Ahmedabad News/ મોદીએ ઇટાલીના PMને આપેલી ‘મેલોડી’ ની કોપી કરતાં અમદાવાદની ફેક્ટરી પર કોર્ટના કડક એક્શન

પ્રખ્યાત ચોકલેટ ‘મેલોડી'(Melody) ની આબેહૂબ નકલ કરીને ‘માય ડેડી’ નામથી ચોકલેટ વેચતી અમદાવાદની બાપુજી ફૂડ્સ કંપની પર કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. પીએમ મોદી અને ઇટાલીના પીએમ મેલોનીના વીડિયો બાદ ચર્ચામાં આવેલી મેલોડી ચોકલેટના આ વિવાદ પર વાંચો વિસ્તૃત અહેવાલ.

Top Stories Viral Video Ahmedabad Gujarat
Melody

PM Modi Meloni Candy Viral Effect: પ્રખ્યાત ચોકલેટ ‘મેલોડી’ (Melody) ની ડુપ્લિકેટ પ્રોડક્ટ ‘માય ડેડી’ (My Dady) અમદાવાદમાંથી સામે આવી છે. જેમાં જાણીતી કંપની ‘પારલે’ની ઓરિજિનલ બ્રાન્ડના પેકિંગ અને દેખાવની આબેહૂબ નકલ કરીને અમદાવાદના એક ઉત્પાદકે ‘માય ડેડી’ ચોકલેટ બજારમાં મૂકી હતી. ટ્રેડમાર્કના ઉલ્લંઘન બદલ પારલે કંપનીએ કાયદાકીય પગલાં ભરતાં, કોર્ટે ગ્રાહકોમાં ગેરસમજ ન ફેલાય તે માટે આ નકલી ચોકલેટના પ્રોડક્શન અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.

મોદીએ ઇટાલીના PMને આપી હતી ‘Melody’ ની ભેટ

ઉલ્લેખનીય છે કે, 20 May 2026 ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ‘મેલોડી'(Melody) ટોફી ભેટમાં આપી હતી. વડાપ્રધાન મેલોનીએ X (ટ્વિટર) પર ભેટ સ્વીકારતો વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે- “વડાપ્રધાન મોદી મારા માટે ભેટમાં ખૂબ જ સરસ ટોફી લાવ્યા છે- મેલોડી. ભેટ માટે આભાર.” આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો, જેને ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન (10 કરોડ) થી વધુ વ્યુઝ અને X પર 74 લાખથી વધુ વ્યુઝ મળ્યા હતા. ત્યારથી દેશ-વિદેશમાં ‘મેલોડી’ બ્રાન્ડ ભારે ચર્ચામાં છે.

Melody

ટ્રેડમાર્ક એક્ટ હેઠળ દિલ્હી કોર્ટમાં દાવો દાખલ

‘મેલોડી(Melody) ઇતની ચોકલેટી ક્યું હૈ?’ ના પ્રખ્યાત સ્લોગન સાથે અત્યંત લોકપ્રિય ‘પારલે પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ’ કંપનીએ ટ્રેડમાર્ક એક્ટ, 1999 હેઠળ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કાયમી મનાઈ હુકમ માટે દાવો દાખલ કર્યો છે. પારલે કંપની વર્ષ 1973 થી ‘MELODI’ અને વર્ષ 1983 થી ‘MELODY’ ટ્રેડમાર્ક, ચોક્કસ કલર કોમ્બિનેશન અને વહેતા મ્યુઝિકલ સિમ્બોલ્સવાળા વિશિષ્ટ ટ્રેડ પેકેજિંગનો ઉપયોગ કરે છે.

પારલેનો આરોપ છે કે અમદાવાદની ‘બાપુજી ફૂડ્સ પ્રોડક્ટ્સ’ ચોકલેટ અને કન્ફેક્શનરીના વ્યવસાયમાં તેમના જ ટ્રેડમાર્ક અને પેકેજિંગને મળતું આવે તેવું ‘MYDADY’ નામ, સમાન કલર કોમ્બિનેશન તથા મ્યુઝિકલ સિમ્બોલ્સ વાપરી રહી છે, જે ગ્રાહકોમાં ભ્રમણા પેદા કરે છે. કોર્ટે બંને પ્રોડક્ટ્સની સરખામણી જોયા બાદ પ્રાથમિક દ્રષ્ટિએ પારલેના પક્ષને મજબૂત માન્યો છે અને ‘MYDADY’ ના ઉત્પાદન, માર્કેટિંગ, વેચાણ કે જાહેરાત પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી છે.

 ફેક્ટરી સીલ કરવા કોર્ટનો આદેશ

અદાલતે બાપુજી પ્રોડક્ટ્સને તેમની વેબસાઇટ, સોશિયલ મીડિયા અથવા એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી પણ આ વિવાદિત પ્રોડક્ટ્સના લિસ્ટિંગ તાત્કાલિક દૂર કરવા આદેશ આપ્યો છે. પુરાવા નષ્ટ ન થાય તે માટે કોર્ટે એડવોકેટ મેઘા પરાશરને ‘લોકલ કમિશનર’ તરીકે નિયુક્ત કર્યા છે, જેઓ અમદાવાદ ખાતે આવેલી બાપુજી ફૂડ્સની ફેક્ટરીની મુલાકાત લેશે.

લોકલ કમિશનરને વિવાદિત નકલવાળો તમામ સામાન, હિસાબી ચોપડા અને ઇન્વોઇસ જપ્ત કરવાની તથા જરૂર પડે તો સ્થાનિક પોલીસની મદદ લઈને ફેક્ટરીનું તાળું તોડવાની પણ સત્તા અપાઈ છે. આ સમગ્ર પ્રક્રિયાની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવશે. કોર્ટે બાપુજી ફૂડ્સને સમન્સ જારી કરીને 30 દિવસમાં આ અંગે કોર્ટમાં લેખિત જવાબ રજૂ કરવા જણાવ્યું છે.


આ પણ વાંચો : PM મોદીનો ઇટાલી પ્રવાસ, જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાતથી ભારત-ઇટાલી સંબંધોને મળશે નવી દિશા

આ પણ વાંચો :વો તો ચલતા રેહતા હૈ…’: PM મોદીએ ઇટાલિયન PM જ્યોર્જિયા મેલોની સાથે મીમ્સ પર કર્યો ખુલાસો

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલ મુદ્દે AAPનો ચોકલેટ વિરોધ