Kutch News: ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાના અભિયાન અંતર્ગત ગુજરાત ATS અને પશ્ચિમ કચ્છ SOG પોલીસને સંયુક્ત કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે. કચ્છના મહત્વના મુન્દ્રા પોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં કરોડો રૂપિયાની કિંમતનો માદક પદાર્થ જપ્ત થયો છે.
માહિતી મુજબ દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર ડ્રગ્સ હેરાફેરી અંગે ચોક્કસ બાતમી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ કાર્યવાહી હાથ ધરી હતી. શંકાસ્પદ વિદેશી જહાજને ખુલ્લા સમુદ્રમાંથી અટકાવીને મુન્દ્રા પોર્ટ પર લાવવામાં આવ્યું હતું.
પોર્ટ પર જહાજની સઘન તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં કોકેઇન મળી આવ્યું હતું. ATSના પ્રાથમિક અંદાજ મુજબ કુલ 115 કિલોગ્રામ કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 500 કરોડ રૂપિયા જેટલી થાય છે.
આ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી એક મુખ્ય આરોપીની અટકાયત પણ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ભારતમાં કયા સ્થળે તેની સપ્લાય થવાની હતી તે અંગે તપાસ ચાલી રહી છે.
આ મોટી સફળતા બાદ રાજ્યના તમામ સમુદ્રી બંદરો અને કાંઠા વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓએ મોનિટરિંગ વધુ કડક બનાવ્યું છે, જેથી આવા આંતરરાષ્ટ્રીય નેટવર્કને આગળની હેરાફેરી અટકાવી શકાય.
આ પણ વાંચો: જૂનાગઢ ગિરનાર રોપ-વેમાં વાર્ષિક મેન્ટેનન્સ, 9 દિવસ સેવા રહેશે સ્થગિત
આ પણ વાંચો: દાહોદના ઘુમણી ગામમાં સરપંચ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ
