- કોંગ્રેસના ધારાસભ્યના ગૃહમાં આક્ષેપ
- દરોજ રૂ.2 કરોડ જેટલી રકમ ગાંધીનગર પહોંચે છે
- ગૃહમાં બેઠેલા સામે પણ ખનિજચોરીના કેસ થયેલા
@સોનલ અનડકટ, ગાંધીનગર
વિધાનસભામાં ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ગંભીર આક્ષેપ કર્યા હતા. કરોડોના ખર્ચે બનેલા ભાદર-2 ડેમમાં થતી રેતીચોરીના કારણે ડેમને નુકસાન થઈ રહયાનું ધારાસભ્યે જણાવ્યું હતું.
લલિત વસોયાએ ચર્ચા દરમિયાન કહ્યું કે, ભાદર-૨ ડેમ અને તેની હસ્તકના 12 ચેકડેમમાંથી રેતીચોરી કરનારા ખનિજચોરો મુદ્દે વિભાગના મંત્રીને પુરાવા સાથે 2019માં પત્ર લખવા છતાં પોલીસ ફરિયાદ નોંધાતી નથી. કેગના રિપોર્ટ માં પણ ખનિજચોરીના કારણે ડેમને નુકસાન થતું હોવાનો ઉલ્લેખ છે. ગાંધીનગર સુધી ખનિજચોરોની સાંઠગાંઠ છે અને દરરોજ રૂ. 2 કરોડ જેટલી રકમ ગાંધીનગર સુધી પહોંચે છે. વસોયાના આ નિવેદન સામે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી પુરાવા રજૂ કરવાની માંગણી કરી હતી. જોકે અધ્યક્ષે પોઇન્ટ ઓફ ઓર્ડર માન્ય રાખ્યો નહતો.
લલિત વસોયાએ જણાવ્યું કે ગૃહમાં બેઠેલા કેટલાક લોકો પર પણ ખનિજચોરીના કેસ થઈ ચૂક્યા છે અને એ મુદ્દે પોરબંદર નો દાખલો મોજુદ છે. આ શબ્દો સામે અધ્યક્ષે વાંધો ઉઠાવી શબ્દોને રેકર્ડ પરથી દૂર કર્યા હતા. વસોયાએ ઉમેર્યું કે ખનિજચોરો બેફામ બન્યા છે અને વિરોધ કરનારના ટાટિયા ભાંગી નાખવામાં આવે છે. 20 દિવસ પહેલા જ આવી ઘટના સામે આવી છે ત્યારે સરકાર ખનિજચોરો સામે પગલાં લે તેવી માગણી વસોયાએ કરી હતી.
લલિત વસોયાના વક્તવ્ય દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો ‘અડીખમ ભ્રષ્ટાચાર’ જેવા શબ્દો બોલી પાટલી થપથપાવીને વસોયાને સમર્થન આપી રહયા હતા.
