશ્વાસ બેઠો હતો.
સાંજે આશરે પાંચ વાગ્યાના અરસામાં મહિલાના ત્રણ વર્ષના દીકરાને ભૂખ લાગતાં યુવક તેને નાસ્તો કરાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. જોકે, એક કલાક જેટલો સમય પસાર થવા છતાં તે બાળક સાથે પરત આવ્યો નહોતો (Child Kidnapping). મહિલાએ સ્ટેશન પર બાળકની શોધખોળ કરી, પરંતુ કોઈ ભાળ મળી નહોતી.
મહેસાણા સહિત અનેક સ્ટેશનો પર બાળકની શોધખોળ
મહિલાને શરૂઆતમાં આશંકા હતી કે યુવક બાળકને નજીકના પોલીસ સ્ટેશનમાં મૂકી ગયો હશે. આથી તે આબુરોડ સ્ટેશન પર પહોંચી હતી, પરંતુ ત્યાં પણ બાળક મળ્યો નહોતો. ત્યારબાદ મહેસાણા, અમદાવાદ અને પાલનપુર સહિતના રેલવે સ્ટેશન વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં બાળકની કોઈ માહિતી ન મળતાં મહિલાએ મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા યુવક વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ
તપાસનીશ PI જે.જી. દેસાઈના જણાવ્યા મુજબ, બાળકને લઈ જનાર યુવકને શોધવા માટે રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા (Railway Station CCTV) છે. બાતમીદારોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જુદી જુદી ટીમો બનાવી બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આરોપીની ઓળખ માટે પોલીસે આપી વિગતો
ફરિયાદમાં જણાવ્યા મુજબ, બાળકને લઈ જનાર યુવકની ઉંમર આશરે 25થી 30 વર્ષની છે. તેના વાળ કાળા અને આશરે ત્રણ ઇંચ લાંબા છે. તે હિન્દી ભાષા બોલે છે. યુવકે કાળા રંગનું સફેદ ફૂલની ભાતવાળું શર્ટ અને આસમાની રંગનું જીન્સ પહેર્યું હતું. તેના પગમાં ચપ્પલ પણ નહોતાં.
પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી બાળકને શોધવા અને આરોપીને ઝડપી પાડવા તપાસ તેજ કરી (Gujarat Crime News) છે.
આ પણ વાંચો: 5 વર્ષની બાળકીના અપહરણનો આરોપી અમદાવાદથી ઝડપાયો
આ પણ વાંચો: ‘હું તો કુટુંબી મામો છું’ – ધ્રોલમાં બાળકીનું અપહરણ કરનાર કાજુ બુંદેલીયાનો લૂલો બચાવ
