Child Trafficking Racket Ahmedabad: અમદાવાદ શહેરમાં બાળકોની લે-વેચ કરતી એક ખતરનાક ગેંગનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ સંયુક્ત ઓપરેશનમાં પર્દાફાશ કર્યો છે. એરપોર્ટ નજીકથી પોલીસે એક નવજાત બાળકને બચાવી લીધું છે, જેને 3.60 લાખ રૂપિયામાં વેચવા માટે હૈદરાબાદ લઈ જવામાં આવી રહ્યું હતું. આ કેસમાં પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

હિંમતનગરથી હૈદરાબાદ સુધી ફેલાયેલા તાર
પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે એરપોર્ટ પાસે કોતરપુર નજીક હિંમતનગરથી આવતી એક શંકાસ્પદ કારને રોકીને તપાસ કરવામાં આવતા તેમાંથી એક નવજાત શિશુ મળી આવ્યું હતું. આ મામલે થયેલી પૂછપરછમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ બાળકને હિંમતનગરના ‘મુન્ના’ નામના વ્યક્તિ પાસેથી 3.60 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું અને તેને હૈદરાબાદના એજન્ટ ‘નાગરાજ’ને વધુ ઊંચી કિંમતે વેચવાનો પ્લાન હતો.
Child Trafficking Racket: ધરપકડ કરાયેલા આરોપીઓ
પોલીસે જે ચાર શખસોની ધરપકડ કરી છે તેમાં હૈદરાબાદનો રોશન અગ્રવાલ, ઉત્તર પ્રદેશનો સુમિત યાદવ, અમદાવાદની વંદના પંચાલ અને કાર ડ્રાઈવર મૌલિક દવેનો સમાવેશ થાય છે. હાલ નવજાત બાળકને ચાઈલ્ડ હેલ્થ ઓફિસરને સોંપી સુરક્ષિત કરવામાં આવ્યું છે.

6 મહિના પહેલા પણ ધોળકાથી બાળકીનું અપહરણ થયું હતું
બાળ તસ્કરીની આ પહેલી ઘટના નથી, કારણ કે અગાઉ ધોળકાના એક IVF સેન્ટરમાં કામ કરતી નર્સ મનીષા સોલંકીએ જ વિલન બની 7 મહિનાની બાળકીનું અપહરણ કર્યું હતું. આ બાળકીને મહારાષ્ટ્રમાં વેચવાનું મોટું રેકેટ ચાલતું હતું, પરંતુ અમદાવાદ ગ્રામ્ય પોલીસે સતર્કતા દાખવી છેક સંભાજીનગર (ઔરંગાબાદ) પહોંચી આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને બાળકીને હેમખેમ છોડાવી હતી.
આ પણ વાંચો:દાહોદમાં બાળ તસ્કરીના આંતર રાજ્ય ગેંગનો પર્દાફાશ, બાળકોને ઉઠાવી મંગાવતા હતા ભીખ
આ પણ વાંચો:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરીના રેકેટનો કર્યો પર્દાફાશ
આ પણ વાંચો:દિલ્હીમાં બાળ તસ્કરી કેસમાં CBIના દરોડા, હોસ્પિટલમાંથી બાળકો ગુમ થવાની ઘટનાઓ વધતા હાથ ધરી તપાસ
