Vapi Meril Company Accident: ભારે વરસાદ વચ્ચે મેરિલ કંપનીમાં બનેલી એક ગંભીર દુર્ઘટનામાં (Meril Company Accident) વીજ કરંટ લાગવાથી (Electric Shock) એક કામદારનું મોત થયું છે, જ્યારે અન્ય સાત કામદારો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે કંપનીની સલામતી વ્યવસ્થા અને કામકાજની પદ્ધતિ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
વીજ કરંટ લાગતાં એક કામદારનું મોત
પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં બદ્રુદ્દીન મોહમ્મદ આઝમનું વીજ કરંટ (Meril Company Accident) લાગવાથી મૃત્યુ થયું હતું. ઘટનાના પગલે કંપની પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘાયલ કામદારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સાત કામદારો ઘાયલ, એકની હાલત ગંભીર
આ અકસ્માતમાં શાહિદ ખાન, કલીમ ખાન, સદાબ ખાન, નૂર આલમ, રહીસુદ્દીન, મન્નુ સહિત કુલ સાત કામદારો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોમાં રહીસુદ્દીનની હાલત સૌથી વધુ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે અને તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે.
વરસાદી પાણી વચ્ચે હેવી લિફ્ટર ખસેડવાનો આક્ષેપ
ઘટના અંગે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપની પરિસરમાં ભારે વજન ઉપાડતા ‘હેવી લિફ્ટર’ મશીનને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવી રહ્યું હતું. તે સમયે વરસાદને કારણે આસપાસ પાણી ભરાયેલું હોવા છતાં કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

કરંટ લીક થતાં સર્જાયો અકસ્માત
પ્રાથમિક માહિતી મુજબ મશીન ખસેડવાની પ્રક્રિયા દરમિયાન વીજ કરંટ લીક થયો હતો, જેના કારણે નજીકમાં કામ કરી રહેલા કામદારો તેની ઝપેટમાં આવી ગયા. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટતા થશે.
બેદરકારીના આક્ષેપો, તપાસ શરૂ
ઘટના બાદ કંપની સામે સલામતીના નિયમોમાં બેદરકારી રાખવાના આક્ષેપો થઈ રહ્યા છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સંબંધિત અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે અને તપાસના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
સલામતીના નિયમો અંગે ફરી ઉઠ્યા પ્રશ્નો
આ દુર્ઘટના બાદ ઔદ્યોગિક એકમોમાં વરસાદી મોસમ દરમિયાન વીજળી અને ભારે મશીનરી સાથે કામ કરતી વખતે સલામતીના નિયમોનું કડક પાલન થાય છે કે નહીં, તે મુદ્દે ફરી ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે આવી દુર્ઘટનાઓ ટાળવા માટે નિયમિત સલામતી નિરીક્ષણ અને જરૂરી તકેદારી અત્યંત આવશ્યક છે.
આ પણ વાંચો: વડોદરા પાણીગેટમાં તૂટેલા ગટરના ઢાંકણામાં રિક્ષા ખાબકી, ચાલકનો આબાદ બચાવ; પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલ
આ પણ વાંચો: બહેરામપુરામાં અંગત અદાવતમાં યુવકની હત્યા,આરોપી ઝડપાયો
